એક એવું ગામ, જ્યાં બાળકોને ખિસ્સાકાતરું અને ચોર બનવાની ટ્રેનિંગ આપવામાં આવે છે. અહીં બાળકોને નાની ઉંમરથી જ તેમનાં માતા-પિતા ટ્રેનિંગ સેન્ટરમાં મૂકી જાય છે અને ટ્રેનિંગના બદલામાં લાખો રૂપિયા પણ આપે છે. ચોરી, લૂંટની ટ્રેનિંગ આપતા માસ્ટરમાઇન્ડ લોકો બાળકોનાં મા-બાપ પાસેથી 1થી 3 લાખ રૂપિયા લે છે. આ વાત આશ્ચર્ય પમાડે એવી છે, પરંતુ દુ:ખદ રીતે સાચી પણ છે, જેનો પર્દાફાશ રાજકોટ ક્રાઇમ બ્રાંચે કર્યો છે.
રાજકોટના ઘંટેશ્વરપાર્કમાં ગયા વર્ષે લગ્નપ્રસંગમાં 12 લાખ રૂપિયાની ચોરી થઈ હતી. જ્યારે ગયા મહિને 150 ફૂટ રિંગ રોડ પર અર્જુન પાર્ટી પ્લોટમાં 3.82 લાખ રૂપિયાનાં ઘરેણાં ચોરાયાં હતાં. પોલીસને આ બન્ને કેસમાં કોઈ કનેક્શન હોય એવા ઇનપુટ મળ્યા હતા. એ બાદ રાજકોટ ક્રાઇમ બ્રાંચે તપાસ શરૂ કરી હતી.
રાજકોટ ક્રાઇમ બ્રાંચના PSI ડી.સી.સાકરિયાએ જણાવ્યું હતું કે બે મહિનાથી પાર્ટી પ્લોટ કે લગ્નપ્રસંગમાં થતી ચોરીના બનાવના ભેદ ઉકેલવા અમે મથામણ કરતા હતા. આ કેસમાં એકસરખી મોડસ ઓપરેન્ડી જોવા મળી હતી. લગ્નપ્રસંગોમાં થતી ચોરીમાં બાળકોએ જ મોંઘા સામાન અને ઘરેણાંની ઉઠાંતરી કરી હોવાનું ખૂલ્યું હતું.
આ ગુનામાં એક કારનો ઉપયોગ થયો હોવાની જાણકારી મળતાં ફાસ્ટટેગના આધારે તે કયા રૂટ પર ગઈ એની માહિતી એકઠી કરી હતી. પોલીસે અલગ-અલગ રૂટ પરનાં ઘણાં ટોલબૂથના સીસીટીવી ફૂટેજ ચકાસ્યા હતા. આખરે ચોરીના તાર મધ્યપ્રદેશના રાજગઢ જિલ્લામાં આવેલા કડિયા ગામ સુધી પહોંચતા હોવાનો ઘટસ્ફોટ થયો હતો.
કડિયા ગામમાં સાંસી જ્ઞાતિનાં 2500 ઘર છે. કડિયા ગામની નજીક આવેલા ગુલખેડી ગામમાં 1200 અને હુલખેડી ગામમાં 500 જેટલાં ઘર છે. આમાંથી મોટા ભાગના પરિવારો ચોરી, લૂંટ, પિક પોકેટિંગ, જુગાર વગેરે જેવા ગુનાઓમાં સંડોવાયેલા છે અને દેશભરમાં સક્રિય પણ છે. આ ગામડા સુધી પહોંચવું બહારના લોકો માટે એટલું સરળ નથી, કારણ કે ગ્રામજનો હુમલો પણ કરી શકે છે.
રાજકોટમાં લગ્નપ્રસંગોમાં ચોરીની ઘટના બની એમાં કડિયા સાંસીગેંગનો જ હાથ હોવાના પોલીસને પૂરતા ઇનપુટ મળી ચૂક્યા હતા, એટલે રાજકોટ ક્રાઇમ બ્રાંચની એક ટીમ મધ્યપ્રદેશ અંતરિયાળ વિસ્તારમાં આવેલા કડિયા ગામે પહોંચી હતી. પોલીસે આપેલી માહિતી પ્રમાણે, તમામ જવાનોએ મજૂરો જેવો વેશ ધારણ કર્યો હતો. તેઓ મોટરસાઇકલ લઈને આ વિસ્તારમાં પહોંચ્યા હતા. સૌથી પહેલા ત્યાંની ભૌગોલિક સ્થિતિનો તાગ મેળવ્યો હતો. ત્યાર પછી કોઈને પણ અણસાર આવે નહીં એ રીતે બાતમીદારો ઊભા કરીને કેટલાક સમય સુધી ગેંગ પર નજર રાખી હતી.
રાજકોટમાં બે માસથી લગ્નપ્રસંગમાં થતી ચોરીના ભેદ ઉકેલવા ક્રાઇમ બ્રાંચની ટીમ એડીચોટીનું જોર લગાવી રહી હતી. ત્યારે આ ટીમે પગેરું મળતાં મધ્યપ્રદેશના રાજગઢ જિલ્લાના કડિયા ગામ નજીક પડાવ નાખ્યો હતો, પરંતુ એ વિસ્તારમાં ક્રિમિનલ માઈન્ડ ધરાવતા લોકો રહેતા હોવાથી ક્રાઇમ બ્રાંચની ટીમ લોડેડ વેપન સાથે જ રાખતી હતી.
PSI ડી.સી. સાકરિયા અને તેમની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે સાથેના હેડ કોન્સ્ટેબલ વિજયરાજસિંહ જાડેજા, હરદેવસિંહ રાઠોડ અને કોન્સ્ટેબલ કુલદીપસિંહ જાડેજા તેમજ વિજય મેતાને બાતમી મળી હતી કે કડિયા સાંસીગેંગના શખસો કારમાં બેસીને રાજકોટ તરફ આવી રહ્યા છે. ચોક્કસ બાતમીના આધારે પોલીસે માલિયાસણ ચોકડી પાસે વોચ ગોઠવી હતી. ત્યાંથી પસાર થતી સ્વિફ્ટ કારને અટકાવતાં એક સગીરા સહિત છ આરોપી હાથ લાગી ગયા હતા. તેમની પાસેથી કુલ 10 લાખ રૂપિયાથી વધુનો મુદ્દામાલ પણ કબજે કર્યો હતો.
આરોપીની પૂછપરછમાં ગોંડલના શિવરાજગઢમાં લગ્નપ્રસંગમાં થયેલી 82 લાખ રૂપિયાની ચોરી તેમજ રાજકોટમાં ઘંટેશ્વર પાર્ક અને અર્જુન પાર્ટી પ્લોટમાં લગ્નપ્રસંગમાં થયેલી ચોરીની આ આરોપીઓએ કબૂલાત કરી હતી. માત્ર ગુજરાત જ નહીં, રાજસ્થાન, મધ્યપ્રદેશ સહિત દેશભરમાંથી 41થી વધુ ચોરીના કેસ પણ ઉકેલાયા છે.
ડી.સી.સાકરિયાએ વધુમાં જણાવ્યું હતું કે મધ્યપ્રદેશના અમુક વિસ્તારના સાંસી લોકો આઝાદી પહેલાં ક્રિમિનલ ગણાતા હતા. આઝાદી બાદ સરકારે તેમને ડિનોટિફાઇડ કર્યા હતા, પરંતુ એ વિસ્તારના લોકોમાં સુધારો આવ્યો ન હતો. આ લોકો પેઢીઓથી ચોરીને અંજામ આપવાનું ચાલુ રાખ્યું હતું.
કડિયા ગામમાં અનેક ગેંગ સક્રિય છે. દરેક ગેંગમાં છથી સાત લોકો હોય છે. આ લોકો દેશભરમાં ગુના કરીને અમુક સમયમાં પરત ફરે છે. ગામમાં તેમની પાસે આલીશાન મકાનો છે. એમાં દરેક આધુનિક સુવિધા ઉપલબ્ધ છે. લાખોની ચોરી કરતા આ ગામના લોકોને મોંઘી કાર અને બાઈક રાખવાનો ખૂબ શોખ છે.
પત્રકાર પરિષદમાં DCP ક્રાઇમ પાર્થરાજસિંહ ગોહિલે જણાવ્યું હતું કે મધ્યપ્રદેશના રાજગઢ જિલ્લાના પચોર તાલુકાના કડિયા ગામે સ્થાનિક પોલીસ અધિકારીઓ જતાં પણ સો વખત વિચાર કરે છે. આ ગેંગને પકડવા માટે સ્થાનિક પોલીસનો સહયોગ બહુ મળ્યો નહોતો.
સામાન્ય રીતે સંતાન છ વર્ષનું થાય એટલે મા-બાપ તેને અભ્યાસ માટે શાળામાં દાખલ કરવામાં આવે, પરંતુ આ ગામમાં બાળક સાત વર્ષનું થાય એટલે તેને ગુનાખોરી શિખવાડવા માટે ટ્રેનિંગમાં મૂકી દેવામાં આવે છે. ચોરી, લૂંટ, ખિસ્સાં કેવી રીતે કાતરવાં?, માલ લઈને કેવી રીતે ભાગવું?, પોલીસથી કેવી રીતે બચવું? પકડાઈ જવા પર શું કરવું? એ બાબતે ટ્રેનિંગ આપવામાં આવે છે તેમજ ટ્રિક શિખવાડવામાં આવતી હતી.
આ ટ્રેનિંગ સેન્ટરનો મુખ્ય સૂત્રધાર કોમર્સમાં ગ્રેજ્યુએટ એસ.કુમાર સિસોદિયા છે, જે બાળકોને ગુનાહિત તાલીમ માટે વાર્ષિક રૂપિયા એકથી ત્રણ લાખ રૂપિયા વસૂલે છે. તાલીમ પૂરી થયા પછી ટ્રેનર બાળકને પોતાની ગેંગમાં સામેલ કરી એક વર્ષ સુધી અલગ-અલગ રાજ્યમાં ગુના આચરવા મોકલતો હતો. આ માટે કામ પ્રમાણે રૂપિયા પણ ચૂકવતો હતો.
પોલીસે કહ્યું, ટ્રેનિંગ સેન્ટરમાં ચોરી શીખવા કેટલા લોકો આવતા, તેનો કોઈ ચોક્કસ આંકડો નથી હોતો, કારણ કે આ કામ રોટેશન પર ચાલતું જ હોય છે. બે લોકો બધું શીખીને તૈયાર થાય તો નવા બે-ત્રણ ભરતી થાય. આમ એક સમયે 8થી 10 છોકરા ચોરી શીખવા આવતા હોય છે. ગામના સરપંચ એમને એમ કોઈને આરોપી તરીકે સોંપે જ નહીં. મોડેસ ઓપરેન્ડી મુજબ તૈયાર થઈ ગયા હોય તેને જ સોંપે અને ચોખ્ખું કહે કે અમે ત્રણ આરોપી આપીશું. એ લોકોને જ લઈ જવાના છે.
એસ.કુમાર સિસોદિયા (ઉંમર-45 વર્ષ), સોનુ ઉર્ફે દીપક સિસોદિયા (ઉંમર-26 વર્ષ), વિવેક સિસોદિયા (ઉંમર- 26 વર્ષ), ઋત્વિક ઉર્ફે કાલા ઉર્ફે ઝિંગા સિસોદિયા (ઉંમર- 18 વર્ષ), ગોમતી સિસોદિયા (ઉંમર-36 વર્ષ) અને એક સગીરા ઝડપાઈ છે.
લગ્નપ્રસંગમાં ચોરીને અંજામ આપતી કડિયા સાંસીગેંગ ગજબની મોડસ ઓપરેન્ડી ધરાવતી હતી. આરોપીઓ પોતાની કારમાં કિશોર કે કિશોરી સાથે પોતાના ગામથી નીકળી ભારતના અલગ-અલગ રાજ્યોમાં પ્રવાસ કરતા હતા. ચોરી કરવા જે-તે વિસ્તારમાં જતા, ત્યાં પાર્ટી પ્લોટ કે કોઈના ઘરેથી 100 મીટર દૂર કાર ઊભી રાખતા હતા. ચોરીનું કામ બાળકો પાસે જ કરાવાતું હતું, પરંતુ તેમની સાથે મોટા લોકો પણ રહેતા હતા. આ તમામ લોકો જે-તે પ્રસંગને અનુરૂપ કપડાં પહેરીને કાર્યક્રમ સ્થળે પહોંચી જતા હતા, જેથી કોઈની નજરમાં ન આવે. લગ્નપ્રસંગમાં સોના-ચાંદીના દાગીનાની બેગ ઉપર ખાસ તેઓ નજર રાખતા હતા. બાદમાં બેગ લઈને આવેલા માણસની નજર ચૂકવી ચોરી કરી બહાર નીકળી જતા. મોટે ભાગે તેઓ જે શહેરમાં ચોરી કરતા ત્યાંથી તરત જ કાર લઈને રવાના થઈ જતા અને 100થી 200 કિલોમીટર દૂર જઇ અન્ય શહેરમાં ફરીથી બીજા ગુનાને અંજામ આપતા હતા.
કદાચ ચોરીને અંજામ આપતા સમયે જો બાળક પકડાઈ જાય તો તેની સાથે રહેલા મેન્ટર બચાવની ભૂમિકામાં વચ્ચે પડતો હતો અને બાળકથી ભૂલ થઈ ગઈ છે, તેને જવા દો, એમ કહી ત્યાંથી બાળકોને લઈને નીકળી જતો હતો.
કડિયા સાંસીગેંગે ગુજરાતમાં રાજકોટ, સુરત, ગોંડલ, સહિતના વિસ્તારોમાં ગુના કર્યા હોવાનું કબૂલ્યા છે. આ ઉપરાંત આ ટોળકીએ મુખ્યત્વે મધ્યપ્રદેશ, રાજસ્થાન, દિલ્હી, ગુરુગ્રામ, મહારાષ્ટ્રના નાસિક, માલેગાંવ, ઉત્તરપ્રદેશના મથુરા સહિતના વિસ્તારોમાં પણ ચોરી તેમજ લૂંટ કરી હતી.