ગાંધીનગરમાં હોળી ધુળેટી પર્વ નિમિત્તે ફાળો ઉઘરાવવાનાં બહાને ઘરમાં પ્રવેશી તકનો લાભ ઉઠાવી લૂંટ કરતી મહિલા ગેંગ સક્રિય થઈ ચૂકી છે. આજે બપોરના સમયે સેકટર – 19 માં ગૃહિણી પાસે પીવાનું પાણી માંગી ઘરમાં પ્રવેશી સોનાનો દોરો સેરવી લઈ મહિલા ગેંગ ફરાર થઈ જતાં સેકટર – 21 પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ગાંધીનગરના સેકટર – 19 ઘ ટાઈપના મકાનમાં રહેતા રાજેશ્રીબેન પંકજભાઈ આહિર તેમજ તેમનો દીકરો જયરાજ ઘરે હાજર હતા. ત્યારે બારેક વાગ્યાના અરસામાં કોઈએ દરવાજો ખખડાવ્યો હતો. એ વખતે જયરાજ તેના રૂમમાં વાંચતો હતો. અને રાજેશ્રીબેને ઘરનો દરવાજો ખોલતાં પાંચ મહિલાઓએ હોળી ધુળેટીનો ફાળો માગ્યો હતો. જે પૈકી એક મહિલાએ પીવાનું પાણી માંગ્યું હતું.
બાદમાં એક મહિલા ખુરશીમાં બેસી ગઈ હતી. જ્યારે અન્ય
ચાર મહિલાઓ દરવાજા પાસે અંદરની બાજુએ બેઠી હતી.
અને રાજેશ્રીબેન રસોડામાં પાણી લેવા માટે ગયા હતા.
આ દરમ્યાન જયરાજ હોલમાં આવીને બેઠો હતો. તેમજ
રાજેશ્રીબેન બધાને પાણી આપ્યું હતું. ત્યારે મહિલાઓએ
હોળી ધુળેટીનાં ગીતો ગાવાનું શરૂ કરી દીધું હતું. આ દરમ્યાન
ખુરશીમાં બેઠેલી મહિલાએ પોતાની ઓળખાણ માતાજીના
ભૂવા તરીકે આપી કહેવા લાગેલ કે, હું કુંવારી છુ, લગ્ન કરેલ
નથી. મારા આર્શીવાદ બધાને ફળે છે તેમ કહી ભુવાની જેમ
ધુણવા લાગી હતી.
આ જોઈ રાજેશ્રીબેને કહેલ કે, હું આવા ભુવા ભપેડામાં માનતી નથી. બાદમાં તેમણે હોળીના તહેવાર માટે ફાળો લેવા આવ્યા છો તો પૈસા આપું છું કહીને પર્સમાંથી 100 રૂપિયા આપ્યા હતા. અને ધૂણતિ મહિલાને પગે પડી આશીર્વાદ લીધા હતા. એટલે પાંચેય મહિલાઓ ત્યાંથી રવાના થઇ ગઈ હતી. જેની થોડીવાર પછી રાજેશ્રીબેનને માલુમ પડેલ કે, ગળામાંથી 40 હજારનો દોરો નજર ચુકવીને મહિલાઓ સેરવી લઈ ગઈ છે. આ અંગે રાજેશ્રીબેનની ફરીયાદના આધારે સેકટર – 21 પોલીસે સાડીઓ પહેરેલ 35 થી 50 વર્ષની ઉંમરની મહિલા ગેંગ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.