રાજ્યના સુપરિન્ડેન્ટન્ટ ઓફ સ્ટેમ્પ અને નોંધણી સર નિરીક્ષકે પરિપત્ર જાહેર કરી દસ્તાવેજ તૈયાર કરનાર એજન્સી કે વ્યક્તિએ પણ બન્ને પક્ષકારોની ખરાઇ કરવાની જવાબદારી નિશ્ચિત કરતો પરિપત્ર બહાર પાડ્યો હતો. નોંધણી સમયે જો વિગતો ખોટી હોય તો મિલકત વેચનારી અને ખરીદનારી પાર્ટી ઉપરાંત દસ્તાવેજ તૈયાર કરનારી એજન્સી કે વ્યક્તિને પણ સાત વર્ષની કેદની જોગવાઇ કરાઇ હતી. જો કે વકીલો અને દસ્તાવેજ તૈયાર કરનારી એજન્સીઓના વિરોધ બાદ તંત્રએ આ જોગવાઇ હવે દૂર કરી છે. આથી જો વિગતો ખોટી હોય તો હવે પહેલાની માફક દસ્તાવેજ કરી આપનાર અને લેનાર જ સજાને પાત્ર રહેશે.
અગાઉના નવા નક્કી કરાયેલાં નિયમ મુજબ દસ્તાવેજ નોંધણી સાથે એક ફોર્મ બિડવાનું રહેતું હતું જેમાં દસ્તાવેજ તૈયાર કરનારને દસ્તાવેજ સંબંધિત વિગતો સાચી છે તેવી બાંહેધરી આપવા ઉપરાંત પોતાના નામ, વ્યવસાય, સરનામું અને મોબાઇલ નંબર પણ આપવાના રહેતાં હતાં, જો કે હવે સર નોંધણી નિરીક્ષકે આ કોલમ પણ ફોર્મમાંથી હટાવી દીધી છે.
અગાઉ 7 માર્ચે કરેલા જૂના પરિપત્રમાં સુધારો કરી મંગળવારે કરેલાં નવા પરિપત્રમાં બધી સ્પષ્ટતા કરવામાં આવી છે. આ નવા પરિપત્રનો અમલ આવતી પહેલી એપ્રિલથી કરવાનો રહેશે. આથી દસ્તાવેજ તૈયાર કરીને તેની નોંધણી કરાવતી વખતે હવેથી આ પ્રકારનું ફોર્મ જ ભરીને સાથે જોડવાનું રહેશે. દસ્તાવેજ કરનારા લોકોને આ નવા નિયમથી હવે રાહત થશે અને દસ્તાવેજ ચકાસણીની જવાબદારી અધિકારીઓની પણ ગણાશે.
મિલકતના દસ્તાવેજની નોંધણીમાં અમુક વખતે મૂળ માલિકોને બદલે ખોટી વ્યક્તિને રાખી બોગસ દસ્તાવેજ થતાં હોવાથી રાજ્યના સુપરિન્ડેન્ટન્ટ ઓફ સ્ટેમ્પ અને નોંધણી સર નિરીક્ષકે પરિપત્ર જાહેર કરી દસ્તાવેજ તૈયાર કરનાર એજન્સી કે વ્યક્તિએ પણ બન્ને પક્ષકારોની ખરાઇ કરવાની જવાબદારી નિશ્ચિત કરતો પરિપત્ર બહાર પાડ્યો હતો. જેથી બોગસ દસ્તાવેજોને કારણે નિર્દોષ વ્યક્તિ દંડાય નહીં.
ખાનગી અને વકીલાતના વ્યવસાય સાથે સંકળાયેલી વ્યક્તિઓ આ કામગીરી સાથે સંકળાયેલાં છે. પરિપત્ર બાદ તેઓએ વિરોધ કર્યો કે ખરાઇ કરવાની જવાબદારી નોંધણી નીરિક્ષક કચેરીના અધિકારીની છે જેથી દસ્તાવેજ તૈયાર કરનારને કસૂરવાર ગણવા યોગ્ય નથી. વકીલોએ આ મામલે બાર કાઉન્સિલને પણ રજૂઆત કરી હતી.