કચ્છના મુન્દ્રા બંદર ખાતે ગુજરાત પોલીસની એન્ટી કરપ્શન બ્યુરો (ACB)એ કસ્ટમ વિભાગના બે સુપરિન્ટેન્ડન્ટને વચેટિયા સાથે પકડી પાડ્યા છે. મીડિયા રિપોર્ટ અનુસાર આ કેસમાં આરોપીઓ શૈલેષ ગંગદેવ (સુપ્રિન્ટેન્ડેન્ટ ઑફ કસ્ટમ, ક્લાસ 2 ઑફિસર), આલોકકુમાર દુબે, કસ્ટમ્સ સુપરિન્ટેન્ડેન્ટ (પ્રિવેન્ટિવ ડિપાર્ટમેન્ટ, ક્લાસ 2 ઑફિસર) અને રમેશ ગઢવી નામના વચેટિયાની ધરપકડ કરવામાં આવી છે.
આ કેસમાં ફરિયાદીએ વિદેશથી હેન્ડબેગ મંગાવી હતી, જેનું એક કન્ટેનર મુન્દ્રા પોર્ટ પર આવ્યું હતું. કોઈ પ્રશ્ન ન ઉઠાવવા અને પોર્ટ પરથી કન્ટેનર ક્લિયર કરવા માટે આરોપી કસ્ટમ અધિકારીઓ અને એક વચેટિયાએ ફરિયાદી સાથે વાતચીતમાં 1 લાખ રૂપિયાની લાંચની માંગણી કરી હતી.
ફરિયાદી લાંચ આપવા તૈયાર ન હોવાથી તેણે ભુજના કચ્છ (પશ્ચિમ) એસીબી પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો હતો, જેના પગલે આજે મુન્દ્રા પોર્ટ ખાતે છટકું ગોઠવવામાં આવ્યું હતું, જ્યાં કસ્ટમ અધિકારી શૈલેષ ગંગદેવ અને વચેટિયા ગઢવી લાંચ લેવા હાજર થયા હતા, જ્યારે આલોક કુમાર દુબેએ ટેલિફોન પર વાતચીત કરી હતી. એસીબીના જણાવ્યા અનુસાર કસ્ટમ ઓફિસર શૈલેષ ગંગદેવે લાંચ લીધી હતી, ત્યારબાદ તેને એક વચેટિયા સાથે પકડી પાડવામાં આવ્યો હતો. ભુજના કચ્છ (પશ્ચિમ) એસીબી પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ પોલીસ ઈન્સ્પેક્ટર એલ.એસ.ચૌધરી તથા સ્ટાફે ટ્રેપની કાર્યવાહી કરી હતી.