વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 12મી માર્ચ એટલે કે દાંડી દિવસના દિવસે ગાંધી આશ્રમ રીડેવલપમેન્ટ પ્રોજેક્ટનો પ્રથમ ભાગનો આરંભ કરાવશે. સાબરમતી નદીના કિનારે આવેલા 100 વર્ષ જુના મહાત્મા ગાંધીએ ઉભા કરેલા આશ્રમનું રૂપિયા 1200 કરોડના ખર્ચે નવીનીકરણ કરવામાં આવી રહ્યું છે. અમદાવાદની મુલાકાતે આવનાર વિશ્વભરના સહેલાણીઓ અને ભારતની આઝાદીની ચળવળ પાછળનો ઇતિહાસ અને મહાત્મા ગાંધીના સંઘર્ષ સાથે તેમના જીવન કવનને જોઈ શકે તેમજ સમજી શકે તે માટે હાઇટેક સુવિધા સાથે સમગ્ર આશ્રમ પરિસરનું રી ડેવલપમેન્ટ કરવામાં આવી રહ્યું છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ રિડેવલપમેન્ટના પ્રોજેક્ટનો 12મી તારીખે આરંભ કરાવી રહ્યા છે તેમના આગમન પૂર્વે તમામ તૈયારીઓ પૂર્ણતાને આરે છે.
અંગ્રેજો સામેના સત્યાગ્રહની છાવણી તરીકે જાણીતા આશ્રમની સ્થાપના 17મી જૂન 1917માં શહેરના પાલડી વિસ્તારમાં આવેલા કોચરબ આશ્રમમાં મહાત્મા ગાંધીજીએ કરી હતી. જ્યારે ગાંધી મેમોરિયલ મ્યુઝિયમ 10મી મે 1963માં બનાવવામાં આવ્યું હતું. ગાંધીજી સાંજના સમયે સાબરમતી નદીના કિનારે બેસીને પ્રાર્થના કરતા હતા. મીઠાના સત્યાગ્રહ માટે તેમણે આશ્રમથી દાંડીકૂચની શરૂઆત કરી હતી. આશ્રમમાં ‘મારું જીવન એ જ મારો સંદેશ’ ગેલેરી, કે જેમાં ગાંધીજીના જીવનમાં ઘટેલી ઐતિહાસિક ઘટનાઓને તાદૃશ કરતા ભવ્ય કદના આઠ પેઈન્ટિંગ્સ અને 250 કરતાં પણ વધારે તસવીરો સામેલ છે. આ આશ્રમમાં વર્ષે સાત લાખ મુલાકાતી આવે છે જે આંકડો રિડેવલપમેન્ટ પછી 50 થી 70 લાખ સુધી લઇ જવાનો લક્ષ્યાંક નિશ્ચિત કરવામાં આવ્યો છે. આશ્રમમાં ગાંધીજી 1917 થી 1930 સુધી રહ્યાં હતા. ગાંધીઆશ્રમના મૂળ સ્થાપિત ચાર્લ્સ કોરિયા હતા.
આશ્રમ પાસે આવેલી ગૌશાળા અને અન્ય જગ્યાએ ખેતરો છે ત્યાં રાણીપ બ્રીજ પાસે નવું બાંધકામ શરૂ કરાશે. આ કામગીરી પાછળ 225 કરોડ રૂપિયાનો ખર્ચ થવાનો છે. મહત્વની બાબત એવી છે કે આશ્રમ પાસે 1947 પહેલાની જે ઇમારતો છે તેને યથાવત રાખી હેરીટેજ રિસ્ટોરેશન કરાશે.
સાબરમતી આશ્રમ ટ્રસ્ટની પાંચ ઓફિસો છે તેને પણ શિફ્ટ કરવામાં આવી રહી છે. આ ઓફિસોમાં હરિજન આશ્રમ ટ્રસ્ટ, ખાદી ગ્રામોદ્યોગ મંડળ, ખાદી ગ્રામોદ્યોગ પ્રયોગ સમિતિ, સાબરમતી ગૌશાળા ટ્રસ્ટ, સ્કૂલ, પીટીસી સ્કૂલ અને કન્યા છાત્રાલયનો સમાવેશ થાય છે. આશ્રમને ડેવલપ કરવા માટે બિમલ પટેલને કામગીરી સોંપવામાં આવી છે કે જેમણે દિલ્હીના પાર્લામેન્ટ હાઉસ અને વારાણસીના કાશી વિશ્વનાથ મહાદેવના નવસર્જનની ડિઝાઇન બનાવી છે.
આશ્રમને મૂળ સ્થિતિમાં જાળવી વર્લ્ડક્લાસ બનાવાશે.
1200 કરોડનો ખર્ચ
5 મ્યુઝિયમ
1 અદ્યતન લાયબ્રેરી
આશ્રમવાસીઓના મકાનને બનાવાશે હેરિટેજ પ્લેસ
આશ્રમના 300 જેટલા મકાનને હેરિટેજનું સ્થાન
સમગ્ર સંકુલને સાયલન્ટ ઝોન જાહેર કરાશે
આશ્રમમાં રહેનારાને અંદર અલગ જગ્યા અપાશે
હાલના આશ્રમવાસીને બહારના ભાગે ટેનામેન્ટ ફળવાશે
ગાંધી સંશોધન અને વિકાસ, વિસ્તાર માટે નવો વિભાગ શરૂ થશે
હરિજન આશ્રમ, ગૌશાળા ટસ્ટ્ર, ખાદી ભવનનો વિસ્તાર થશે
હાલનો રસ્તો બંધ કરી ત્યાં વોક વે બનાવવામાં આવશે