ગાંધીનગરના યુવાનને પ્રેમ લગ્ન કરવા બદલ માર ખાવાનો વખત આવ્યો છે. ગિફ્ટ સિટી ખાતે બે કાર તેમજ બાઈક સાથે આવેલા દસેક ઈસમોએ મારામારી કરી યુવાનની પત્નીનું જબરજસ્તીથી અપહરણ કર્યું હતું. આ મામલે સસરાએ પત્નીનું અપહરણ કરવા માટે મળતિયા મોકલ્યા હોવાનું સામે આવતા યુવાને ડભોડા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
ગાંધીનગરના વીરા તલાવડી ગામે રહેતો યુવક રાષ્ટ્રીય રક્ષા શક્તિ યુનિવર્સીટી ખાતે ડ્રાઈવર તરીકે છેલ્લા બે મહિનાથી નોકરી કરે છે. આજથી આશરે ત્રણેક વર્ષ અગાઉ યુવકે સોશિયલ મિડિયા દ્વારા એક યુવતી સાથે સંપર્ક થયો હતો. બાદમાં વાતચીતનો દોર શરૂ થતાં બંને ગાઢ પ્રેમમાં પડ્યા હતા અને લગ્ન કરવાનું નક્કી કર્યું હતું. જોકે, યુવતીના પરિવારજનોએ વિરોધ કરતા બન્ને પ્રેમી પંખીડાએ ભાગીને ઓક્ટોબર – 2023 માં પ્રેમ લગ્ન કરી લીધા હતા. ત્યારથી યુવતી યુવક સાથે રહેવા આવી ગઈ હતી.
યુવતી સેકટર – 23 ની અશ્વીનભાઈ એ પટેલ કોમર્સ કોલેજમાં બી. કોમનો અભ્યાસ કરે છે. ગઈકાલે કોલેજમાં પરીક્ષા હોવાથી પતિ-પત્ની બાઈક ઉપર ગાંધીનગર આવ્યાં હતા અને પરીક્ષા પૂર્ણ થતાં બંને જણા ખરીદી કરવા માટે સેકટર – 21માં ખરીદી કરવા માટે ગયા હતા.
આ દરમિયાન પત્નીની માતાએ વોટ્સઅપ કોલ કરીને મળવા આવીએ છીએ કહ્યું ગયુ. જો કે, પત્નીએ મળવું હોય તો સાસરીમાં આવવા માટે જણાવ્યું હતું. એટલે યવતીની માતાએ કહેલ કે તમે બન્ને ચિલોડા સર્કલ ખાતે આવો. બાદમાં પતિ-પત્ની બાઈક ઉપર ગિફ્ટ સિટી ખાતેની જીબીયુ કોલેજ રોડ પરથી પસાર થઇ રહ્યા હતા. તે વખતે ચાર જેટલી ગાડીઓ તેમજ બાઈક લઈને આવેલા દસેક ઈસમોએ દંપતિને આંતરી લીધું હતું.
બાદમાં યુવતીનું મોઢું દબાવી દસેક મિનિટ ઈસમો એક સફેદ કલરની ગાડીમાં અપહરણ કરી ભાગી હતા. જ્યારે અન્ય બે ગાડીમાં રહેલા ઈસમોએ યુવકને પકડીને માર મારવા લાગ્યા હતા. બાઈક ઉપર આવેલા ઈસમોએ યુવકનો આઈફોન ઝુંટવી લીધો હતો. જે પૈકીના બે ત્રણ ઈસમો યુવકને જાતિ વિષયક અપશબ્દો બોલી બિભત્સ ગાળો બોલવા લાગ્યા હતા. આ દરમ્યાન યુવક તેમના હાથમાંથી છટકીને જીવ બચાવવા માટે ભાગવા લાગ્યો હતો. જેને ફરીવાર પકડીને ઈસમોએ માર મારી જાનથી પતાવી ધમકીઓ આપી ફરાર… થઈ ગયા હતા.
આ ઘટનાથી હચમચી ઉઠેલા યુવકે જીબીયુ કોલેજના સિક્યોરિટી ગાર્ડના ફોન થકી પોતાના પરિવારને સમગ્ર જાણ કરી હતી. જેનાં પગલે ગામના સરપંચ સહિત પરિવારજનો યુવક પાસે પહોંચી ગયા હતા અને યુવતીને શોધવા નીકળ્યા હતા. ત્યારે યુવતી શાહપુર સર્કલ પાસેથી મળી આવી હતી. જેણે કહેલ કે, ગાડીમાં અપહરણ કરનાર ત્રણ ઈસમો પૈકીના એક જણે મારા પિતા સાથે વાત કરાવી હતી. ત્યારે પિતાએ કહેલું કે આ લોકો કહે એ મુજબ તારે કરવાનું છે. નહીં તો તને મારી નાખશે. જ્યારે મારુ અપહરણ થતું જોઈએ કોઈ ભાઈએ પોતાની ગાડી વચ્ચે લાવીને ઉભી રાખી દેતા ઈસમો ગાડીમાં મૂકીને નાસી ગયા હોવાની કેફિયત વર્ણવી હતી. જેનાં પગલે પત્નીએ વર્ણવેલ હકીકતના આધારે યુવકે ફરીયાદ આપતા ડભોડા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.