આવશ્યક દવાઓના ભાવમાં વધારામાં વધારાની અટકળો પર પૂર્ણવિરામ મૂકતા કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવિયાએ ગુરુવારે જણાવ્યું હતું કે જથ્થાબંધ ભાવ આધારિત ફુગાવામાં નજીવી વધારો થયો હોવાથી આ નાણાકીય વર્ષમાં જીવન આવશ્યક દવાઓના ભાવમાં કોઈ વધારો કરવામાં આવશે નહીં. આ મોદીની ગેરંટી છે.તેમણે જણાવ્યું હતું કે ભાવવધારાના અહેવાલો બિલકુલ ખોટા છે.
દવાઓના ભાવમાં કોઈ વધારો થશે નહીં. નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઇસિંગ ઓથોરિટી (NPPA) દર વર્ષે હોલસેલ પ્રાઈસ ઈન્ડેક્સ (WPI)ના આધારે શિડ્યુલ્ડ દવાઓની ટોચની ભાવમર્યાદામાં સુધારો કરે છે. ફુગાવો વધે છે, ત્યારે ભાવમાં વધારો થાય છે અને ફુગાવો ઘટે ત્યારે ભાવ ઘટે છે. આ વર્ષે ફુગાવો વધ્યો નથી. તે માત્ર 0.005 છે. તેથી કંપનીઓ આ વર્ષે ભાવ વધારશે નહીં. આ મોદીની ગેરંટી છે.
ડ્રગ પ્રાઈસ કંટ્રોલ ઓર્ડર્સ (DPCO) 2013ની જોગવાઈઓ અનુસાર દવાઓને શિડ્યુલ્ડ અને નોન-શિડ્લ્યુલ્ડ ફોર્મ્યુલેશન તરીકે વર્ગીકૃત કરવામાં આવે છે. DPCO 2013ના શિડ્યુલ્ડ-Iમાં સમાવેશ થતા ફોર્મ્યુલેશન શિડ્યુલ્ડ દવા ગણાય છે. તેને આવશ્યક દવાઓ તરીકે પણ ઓળખવામાં આવે છે.નોન-શિડ્યુલ્ડ ફોર્મ્યુલેશનના કિસ્સામાં કંપનીઓ ભાવ નક્કી કરવા માટે સ્વતંત્ર છે.
2022ની તુલનામાં કેલેન્ડર વર્ષ 2023માં 2011-12ના પાયા વર્ષને આધારે જથ્થાબંધ ફુગાવામાં વાર્ષિક ધોરણે 0.00551 ટકા વધારો થયો હતો. તેથી NPPAએ 20 માર્ચ, 2024ના રોજ તેની બેઠકમાં દવાઓ માટે WPI 0.00551 ટકાના વધારાને મંજૂરી આપી હતી. ઉપરોક્ત WPIના આધારે 782 દવાઓ માટેની ટોચની ભાવમર્યાદા કોઈ ફેરફાર થશે નહીં અને વર્તમાન ટોચમર્યાદા 31 માર્ચ, 2025 સુધી ચાલુ રહેશે. ~90થી ~261 સુધીની 54 દવાઓના ટોચની ભાવમર્યાદામાં માત્ર ~0.01નો મામૂલી વધારો થશે. જોકે આટલો મામૂલી વધારો કંપનીઓ ન કરે તેવી શક્યતા છે.