લોકસભા ચૂંટણી પૂર્વે જ ભાજપમાં ઉમેદવારોની જ સેન્સ મેળવવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. લોકસભા ચૂંટણીમાં ગુજરાતની 26માંથી બે જ બેઠકો ગાંધીનગરમાંથી અમિત શાહ અને નવસારીમાંથી સી.આર. પાટિલ નિશ્ચિત માનવામાં આવી રહ્યા છે. ગુજરાતની 26 બેઠકો પર સેન્સ મેળવવાની પ્રક્રિયા પછી સીએમ ભુપેન્દ્ર પટેલ, પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ અને ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને સંગઠન મહામંત્રી રત્નાકર દિલ્હી પહોંચી ગયા છે અને દાવેદારોની રજૂઆત કરી છે.
આ અંગે મળતી વિગત મુજબ ગુજરાતના મોટાભાગના એટલે કે કુલ 26માંથી 8 બેઠકોને બાદ કરતાં 18 સાંસદે ઘેર બેસવું પડી શકે છે. વિધાનસભામાં 2022માં નવા ચહેરાને મળેલી સફળતાને ધ્યાનમાં લઈને લોકસભા 2024માં પણ વડાપ્રધાન મોદી અને ગૃહપ્રધાન અમિત શાહની જોડી સંગઠનમાં અને સ્થાનિક સ્તરે નામની ચર્ચા જ ન હોય તેવા યુવા ચહેરાઓને ઉમેદવાર તરીકે જાહેર કરીને સૌને ચોંકાવી શકે છે. આમ ગુજરાતની 26 પૈકી આઠ બેઠક પર જ ઉમેદવારો રીપિટ થઈ શકે છે. આમ 18 બેઠક પર નવા ચહેરાઓને સ્થાન મળી શકે છે.
ગાંધીનગર ઉપરાંત મધ્ય ગુજરાતની ચાર લોકસભા બેઠક અને અમદાવાદની બે લોકસભા બેઠક પર પણ ભાજપ નવા ચહેરાને મેદાનમાં ઉતારી શકે છે. સૌરાષ્ટ્રની વાત કરીએ તો ભાજપ આઠમાંથી બે સીટ પર જ સાંસદોને રીપીટ કરી શકે છે. આમ છ સાંસદોએ ઘરે બેસવું પડશે તેમ મનાય છે. સૌરાષ્ટ્રમાં બે બેઠક પર સાંસદ રીપીટ થાય તેમા જામનગરથી પૂનમ માડમ અને પોરબંદરથી રમેશ ધડૂકની પ્રબળ સંભાવના છે.
આમ અન્ય છ સીટ પરથી સાંસદોનું પત્તુ કપાઈ શકે છે તેમા જૂનાગઢથી રાજેશ ચુડાસમા, રાજકોટથી મોહન કુંડારિયા, ભાવનગરથી ભારતીબેન શિયાળ, અમરેલીથી નારણ કાછડિયા, સુરેન્દ્રનગરથી ડો. મહેન્દ્ર મુંજપરા, કચ્છથી વિનોદ ચાવડાનો સમાવેશ થાય છે. હાલમાં ચર્ચા હોય તો કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાની ઉમેદવારીની છે. તેમને કઈ બેઠક પરથી ઉતારાય તેની ચર્ચા પક્ષમાં ચોરે અને ચૌટે ચાલી રહી છે. તેમને સૌરાષ્ટ્રની ચારમાંથી ગમે તે એક બેઠક પર ઉતારાઈ શકે છે. તેમને રાજકોટ બેઠક પરથી ઉતારાય તેવી પ્રબળ સંભાવના છે.