અમદાવાદ શહેરમાં ભગવાન જગન્નાથની 147મી રથયાત્રા નીકળશે. રથયાત્રા દરમિયાન ભગવાનના મોસાળ માટે ભાવિકો વર્ષોથી રાહ જોતા હોય છે. ત્યારે આ વર્ષની રથયાત્રામાં મામેરું કરવાનું ડ્રોમાં વિનોદભાઈ પ્રજાપતિનું ખુલ્યું હતું વિનોદભાઈ પ્રજાપતિ મૂળ સાબરકાંઠા ઈડરના ગાંઠેલ ગામના છે. જેઓ હાલમાં અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં રહે છે. બે ભાઈઓ અને ત્રણ બહેનો સાથે હવે તેઓ મામેરાની યજમાનની રાહ જોતાં હતા તે પુરુ થશે.મામેરાની યજમાની મળતાં જ પરિવારમાં પણ ઉત્સાહનો માહોલ જોવા મળ્યો છે.
આ અંગે અમદાવાદમાં રહેતાં વિનોદભાઈ પ્રજાપતિનું કહેવું છે કે, છેલ્લાં ઘણાં વર્ષોથી હું જ્યારે મંદિર આવતો ત્યારે મારી આજુબાજુના લોકોને વાત કરુ તો ખબર પડે કે, લોકો મામેરા માટે 4 વર્ષ, 6 વર્ષ, 10-10 વર્ષ સુધી રાહ જોઈ રહ્યા હતા. હું છેલ્લાં 4 વર્ષથી ડ્રોમાં મારું નામ આવે તેવા પ્રયત્નો કરતો હતો. ત્યારે આજની ઘડીથી અમે મામેરાની તૈયારીઓમાં લાગી ગયા છે. ભગવાન જગન્નાથજીની યાત્રામાં ભગવાન પોતે ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાજી સાથે નગરચાત્રાએ નીકળે છે તેવી જ રીતે હું મારા ભાઈ બહેનો સાથે ભગવાન જગન્નાથજીના મામેરુ તૈયાર કરીશ.
ભગવાનને મામેરૂ ચઢાવવા માટે યજમાન પરિવારે તૈયારીઓ શરૂ કરી દીધી છે. જેમાં ભાણેજો માટેના હાર, વીંટી, અછોડો, પગની પાયલ, વીછિંયા વગેરે ઘરેણાં, સાડીઓ, ભગવાનના વાઘા વગેરે તૈયાર કરાવવામાં આવી રહ્યા છે. આ તમામ વસ્તુઓ તૈયાર કરવામાં આવશે.
અમદાવાદમાં 146 વર્ષથી રથયાત્રા યોજાય છે. જમાલપુરમાં આવેલા 400 વર્ષ જુના જગન્નાથ મંદિરમાંથી સવારે રથયાત્રાનો પ્રારંભ થાય છે. જે 14 કિમીનું અંતર કાપી સાંજે ફરીને મંદિરે આવે છે. રથયાત્રા સવારે 7 વાગ્યેની આસપાસ શરુ થાય છે, એ પહેલાં પરંપરાગત રીતે ગુજરાતના મુખ્યમંત્રી મંગલા આરતીમાં હાજર રહે છે અને રથયાત્રા માર્ગની સફાઈના પ્રતિકરૂપ “પહિન્દ વિધિ” કરે છે. રથયાત્રા બપોરે સરસપુર ખાતે રોકાય છે. જ્યાં સ્થાનિક નિવાસીઓ દ્વારા ભગવાન જગન્નાથ અને યાત્રિકો, શ્રદ્ધાળુઓને મહા-ભોજ પ્રસાદીરૂપે ભોજન કરાવાય છે. સાંજે 8.30 આસપાસ રથયાત્રા ફરીને જગન્નાથ મંદિરે પરત ફરે છે. વર્ષોથી આ જ પરંપરા પ્રમાણે અષાઢી બીજના અવસરે રથયાત્રા યોજાય છે.