આ દિવસોમાં ખતરનાક કૂતરાઓના હુમલામાં વધારો થયો છે. દરમિયાન, એવા સમાચાર છે કે, કેન્દ્ર સરકાર ખતરનાક કૂતરા પાળવા સામે એક્શન મોડમાં છે. ખતરનાક પાલતુ કૂતરા લોકો પર હુમલો કરે છે, તેમને ઘાયલ કરે છે અને મૃત્યુ પણ થઇ જાય છે તેવા સમાચાર તમે ઘણી વખત જોયા અને સાંભળ્યા હશે. હવે કેન્દ્ર સરકારે રાજ્યોને આવા ખતરનાક કૂતરાઓની આયાત, સંવર્ધન અને વેચાણ પર પ્રતિબંધ મૂકવા કહ્યું છે, જેમાં પિટબુલ, રોટવીલર, ટેરિયર, વુલ્ફ ડોગ અને માસ્ટિફ્સનો સમાવેશ થાય છે.
કેન્દ્ર સરકારે આ પ્રજાતિના મિશ્ર અને ક્રોસ બ્રીડ કૂતરાઓ પર પ્રતિબંધ મૂકવાની વાત પણ કરી છે. કેન્દ્ર સરકારના પશુપાલન મંત્રાલયે તમામ રાજ્ય સરકારોને પત્ર લખીને સ્થાનિક સંસ્થાઓ સાથે વાત કરવા અને આ પ્રતિબંધને લાગુ કરવા જણાવ્યું છે. દિલ્હી હાઈકોર્ટના આદેશ પછી નિષ્ણાતોની સમિતિના સૂચનોના આધારે કેન્દ્ર સરકારે આ નિર્ણય લીધો છે.
કોર્ટે કેન્દ્ર સરકારને ત્રણ મહિનામાં તમામ હિતધારકો સાથે વાત કરીને નિર્ણય લેવાનો નિર્દેશ આપ્યો હતો. જે લોકો પાસે પહેલાથી જ આ જાતિના કૂતરા છે, તેમને નસબંધી કરવા પર પણ ભાર મૂકવામાં આવ્યો છે, જેથી તેઓ પ્રજનન ન કરી શકે. જે પ્રજાતિઓ પર પ્રતિબંધ મૂકવાની વાત કરવામાં આવી છે તેમાં લગભગ બે ડઝન ખતરનાક પ્રજાતિઓનો સમાવેશ થાય છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, તાજેતરના સમયમાં દેશના ઘણા ભાગોમાં પાલતુ કૂતરાઓ દ્વારા હુમલામાં વધારો થયો છે. રાજધાનીથી લઈને કેરળ સુધી કૂતરાઓના હુમલામાં વધારો થયો છે. ગત વર્ષની શરૂઆતમાં વારંવાર કૂતરા કરડવાની ઘટનાઓ પછી દિલ્હી હાઈકોર્ટે ખતરનાક કૂતરાઓ રાખવા મુદ્દે મહત્વનો આદેશ આપ્યો હતો. કોર્ટે કેન્દ્ર સરકારને પીટબુલ, ટેરિયર્સ, અમેરિકન બુલડોગ અને રોટવીલર જેવા ખતરનાક કૂતરાઓ રાખવા માટેના લાઇસન્સ પર પ્રતિબંધ અને રદ કરવાના મુદ્દે ત્રણ મહિનામાં નિર્ણય લેવા જણાવ્યું હતું.
અહીં તમને જણાવી દઈએ કે, બ્રિટનના ડેન્જરસ ડોગ્સ એક્ટ-1991માં પીટબુલ્સ અને ટેરિયર્સને લડાઈ માટે લિસ્ટ કરવામાં આવ્યા હતા. જાહેર સલામતીના હેતુથી આ અધિનિયમ ઘડવામાં આવેલ છે. પીટબુલ્સ અને ટેરિયર્સ U.S.માં શ્વાનની વસ્તીના માત્ર છ ટકા છે, પરંતુ એક સમાચાર પત્રમાં છપાયેલા અહેવાલ અનુસાર, 1982થી 68 ટકા કૂતરાઓના હુમલા અને 52 ટકા કૂતરા સંબંધિત મૃત્યુ માટે જવાબદાર છે. પિટ બુલ્સ અને ટેરિયર સામાન્ય રીતે અન્ય કુતરાઓ પ્રત્યે આક્રમક થતા હોય છે.