ગુજરાતમાં પ્રોપર્ટીના ભાવ સતત ઉંચકાઈ રહ્યાં છે. સરકાર નાની પાલિકાઓને પણ મહાનગર પાલિકાઓ બનાવી રહી છે. ગુજરાતમાં મેગા સીટીની આસપાસની જમીનોના ભાવ કરોડોમાં પહોંચ્યા છે. આમ છતાં બિનખેતી કરાવવાની જફા, સરકારનું ઉંચું પ્રીમિયમ અને ખેડૂત ના હોય તેવો વ્યક્તિ ખેતીની જમીન ખરીદી ન શકતો હોવાના નિયમોને પગલે ગુજરાતમાં પ્રોપર્ટીના ભાવમાં ઉછાળો જોવા મળી રહ્યો ન હતો.હવે સરકાર કેટલાક નિયમોમાં ફેરફાર કરવા જઈ રહી હોવાથી આગામી દિવસોમાં પ્રોપર્ટી માર્કેટમાં બૂમ આવે તો નવાઈ નહીં.
ગુજરાતની ભૂપેન્દ્ર પટેલ સરકાર ગણોતધારાના કાયદામાં ધરખમ ફેરફારો કરવા જઈ રહી છે. ગુજરાતના જ મોટા ગજાના કેટલાય બિલ્ડરો અને ઉદ્યોગપતિઓ માટે ખેતીની મોટી જમીનની ખરીદી માટેનો માર્ગ મોકળો થઈ જશે. આ કાયદામાં ફેરફારો થયા બાદ મોટા ઉદ્યોગગૃહો ખેતીની મોટી જમીન ખરીદી લેશે. એટલે કે જમીનના ભાવમાં પણ અસાધારણ વધારો થઈ થશે. તેમજ ખેતીની જમીનનું વેચાણ થયા બાદ તેના પર કોંક્રીટના જંગલો ઉભા થવાનું જોખમ પણ ઉભું થશે. જોકે, શહેરની નજીકના ગામડાઓના ખેડૂતોના ભાવમાં જોરદાર તેજી આવે તો નવાઈ નહીં. અત્યારસુધી બિન ખેડૂત વ્યક્તિ ગુજરાતમાં જમીન ખરીદી શકતો ન હોવાથી જમીનના ભાવમાં વધારો થતો નથી. હવે ગુજરાતમાં કોઈ પણ ગુજરાતી જમીન ખરીદી શકશે. સરકાર આ માટે નવા નિયમો લાવી રહી છે. આ મામલે સરકારે એક કમિટી બનાવી છે. જેના અધિકારીઓ અન્ય રાજ્યોના કાયદાનો પણ અભ્યાસ કરી રહ્યાં છે. આ નિયમો બદલાયા તો ખેડૂતોને બખ્ખાં થઈ જશે.
ગુજરાત સરકારે આ અભ્યાસ માટે એક કમિટી બનાવી છે. જે કમિટીના સભ્યો જુદા જુદા કલેક્ટરો, જમીનના માલિકો અને જમીનના કાયદાના જાણકારો સાથે સતત મીટિંગો કરીને વિવિધ જાણકારી મેળવી રહ્યાં છે. એટલું જ નહી, કેટલાક સભ્યોને ગુજરાતની બહાર અન્ય રાજયોમાં પણ મોકલાયા છે. તેઓ ત્યાં જઈને ત્યાંના ગણોતધારાના કાયદાની જુદી જુદી કલમો અંગેની જાણકારી મેળવી રહ્યા છે. ત્યાર બાદ ગુજરાતમાં ખરેખર શું અને કેવા સુધારા કઈ રીતે થઈ શકે તેનો અહેવાલ તૈયાર કરીને કમિટીને આપશે. ત્યારબાદ કમિટી આ અંગે એક રિપોર્ટ તૈયાર કરીને સરકારને આપશે. જો સરકારે આ કાયદાઓને મામલો લીલીઝંડી આપી તો ગુજરાતમાં જમીનના ભાવમાં બુમ આવશે. આગામી દિવસોમાં તમે પણ પ્રોપર્ટી ખરીદવાના હો તો ઉતાવળ કરજો નહીં તો ભાવ ઉંચકાય તો નવાઈ નહીં.
સરકારે બનાવેલી કમિટીના અહેવાલને આધારે સરકાર આ સંદર્ભમાં કોઈ નિર્ણય કરશે. બની શકે છે કે, આગામી એક મહિના દરમિયાન કમિટી પોતાનો રિપોર્ટ સોંપી શકે છે. એટલે કે લોકસભાની ચૂંટણી પછી આ અંગેનો નિર્ણય લેવાશે. કેન્દ્ર સરકારની લીલી ઝંડી મળ્યા પછી જ કાયદામાં ફેરફારો કરવાનો નિર્ણય જાહેર કરાશે. કાયદામાં સુધારા વધારા કરવા હોય તો વિધાનસભામાં તેના માટેનું બિલ લાવવુ પડશે. ઓર્ડિનન્સ પણ લાવી શકાય છે. જો જમીન ખરીદીના કાયદામાં ફેરફાર થયો તો ઉદ્યોગગૃહો માટે ખેતીની જમીનની ખરીદીનો માર્ગ સરળ બની જશે. આ માટે સરકાર સતત કાર્યવાહી કરી રહી છે.
ગુજરાતમાં હાલમાં મેગાસીટીઓમાં પ્રોપર્ટીના ભાવ ઉંચકાયા છે. અમદાવાદમાં 2 બીએચકે ફ્લેટનો ભાવ 60 લાખની આસપાસ પહોંચ્યો છે તો 3 બીએચકે 90 લાખથી એક કરોડના ભાવે મળી રહ્યાં છે. આમ આગામી દિવસોમાં પ્રોપર્ટી માર્કેટ પણ ઉંચકાય તો નવાઈ નહીં. હવે બિઝનેસમેનો શાંત વિસ્તારમાં પ્રોપર્ટી ખરીદવા માગે છે પણ અત્યારસુધીમાં ગણોતધારાના કાયદાઓ નડતા હોવાથી આ બાબતે તેઓ મજબૂર હતા પણ હવે આગામી દિવસોમાં જમીનના માર્કેટમાં સતત તેજી આવે તો નવાઈ નહીં. ગુજરાતીઓ પાસે ધૂમ રૂપિયા છે એ રૂપિયા હવે જમીન ખરીદીમાં કન્વર્ટ થાય તો નવાઈ નહીં.