ગુજરાતમાં ભાજપ પાસે એવો તો કયો જાદુઈ ચીરાગ છે જે છેલ્લા 3 દાયકાથી અનેક વિરોધો છતાં સત્તા હાંસલ કરવામાં મદદ કરી રહ્યો છે. મોદી અને અમિત શાહ તો દિલ્હી છે પણ ગુજરાતમાં ભાજપને હરાવવું એ લોઢાના ચણા ચાવવા સમાન છે. કોંગ્રેસ અહીં દૂર દૂર સુધી નથી દેખાઈ રહી.
ભલે પીએમ મોદી એક દાયકાથી ગુજરાતથી દૂર દિલ્હી ગયા પણ ગુજરાતીઓ અને મોદી એકબીજા સાથે ખુદ ઇમોશનલી કનેક્ટ જ રહ્યા છે એટલે જ 2017માં અને 2022માં પણ મોદી જ ગુજરાતમાં ભાજપનો ચહેરો રહ્યા અને 2024માં પણ મોદીના નામે ચૂંટણી લડાઈ રહી છે. વિકાસ અને હિન્દુત્વની પ્રયોગશાળાની શરૂઆત ગુજરાતથી થઇ છે એ સૌ જાણે છે. પહેલીવાર ભાજપને હિન્દુત્વના મુદ્દે સત્તા મળી 1995માં એ પછી પાર્ટીમાં આંતરિક વિરોધ ચાલ્યો અને 2001માં મોદીએ સત્તા સંભાળી પછી તેમણે હિન્દુત્વની સાથે વિકાસનું પેકેજ બનાવ્યું. હવે એ વિકાસના પેકેજમાં થોડો ફેરફાર આવ્યો છે. આજે ગુજરાતમાં ભાજપના ચાહકો કરતાં મોદીના ચાહકોની સંખ્યા અનેક ગણી વધારે છે એવું કહેવું જરા પણ અતિશયોક્તિ નથી. મોદી અને ગુજરાતની જનતા સતત નવા રેકોર્ડ અને બેન્ચમાર્ક બનાવતા રહ્યા છે.
ગુજરાતમાં પીએમ મોદીએ પોતાનો દબદબો જાળવી રાખવા માટે એક મોડલ બનાવ્યું છે. સરકારમાં સતત નવા આઇડિયા અને નવી યોજના તથા સીધા જ લોકો સુધી કેવી રીતે સરકારે પહોંચવું એ મોદીએ તેમની ગુજરાતની કામગીરી વખતે શરૂ કર્યું. મોદી આજે પણ દોડતા રહે છે અને ભાજપના નેતાઓને દોડાવતા રહે છે. મોદીએ સંગઠનનું એક આદર્શ માળખું તૈયાર કર્યું છે જેને અમિત શાહ અને સીઆર પાટીલ જેવા નેતાઓએ આગળ વધાર્યું છે. બૂથ લેવલનું મેનેજમેન્ટ તો હતું જ પણ પેજ પ્રમુખ અને પેજ કમિટી સુધી ભાજપ સંગઠને કામ કર્યું એટલે તેના મતદારો સતત તેમની પકડમાં રહ્યા. ભાજપની વિચારધારામાં માનતો મતદાર કોઇ રીતે છટકી ન જાય અને એ શું વિચારી રહ્યો છે તેના ફીડબેક પર સુધી પહોંચતો રહે એવી વ્યવસ્થા પણ ગોઠવી. સરકારની યોજના લોકો સુધી લઇ જવા માટે સંગઠનનો ભરપુર ઉપયોગ કર્યો અને સંગઠન પાસે લોકોનો જે ફીડબેક આવે તેને સરકાર સુધી પહોંચાડીને યોજનાનું સ્વરૂપ આપવું એવી સતત વ્યવસ્થા ગોઠવી છે. જેના કારણે ભાજપ સામે એન્ટિઈન્કમ્બસીનો માહોલ, ગુજરાતમાં કોંગ્રેસના 32 ટકા કમિટેડ મતદારો છતાં ભાજપ આજે જીતના નવા રેકોર્ડ બનાવી રહ્યું છે.
2022ની વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ) એ 182માંથી 156 બેઠકો પર જીત મેળવી હતી. આમ છતાં ભાજપ 5,000 થી ઓછા મતોના માર્જિનથી 20 બેઠકો પર ચૂંટણી હારી ગઈ હતી. ભાજપ પાસે 1.13 કરોડ પ્રાથમિક સભ્યો અને 74 લાખ પેજ કમિટી સભ્યોની ફોજ છે. મતલબ ગુજરાતના ૭૪ લાખ ઘરમાં ભાજપનો એક સભ્ય છે. વિધાનસભા ચૂંટણીમાં પક્ષે માત્ર 3 લાખ મતને કારણે 26 બેઠક ગુમાવી છે. જેમાં પોરબંદર અને માણાવદર જેવી 20 બેઠકો માત્ર 5 હજારની અંદરના માર્જીનથી ગુમાવી છે. નહીં તો ભાજપ પાસે 176 બેઠક હોત અને એક નવો રેકોર્ડ હોત.. પાટીલ આ મામલે દરેક બેઠકમાં અફસોસ કરી રહ્યાં છે.
ભાજપના પ્રાથમિક સદસ્ય અને પેજ કમિટીના સભ્ય વચ્ચે ફરક એટલો છે કે એક જ ઘરમાંથી બેથી પાંચ વ્યક્તિ ભાજપના પ્રાથમિક સદસ્ય હોઇ શકે છે. પરંતુ પેજ કમિટીમાં એક ઘરમાંથી એક જ વ્યક્તિ હોય છે. ભાજપના ૭૪ લાખ પેજ કમિટીના સભ્યો છે. જેઓના ઘરમાં સરેરાશ ત્રણ મત હોય કુલ ૨ કરોડ ૨૨ લાખ મત ભાજપના અકબંધ છે. જો લોકસભાની ચૂંટણીમાં ૨ કરોડ ૨૨ લાખ મતદારો દ્વારા મતદાન થાય તો ભાજપ 26માંથી 26 બેઠકો જીતી શકે એવો પાટીલ દ્વારા દાવો કરાઈ રહ્યો છે. ભાજપનું ગણિત છે કે, ગત ચૂંટણીમાં ભાજપને ૧ કરોડ ૬૮ લાખ મત અને કોંગ્રેસને ૮૦ લાખ અને આપને 40 લાખ મત મળ્યા હતા. જો આ વખતે ભાજપને ૨ કરોડ ૨૨ લાખ મત મળે તો ૫૦થી ૫૫ લાખ મતમાં વધારો થાય.. આ વર્ષે મતદારોની સંખ્યા વધીને 5 કરોડની આસપાસ થઈ ગઈ છે. ભાજપ માટે પડકાર એ પણ છે કે આપ અને કોંગ્રેસ લોકસભામાં એક સાથે મળીને ચૂંટણી લડી રહ્યાં છે.
દરેક વિધાનસભા બેઠકમાં 200 થી વધુ બૂથ હોય છે અને દરેક બૂથમાં 30 પેજ સમિતિઓ છે. દરેક પેજ સમિતિ મતદાર યાદીના એક પેજનો પ્રભારી હોય છે, જેમાં 30 મતદારોના નામ હશે અને તેમાંથી એકને અધ્યક્ષ બનાવવામાં આવે છે અને અન્ય ચારને સભ્ય બનાવવામાં આવે છે. પેજ પ્રમુખે એ સુનિશ્ચિત કરવાનું રહેશે કે ચૂંટણીના દિવસે તેમની યાદીમાંના તમામ મતદારો મતદાન મથકો પર જાય અને તેમના મતાધિકારનો ઉપયોગ કરે. ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ દ્વારા ચૂંટણીમાં દરેક બુથ પર ૯૦ ટકા મતદાન થાય તેની માટે બુથ પ્રમુખોને મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે. તેમજ દરેક બુથ પર ૯૦ ટકા મતદાન થાય તે માટે સિસ્ટમ બનાવીને તે મુજબ કામ કરવા બુથ પ્રમુખોને સૂચના આપવામાં આવી રહી છે. સિસ્ટમ પ્રમાણે સૌપ્રથમ દરેક બુથ પ્રમુખને કમિટીના ૧૪ સભ્યોની મીટીંગ બોલાવવાનું સૂચન કર્યુ છે. તેમજ ૬ઠ્ઠી એપ્રિલના રોજ ભાજપના સ્થાપના દિવસ પૂર્વે ભાજપના દરેક પેજ કમિટીના સભ્યોના ઘરે ઝંડી લગાવવાની જવાબદારી કમિટીના ૧૪ સભ્યોને સોંપવામાં આવી છે.
ભાજપે જૂના જોગીઓને પણ જવાબદારી સોંપી છે. ગુજરાતમાં 27 વર્ષથી ભાજપની સરકાર છે. લોકસભા ચૂંટણી માટે ભાજપ તરફથી પોતાના ટીમ નક્કી કરી લેવાઈ છે, એક તરફે જોઈએ તો બીજેપી એ ઇતિહાસ રચવા માટે પોતાનો પ્લાન બનાવ્યો છે. લોકસભા ચૂંટણી માટે બીજેપી એ 26 બેઠકો માટે જવાબદારી નક્કી કરતા 3-3 બેઠકો નું અલગ અલગ ક્લસ્ટર બનાવ્યું છે. જેની કમાન પાર્ટી ના વરિષ્ઠ નેતાઓ ને સોંપવામાં આવી છે. બીજેપી ના ચાણક્ય કહેવાતા ગૃહ મંત્રી અમિત શાહ ના નજદીક ના વરિષ્ઠ નેતાઓ જે અત્યાર સુધી સંગઠનને મજબૂત કરવામાં પોતાનો ફાળો ભજવી ચૂક્યા છે એવા પ્રદીપસિંહ જાડેજા, ભૂપેન્દ્ર ચુડાસમા અને આર સી ફળદુને 2024 ની કમાન સોંપવામાં આવી છે.