ગાંધીનગરના ગીયોડ પાટીયા પાસે માતેલા સાંઢની માફક ટ્રકના ચાલકે પોતાની ટ્રક હંકારીને જોરદાર ટક્કર મારતાં 60 વર્ષીય રાહદારીનું ઘટનાસ્થળે મોત નિપજતા ચીલોડા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ગાંધીનગરના હાલીસા વાસણા ચૌધરી રોડ ઉપર બળીયાદેવના મંદીર પાસે રહેતા નરેશભાઈ અભેસિંહ ચૌહાણ ખેતી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. ગઈકાલે સાંજના સમયે તેઓ ખેતરમાં કામ કરી રહ્યા હતા. એ વખતે ગામના રોહિતભાઇ ચૌહાણે ફોન કરીને કહેલ કે, તમારા પિતા અભેસિંહ શંકાજી ચૌહાણનો ગીયોડ ગામના પાટીયા પાસે હિંમતનગર થી મોટા ચિલોડા તરફ જતા હાઇવે રોડ ઉપર અકસ્માત થયો છે.
આ સાંભળીને નરેશભાઈ સહિતના લોકો અકસ્માત સ્થળે દોડી ગયા હતા. જ્યાં મોટી સંખ્યામાં ભીડ એકઠી થયેલી હતી. અને અભેસિંહ ટ્રકના પાછળના ટાયર પાસે લોહી લુહાણ હાલતમાં રોડ ઉપર પડેલા હતા. બાદમાં કોઈએ 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી. અને એમ્બ્યુલન્સ મારફતે અભેસિંહને ગાંધીનગર સિવિલ હોસ્પિટલ લઈ જવાયા હતા. જ્યાં ફરજ પરના તબીબે અભેસિંહને મૃત જાહેર કર્યા હતા. બનાવની જાણ થતાં ચીલોડા પોલીસ પણ પહોંચી ગઈ હતી. અને લાશનું પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી કરી ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.