મધ્યપ્રદેશના ધારમાં આવેલી 1000 વર્ષ જુની ભોજશાળા મંદિર છે કે મસ્જિદ છે તે નક્કી કરવા માટે ASI સર્વે થવાનો છે. એમપી હાઈકોર્ટે ASIને દોઢ મહિનાની અંદર સર્વે પૂરો કરીને રિપોર્ટ જમા કરાવવાનો આદેશ આપ્યો છે. ભોજશાળા પર હિંદુ-મુસ્લિમો બન્ને પોતપોતાનું ધર્મસ્થાન હોવાનો દાવો કરી રહ્યો છે. એક બાજુ હિંદુઓ ભોજશાળાને વાગદેવી (માતા સરસ્વતી)નું મંદિર ગણાવી રહ્યાં છે તો મુસ્લિમો તેને કમલ મૌલા મસ્જિદ ગણાવી રહ્યાં છે.
ત્યારે ભોજશાળાના ઈતિહાસ પર ડોકિયું કરવું પણ જરુરી છે. ભોજશાળાનો ઈતિહાસ પણ કરુણ જ રહ્યો છે. ભારતના બીજા ધર્મસ્થળોની જેમ આ સ્થળ પર પણ આક્રાંતાઓની નજર પડી હતી અને તેણે તહસ-નહસ કરી નાખવામાં કંઈ બાકી રાખ્યું નહોતું તેમ છતાં પણ તે આજે અડગ ઊભી છે.
માલવાના પરમાર વંશમાં મહાપરાક્રમી અને મહાજ્ઞાની રાજા ભોજ (શાસનકાળ વર્ષ 1010 થી 1065) થઈ ગયા. તેમની તપસ્યાથી પ્રસન્ન થઈને સરસ્વતીદેવીએ તેમને દર્શન દીધા હતાં. ત્યાર પછી, રાજા ભોજે સુપ્રસિદ્ધ મૂર્તિકાર મનથલ દ્વારા આરસપહાણ પત્થરથી દેવીની મનમોહક મૂર્તિ તૈયાર કરાવી. રાજાને જે સ્થાન પર વાગ્દેવીનાં દર્શન થયા હતા, તે સ્થાન પર આ મૂર્તિની પ્રતિષ્ઠાપના કરવામાં આવી.
રાજા ભોજના મોત બાદ 1269માં સૂફી સંતના રૂપમાં ફરનારા કમાલ મૌલાનાએ અહીં 36 વર્ષ સુધા ધામા નાખીની માળવાની ગુપ્ત માહિતી ઓકાવી લીધી અને તેણે સેંકડો હિંદુઓને મુસલમાન બનાવ્યા. આ સ્થિતિનો લાભ ઊઠાવીને અલાઉદ્દીન ખિલજીએ માલવા રાજ્ય પર આક્રમણ કર્યું.
હિંદુ જનજાગૃતિ સમિતિના અહેવાલ મુજબ સન 1305માં દિલ્હીના સુલતાન અલાઉદ્દીન ખિલજીએ ભોજશાળા પર હુમલો કરીને તેને કબજે કરી લીધી હતી ત્યારે બાદ ઈસ્લામ કબૂલ ન કરવા પર 1200 વિદ્યાર્થીઓ અને શિક્ષકોને મારી નખાવીને ભોજશાળાના જ વિશાળ હવન કૂંડમાં ફેંકી દેવડાવ્યાં હતા. ત્યાર બાદ પણ ભોજશાળા મુસ્લિમ આક્રાંતાઓના નિશાન પર આવી હતી. સન 1401માં દિલાવર ખાન ગૌરીએ ભોજશાળાના એક હિસ્સામાં મસ્જિદ બનાવી દીધી આ રીતે મુસ્લિમો તેના પર દાવો કરી રહ્યાં છે. મહમૂદશાહ ખિલજીએ વર્ષ 1514માં ભોજશાળાને ખંડિત કરીને ત્યાં મસ્જિદ બનાવવાનો પ્રયત્ન કર્યો. જોકે મહમૂદશાહને રાજપૂત સરદારો તરફથી આકરો જવાબ મળ્યો આનાથી ડરીને મહમૂદશાહે ગુજરાત ભાગી ગયો.
1875માં ભોજશાળામાં ખોદાકમ કરવામાં આવ્યું હતું જેમાં દેવી સરસ્વતીની મૂર્તિ નીકળી હતી. જોકે મેજર કિનકેડ નામનો અંગ્રેજ અધિકારી મૂર્તિને લંડન લઈ ગયો હતો અને હાલમાં તે ત્યાંના મ્યૂઝિયમમાં પડેલી છે. હાઇ કોર્ટમાં દાખલ અરજીમાં આ પ્રતિમાને લંડનથી પરત લાવવાની માગ પણ કરવામાં આવી છે.
જૂન 2022 માં, તુર્કીની એક આંતરરાષ્ટ્રીય સમાચાર વેબસાઇટ દ્વારા પ્રકાશિત કરેલા લેખમાં કહેવામાં આવ્યું હતું કે ભારતમાં ઓછામાં ઓછા 50 ધાર્મિક સ્થળો હિંદુના દાવા હેઠળ છે. જેમાં મથુરામાં શાહી મસ્જિદ, ધારમાં ભોજશાળા સંકુલ, દિલ્હીમાં કુતુબ મિનાર, લખનૌમાં તિલી વાલી મસ્જિદ, અજમેરમાં હઝરત ખ્વાજા ગરીબ નવાઝની દરગાહ,મધ્ય પ્રદેશમાં કમાલ-ઉદ્દ-દિન મસ્જિદ સામેલ છે.
મુઘલ સમ્રાટ શાહજહાં દ્વારા બનાવવામાં આવેલા વિશ્વ પ્રસિદ્ધ તાજમહેલ પર વિવાદ ચાલી રહ્યો છે. હિંદુઓ તેને ભગવાન શિવનો મહેલ ગણાવી રહ્યાં છે. જોકે તેનો કોઈ પુરાવા ઉપલબ્ધ નથી. મથુરામાં શાહી ઈદગાહનું નિર્માણ 1670માં ઔરંગઝેબે કરાવ્યું હતું. આ અંગે ઓછામાં ઓછી 12 અરજીઓ સ્થાનિક કોર્ટમાં છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે આ ઈદગાહ કૃષ્ણના જન્મસ્થળ પર બનેલા મંદિરને તોડીને બનાવવામાં આવી હતી.1223 માં મુસ્લિમ સમ્રાટ શમશુદ્દીન ઇલ્તુત્મિશ દ્વારા બનાવવામાં આવેલી બદાયૂ શાહી ઈમામ મસ્જિદનો વિવાદ પણ 800 વર્ષ જુનો છે. અખિલ ભારતીય હિંદુ મહાસભાનું પણ કહેવું છે કે આ મસ્જિદ ગેરકાયદેસર માળખું છે. તે 10મી સદીમાં ભગવાન શિવના મંદિરને તોડીને બનાવવામાં આવ્યું હતું. દિલ્હીના પ્રથમ સુલતાન, કુતુબુદ્દીન એબકે, 1192 માં દિલ્હીના તત્કાલિન હિંદુ શાસકોને હરાવીને આ 240 ફૂટ ઊંચો મિનાર બંધાવ્યો હતો. ઈતિહાસકારોના મતે તેને બનાવવા માટે 27 હિંદુ અને જૈન મંદિરો તોડી પાડવામાં આવ્યા હતા. તેના કાટમાળનો ઉપયોગ અહીં મિનારના નિર્માણમાં કરવામાં આવ્યો હતો.