છેલ્લા ત્રણ માસમાં એચ1એન1ના 19 કેસ નોંધાતા સિવિલ હોસ્પિટલના પાંચમા માળે આઇસોલેશન વોર્ડ શરૂ કરવામાં આવ્યો છે. સ્વાઇન ફ્લુના એકાએક કેસ નોંધાતા સિવિલ હોસ્પિટલ દ્વારા પ્રિકોશનના ભાગરૂપે વોર્ડ ઉભો કરવામાં આવ્યો છે. જોકે હાલમાં એક દર્દી દાખલ કરીને સારવાર આપવામાં આવી રહી છે.
કોરોનાકાળા પછી એચ1 એન1ના કેસો સમયાંતરે આવતા રહેતા હોવાથી આરોગ્ય વિભાગ દ્વારા નિદાન અને સારવાર આપીને દર્દીને ઘરે જ રહીને સાજા થઇ જતા હતા. જોકે ચાલુ વર્ષે શિયાળામાં તેમજ ડબલઋતુના સીઝનમાં શરદી અને ખાંસીના કેસમાં થયેલા એકાએક વધારાને પગલે આરોગ્ય વિભાગ દ્વારા તકેદારીના પગલાં લેવાની સુચના આપી હતી. જેમાં દર્દીના શરદી અને ખાંસીની બિમારીના લક્ષણોના આધારે કોરોના અને એચ1 એન1 ટેસ્ટ કરવાની સૂચના આપી હતી.
જોકે શરદી અને ખાંસી કે એચ1 એન1 તેમજ કોરોનાની બિમારીનો પાયો ગણવામાં આવે છે. આથી શરદી અને ખાંસીના દર્દીઓને અમુક દિવસો સુધી સારવાર કરવા છતાં બિમારીમાં કોઇ જ ફેર પડે નહી. તો તેવા દર્દીઓનો એચ1 એન1 ટેસ્ટ કરવાની સુચના આરોગ્ય વિભાગ દ્વારા આપવામાં આવી હતી. જેમાં છેલ્લા ત્રણ માસમાં મનપા વિસ્તારમાં એચ1 એન1ના 7 કેસ નોંધાયા છે. જ્યારે જિલ્લાના ચારેય તાલુકામાંથી અત્યાર સુધી 12 કેસ નોંધાયા છે. તેમાં કલોલ તાલુકામાંથી 6, ગાંધીનગર અને માણસા તાલુકામાંથી ત્રણ-ત્રણ કેસ નોંધાયા છે. જ્યારે દહેગામ તાલુકામાંથી એકપણ કેસ નોંધાયો નથી.
ઉનાળાની ઋતુની શરૂઆત થઇ ગઇ હોવાથી હવે શરદી અને ખાંસીની બિમારીના કેસ ઓછા થવાની શક્યતા રહેલી છે. જેને પગલે એચ1 એન1ના કેસમાં ઘટાડો નોંધાશે. પરંતુ હાલમાં લોકસભાની ચૂંટણીનો માહોલને પગલે મેળાવડા તેમજ સભાઓના કારણે એચ1 એન1ના કેસો વધે તો તેની સલામતીના ભાગરૂપે ગાંધીનગર સિવિલ હોસ્પિટલના પાંચમા માળે આઇસોલેશન વોર્ડ શરૂ કરવામાં આવ્યો છે. તેની સાથે સાથે જરૂરી મેડિકલ ઓફિસર, નર્સિંગ સ્ટાફ તેમજ દવાઓ સહિતનો સ્ટોક પુરતો કરી દેવામાં આવ્યો છે.
હાલમાં એચ1 એન1ના એક્ટિવ કેસ બે છે. તેમાં 70 વર્ષીય વૃદ્ધને ગાંધીનગર સિવિલ હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા છે. જ્યારે 50 વર્ષીય મહિલાને ખાનગી હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં દાખલ કરીને એચ1 એન1ની સારવાર આપવામાં આવી રહી છે.
ગત માર્ચ માસમાં દિવસે ગરમી અને રાત્રે ઠંડીનો અનુભવ નગરવાસીઓ કરતા હતા. આથી ડબલ ઋતુને પગલે શરદી અને ખાંસીના કેસમાં ઉછાળો આવ્યો હતો. જેને પરિણામે ગાંધીનગર સિવિલ હોસ્પિટલની ઓપીડી 2500થી 2800 સુધી પહોંચી ગઇ હતી. જોકે હાલમાં પણ શરદી અને ખાંસીના કેસમાં આંશિક ઘટાડો નોંધાયો છે.