ગાંધીનગર સેક્ટર 13ના રંગમંચ ખાતે આજે સવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે ગુજરાતભરમાં એક નવતર પહેલ રૂપ ‘અનુસૂચિત જાતિ સહકારી મહાઅધિવેશન’નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ અવસરે સહકારી આગેવાનો સહિત ગુજરાત રાજ્યની બચત, ધિરાણ અને વિતરણ કરતી અનુસૂચિત જાતિની 150 જેટલી સહકારી મંડળીઓના હોદ્દેદારો – સભાસદો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
આજના ઉદ્ઘાટન પ્રસંગે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે જણાવ્યું કે, સહકારથી મેળવેલી સમૃદ્ધિ સમાનતા લાવશે, બંધુતાનું પોષણ કરશે અને સામાજિક ન્યાય કાયમ કરશે. ડૉ .બી. આર. આંબેડકરે આપેલા સમાનતા બંધુતા અને સામાજિક ન્યાયના લક્ષ્યને સાધવા માટે સહકાર મોટું ચાલક બળ બની શકે છે, સારું કામ કરનારા લોકોને પ્રોત્સાહન આપવા માટે રાજ્ય સરકાર તત્પર છે. અનુસૂચિત જાતિની સહકારી મંડળીઓનું ફેડરેશન નાનામાં નાના વ્યક્તિને અને ખાસ કરીને બહેનો માટે લાભકારી રહ્યું છે.
વધુમાં મુખ્યમંત્રીએ કહ્યું કે, બેન્કિંગ, મિલ્ક પ્રોડક્શન, સુગર અને કોટન સેક્ટરમાં કો-ઓપરેટિવ મોડલ અપનાવી ગુજરાત સફળ થયું છે. સહકારથી સમૃદ્ધિની દિશા આપણને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને દેશના સહકાર મંત્રી અમિતભાઈ શાહે આપી છે. વડાપ્રધાનના માર્ગદર્શનમાં દેશમાં પ્રથમવાર અલાયદુ સહકાર મંત્રાલય કાર્યરત થયું છે. વંચિત દલિત અને શોષિત વર્ગના નાના માણસને આર્થિક સશક્ત કરવાનું ફેડરેશનનું કામ સરાહનીય છે.
આ સંદર્ભમાં તેમણે ઉમેર્યું કે, એક સમય હતો જ્યારે વંચિત વર્ગના નાના માણસને બેંક જલ્દી લોન આપતી ન હતી, નાના માણસનું જામીન પણ કોઈ થાય નહીં. પરંતુ હવે સમય બદલાયો છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સામાન્ય, ગરીબ વર્ગના લોકોના જામીન બન્યા અને નાના માણસને લોનની ગેરંટી તેમણે આપી છે. મુદ્રા લોન અને સ્વનિધી યોજનાના માધ્યમથી નાના વ્યાપારીઓ, શેરી ફેરીયાઓને લોન મળતી થઈ છે. તેમના હાથમાં પૈસો આવ્યો છે અને તેમના ધંધા રોજગાર ફૂલી ફાલી, આત્મનિર્ભર બન્યા છે.