વિધાનસભામાં નાણાં અને ઉર્જા વિભાગની ચર્ચા દરમિયાન ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ ગુજરાત સરકારની દેવુ કરીને ઘી પીવાની નિતી સામે આકરા પ્રહાર કર્યા
નાણાંકીય વર્ષના અંતે રાજ્ય ઉપરનું કુલ દેવુ વધીને રૂપિયા ૪.૧૭ લાખ કરોડ થઈ જવાનું છે, સરકાર જવાબ આપે કે ગુજરાત સમૃદ્ધ રાજ્ય છે તો આટલુ દેવુ કેમ કરવુ પડે છે? – અર્જુન મોઢવાડિયા
અમદાવાદ
આજે ગુજરાત વિધાનસભામાં નાણાં અને ઉર્જા વિભાગની ચર્ચા દરમિયાન માન. ધારાસભ્યશ્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ ગુજરાત સરકારની દેવુ કરીને ઘી પીવાની નિતી સામે આકરા પ્રહાર કર્યા હતા. ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયાએ જણાવ્યું હતું કે સમય બદલાય તેમ આવકની પ્રાથમિક્તા બદલાતી હોય છે. માન. નાણામંત્રી નાણાં વિભાગની જે માંગણીઓ લઈને આવ્યા છે તેમાં કુલ મહેસુલી આવકના ૧૧.૮૦ ટકા રકમ ફક્ત વ્યાજ ચુકવવામાં જાય છે. ૨૧.૩૩ ટકા પગાર ખર્ચ પાછળ અને ૧૧.૯૦ ટકા પેન્શન ખર્ચમાં જાય છે. એટલે કે વ્યાજ ચુકવણી, પગાર ખર્ચ અને પેન્શન ખર્ચ પાછળ ૪૫.૦૩ ટકાનું ચુકવણું થાય છે. મહેસુલી આવકની માત્ર ૪૭ ટકા રકમ આપણે લોક કલ્યાણ પાછળ ફાળવીએ છીએ. શ્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ જણાવ્યું હતું કે એક સમયે ગુજરાત ઉપર એક રૂપિયાનું દેવુ ન હતું. પરંતુ હવે બજેટના નાણાંકીય વર્ષના અંતે રાજ્ય ઉપરનું કુલ દેવુ વધીને રૂપિયા ૪ લાખ ૧૭ હજાર ૯૭૮ કરોડ થઈ જવાનું છે. સરકાર જવાબ આપે કે ગુજરાત સમૃદ્ધ રાજ્ય છે તો આટલુ દેવુ કેમ કરવુ પડે છે? સરકાર નવુ કંઈ નથી કરતી છતાં દેવુ વધી રહ્યું છે, કર્મચારીઓની સંખ્યા વર્ષ ૨૦૨૨-૨૩ માં ૪,૯૦,૦૦૯ હતી. આજે ઘટીને ૪,૬૭,૩૯૦ થઈ ગઈ છે છતાંપણ બજેટમાં ખર્ચ વધતો જાય છે.
ઉર્જા વિભાગની માંગણીઓ અંગેની ચર્ચા કરતા શ્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ જણાવ્યું હતું કે ગુજરાત વર્ષ ૧૯૯૦ માં જ ૧૦૦ ટકા ગામડાઓ સુધી વીજળી પહોંચાડનાર દેશનું પ્રથમ રાજ્ય બની ગયુ હતું. તે સમયની કોંગ્રેસ સરકારે ફ્રી વીજળી કનેક્શન આપેલા. કોંગ્રેસની સરકારે કોઈ કર્જ લીધા વગર ઉકાઈ ડેમ બનાવ્યો અને ઉકાઈ ટી.પી.એસ. થર્મલ પાવર સ્ટેશન બનાવ્યું. એ પણ સ્વદેશી ભેલની ટેક્નોલોજીથી બનાવ્યુ. યુકાઈ ટી.પી.એસ. ના ચાર યુનિટ વર્ષ ૧૯૮૫ માં બની ગયા, જ્યારે પાંચમુ યુનિટ વર્ષ ૨૦૧૩ માં અને છઠ્ઠુ યુનિટ વર્ષ ૨૦૧૭ માં બન્યુ. ઉકાઈ ટી.પી.એસ. ની કેપિસિટી ૧૩૫૦ મેગાવોટ હતી. એમાંથી આપણે યુનિટ -૧ અને ૨ ને રિટાયર્ડ કરી દીધા એટલે ઘટીને ૧૧૧૦ મેગાવોટ થઈ ગઈ. ગાંધીનગરમાં બન્ને યુનિટ ૭૮૦ મેગાવોટ કેપિસિટીના હતા. તેને ઘટાડીને વર્ષ ૨૦૧૬ માં ૬૩૦ મેગાવોટ કરી દેવામાં આવી. વણાકબોરીમાં ૧ થી ૭ યુનિટ વર્ષ ૧૯૮૮ સુધી બની ગયા હતા અને તેની કેપિસિટી ૧૪૭૦ મેગાવોટ હતી. સિક્કાના બે યુનિટની કેપિસિટી ૭૪૦ હતી. વર્ષ ૧૯૯૮ માં તે પણ બની ગયા હતા. કચ્છમાં ૨૯૦ મેગાવોટ કેપિસિટીના લિગ્નાઈટ ટી.પી.એસ. બન્યા તેમાંથી વર્ષ ૨૦૨૦ માં બે યુનિટ રિટાયર્ડ કરી દેવાયા. ભાવનગર લિગ્નાઈટ ૫૦૦ મેગાવોટનું બન્યું. આખા ગુજરાતનું પહેલું ઓઈલ અને ગેસ આધારીત ટી.પી.એસ. ઘુવારણમાં જી.ઈ.બી. બન્યુ, એ ૫૩૪ મેગાવોટ કેપિસિટીનું હતું. એમાંથી બે યુનિટ રિટાર્યડ કરી દેવામાં આવ્યા, જેની સામે નવા બનાવાયા નહીં. ઉતરાણમા સી.સી.પી.પી ૧ અને ૨ વર્ષ ૧૯૯૨-૯૩ માં બન્યા એમાંથી ૧૩૫ મેગાવોટ રિટાયર્ડ કરી દેવાયુ. ઉકાઈ હાઈડ્રોપાવર કોંગ્રેસે બનાવ્યુ, જે આજે ૩૦૫ મેગાવોટ કેપિસિટી સાથે ચાલુ છે. કડાણા અને પાનમ કેનાલ આધારીત યોજના થઈ એમાં ૨૪૦ મેગાવોટનું યુનિટ બન્યુ અને બીજા બે યુનિટ બન્યા. આ બધા કોંગ્રેસના શાસનમાં બન્યા હતા. આ સરકરે વીજળી ઉત્પાદનમાં વધારો તો કર્યો નથી, ઉલ્ટાનો ઘટાડો કર્યો છે. શ્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ જણાવ્યું હતું કે જે લિગ્નાઈટ બેઈઝ પાવર સ્ટેશનની કેપિસિટી ૧૨૦૦ મેગાવોટની છે, એમાંથી માત્ર ૭૦૭ જ ઉપયોગ થાય છે. આપણે બહારથી મોંઘા ભાવે વીજળી ખરીદીએ છીએ.
શ્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ જણાવ્યું હતું કે ગ્રીન હાઈડ્રોજન પ્રોજેક્ટ માટે બીડીંગ કરવાની જગ્યાએ રીલાયન્સ એન્જીનીયરીંગને ૭૪૫૭૦ હેક્ટર, અદાણીને ૮૪૪૮૬ હેક્ટર, ટોરેન્ટ પાવરને ૧૮૦૦૦ હેક્ટર, એ.એમ.એન.એસ. આર્સેલર મિત્તલ કંપનીને ૨૨૦૦૦ અને વેલ્સપન કંપનીને ૮૦૦૦ હેક્ટર એમ કુલ ૨,૦૭,૪૩૬ હેક્ટર જમીન આપી દેવામાં આવી છે. તેમાં છતાં આ કંપનીઓ ગ્રીન હાઈડ્રોજન પ્રોજેક્ટની ઈકો સિસ્ટમ માટે કોઈ કામ કર્યુ નથી. શ્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ જણાવ્યું હતું કે વીન્ડ એનર્જી અને સોલર એનર્જીમાં આપણી પાસે અનેક તકો પડેલ છે. તેનો યોગ્ય ઉપયોગ કરવામાં આવે તો આપણે ખાનગી કંપનીઓ પાસેથી મોંઘા ભાવે વીજળી ખરીદવી ના પડે.