એક તરફ લોકસભાની ચૂંટણીની જાહેરાતની ઘડીઓ ગણાઈ રહી છે. બીજી તરફ શનિવારે સાંજે ચૂંટણી કમિશનર અરુણ ગોયલે રાજીનામું આપી દીધું છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ તેમનું રાજીનામું સ્વીકારી લીધું છે. ગોયલના રાજીનામા બાદ હવે માત્ર મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમાર જ બચ્યા છે. તમને જણાવી દઈએ કે, ચૂંટણી પંચમાં ચૂંટણી કમિશનરની જગ્યા અગાઉથી જ ખાલી હતી.
ચૂંટણી પંચે 2 દિવસ પહેલા પશ્ચિમ બંગાળની મુલાકાત લઈને પરત ફર્યું હતું. આવી સ્થિતિમાં અરુણ ગોયલના અચાનક રાજીનામા પાછળ કોઈ ચોક્કસ કારણ સામે આવ્યું નથી. કેન્દ્રીય કાયદા અને ન્યાય મંત્રાલય દ્વારા જારી કરાયેલ એક ગેઝેટ નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે, ‘રાષ્ટ્રપતિએ ચૂંટણી કમિશનર અરુણ ગોયલનું રાજીનામું સ્વીકાર્યું છે, જે 09 માર્ચ, 2024થી માનવામાં આવશે.’ અરુણ ગોયલનો કાર્યકાળ 2027 સુધીનો હતો. જોકે, કાર્યકાળ પૂર્ણ થવામાં ત્રણ વર્ષ જેટલો સમય બાકી હોવા છતાં ચૂંટણી કમિશનરે રાજીનામું ધરી દેતા અનેક તર્કવિતર્ક થઈ રહ્યા છે.
અરુણ ગોયલ 1985 બેચના IAS ઓફિસર રહી ચૂક્યા છે. તેમણે 18 નવેમ્બર, 2022ના રોજ સ્વૈચ્છિક નિવૃત્તિ લીધી હતી. જોકે, નવાઈ વાત એ છે કે, સ્વૈચ્છિક નિવૃત્તિના બીજા જ દિવસે તેમની ચૂંટણી કમિશનર તરીકે નિમણૂક કરવામાં આવી હતી. તેમની નિમણૂકને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવી હતી.
આ કેસની સુનાવણી દરમિયાવ સર્વોચ્ચ અદાલતે સરકારને પૂછ્યું હતું કે, ‘સ્વૈચ્છિક નિવૃત્તિ લેવાના બીજા જ દિવસે અરુણ ગોયલને ચૂંટણી કમિશનરના પદ પર નિયુક્ત કરવામાં આવી, શું ઉતાવળ હતી’.