મ્યાનમારના રખાઈન રાજ્યમાં રહેતા રોહિંગ્યા સાથે વાત કરતાં જાણકારી મળી કે છેલ્લાં કેટલાંક અઠવાડીયાંમાં લગભગ 100 રોહિંગ્યા મુસ્લિમોની મુશ્કેલીઓથી ઘેરાયેલી મ્યાનમારની સેના તરફથી લડવા માટે ભરતી કરવામા આવી હતી.અમે સુરક્ષાનાં કારણોસર સૈન્યમાં ભરતી થયેલા આ રોહિંગ્યા મુસ્લિમોનાં નામ બદલી નાખ્યાં છે.
31 વર્ષીય મહમદ ત્રણ નાનાં બાળકોના પિતા છે. તેઓ કહે છે, “મને ખૂબ બીક લાગતી હતી પરંતુ મારે જવું પડ્યું.” મહમદ રખાઈનના પાટનગર સિત્તવેની પાસે બૉવ ડૂ ફા શરણાર્થી શિબિરમાં રહે છે. છેલ્લા એક દાયકાથી લગભગ દોઢ લાખ રોહિંગ્યા મુસ્લિમો પોતના જ દેશમાં શરણાર્થી શિબિરોમાં રહેવા માટે લાચાર છે.
મહમદે જણાવ્યું કે ફેબ્રુઆરીના મહિનામાં શિબિરના નેતા મોડી રાત્રે તેમની પાસે આવ્યા અને કહ્યું કે તેમને સેનાની તાલીમ લેવી પડશે. મહમદના કહેવા પ્રમાણે તે નેતાએ કહ્યું કે આ સૈન્યનો આદેશ છે.
મહમદને યાદ છે કે તેમને (નેતાએ) એ પણ કહ્યું હતુ કે જો તેઓ સેનામાં ભરતી થવાની મનાઈ કરશે તો એમના પરિવારને નુકશાન પહોંચી શકે એમ છે.
અમે કેટલાક રોહિંગ્યા મુસ્લિમો સાથે વાત કરી, જેમણે આ વાતની પુષ્ટિ કરી છે કે મ્યાનમારની સેનાના અધિકારીઓ તેમની શરણાર્થી શિબિરોમાં જઈને યુવાનોને આદેશ આપે છે કે સેનાની તાલીમ માટે આવે.
મહમદ જેવા લોકો એ વિટંબણામાં છે કે મ્યાનમારમાં રોહિંગ્યા મુસ્લિમોને નાગરિકા નથી મળી રહી. તેમના પર હજુ પણ ઘણાં નિયંત્રણો લાદવામાં આવી રહ્યાં છે, જેમ કે તેમને તેમના સમુદાયની બહાર જતા અટકાવવામાં આવે છે.
વર્ષ 2012માં રોહિંગ્યા મુસ્લિમોને રખાઈન રાજ્યમાં અન્ય સમુદાયોથી અલગ કરી દેવામા આવ્યા હતા. ત્યાર બાદે તેઓ એકંદર ખરાબ સ્થિતિમાં શરણાર્થી શિબિરોમાં રહે છે.
પાંચ વર્ષ પછી ઑગસ્ટ 2017માં જ્યારે મ્યાનમારની સેનાએ તેમની વિરુદ્ધ એક ક્રુર અભિયાન ચલાવ્ચું ત્યારે સાત લાખ રોહિંગ્યા મુસ્લિમો ભાગીને બાંગ્લાદેશ જતા રહ્યા હતા. આ અભિયાન દરમિયાન હજારો રોહિંગ્યા મુસ્લિમોને મારી નાખવામા આવ્યા. મહિલાઓ સાથે બળાત્કાર થયા અને તેમનાં ગામડાંને આગ ચાંપી દેવામા આવી હતી. છ લાખ રોહિંગ્યા મુસ્લિમો હાલમાં મ્યાનમારની શરણાર્થી શિબિરોમાં રહે છે.રોહિંગ્યા મુસ્લિમોને છેલ્લા એક દાયકા દરમિયાન શરણાર્થી શિબિરોમાં રહેવા માટે લાચાર કરાયા છે
રોહિંગ્યા સમુદાય સાથે કરેલા વર્તન માટે હવે મ્યાનમાર પર આંતરરાષ્ટ્રીય અદાલતમાં મુકદમો ચાલી રહ્યો છે. જોકે, મ્યાનમારની સેના હાલમાં રોહિંગ્યા મુસ્લિમોની ભરતી કરી રહી છે જે સ્પષ્ટપણે દર્શાવે છે કે સેનાની હાલત કેટલી ખરાબ છે.
રખાઇન વિસ્તારમાં એક જાતીય બળવાખોર સંગઠન અરાકન આર્મીએ એક મોટા વિસ્તારને સેનાના કબજામાંથી છોડાવી લીધો છે. સેનાએ રખાઈન પર કરેલા ગોળીબારીમાં ડઝનો રોહિંગ્યા મુસ્લિમોના મૃત્યુ નીપજ્યાં છે.
મ્યાનમારની સેનાને દેશના અન્ય વિસ્તારોમાં પણ બળવાખોર તાકતો સામે ભારે નુકશાન વેઠવું પડ્યું છે. થાઈલૅન્ડને અડતી મ્યાનમારની પૂર્વી સીમા પર આવેલો મ્યવાડ્ડી વિસ્તાર શનિવારે સેનાના કબજામાંથી નીકળી ગયો. મ્યાનમારનો ભૂમિગત વેપાર મોટા ભાગે આ રસ્તાથી જ પસાર થાય છે. એ જ નહીં, આ લડાઈમાં સત્તાધારી સૈન્ય દળોના જવાનો પણ મોટી સંખ્યામાં માર્યા ગયા. કેટલાય સૈનિકો માર્યા ગયા અથવા ઇજાગ્રસ્ત થયા. કેટલાય સૈનિકોએ વિદ્રોહી તાકતો સામે આત્મસમર્પણ કર્યું અથવા તો દળ બદલીને તેમની સાથે જોડાય ગયા.
આમ, મ્યાનમારની સેના માટે નવા સૈનિકની ભરતી કરવી મુશ્કેલ બની છે. મ્યાનમારના યુવાનો આજે એ સૈન્ય માટે પોતાનો જીવ જોખમમાં મૂકવા માટે તૈયાર નથી જેનું શાસન દેશના લોકોને બિલકુલ પસંદ નથી. આ જ કારણે રોહિંગ્યા મુસ્લિમોને ડર છે કે હવે તેમને નિશાન બનાવવામાં આવશે જેથી કરીને લડાઈના મોરચાઓ પર વારંવાર હારતી સેના માટે તેઓ પોતાના જીવની કુરબાની આપે.
મહમદ કહે છે કે તેમને શરણાર્થી શિબિરમાંથી સિત્તવેમાં સેનાની 270મી લાઇટ ઇન્ફેન્ટ્રી બટાલિયનનાં ઠેકાણાં પર લઈ જવામાં આવ્યા. 2012માં થયેલી સાંપ્રદાયિક હિંસા દરમિયાન જ્યારે રોહિંગ્યા મુસ્લિમોને તેમની વસતીથી બહાર કાઢી મૂકવામા આવ્યા હતા ત્યારથી તેમને પોતાની વસતીઓમાં રહેવા પર રોક લગાવવામાં આવી હતી.
મહમદે કહ્યું, “સેનાના કૅમ્પમાં અમને શીખવ્યું કે બંદૂકમાં ગોળી ભરીને તેને કેવી રીતે ચલાવવી. તેમણે અમને બંદૂકને ખોલવાની અને ફરીથી ગોળીઓ કેવી રીતે ચલાવવતી તેની પણ તાલીમ અપાઈ હતી.”
અમે અન્ય એક વીડિયો પણ જોયો છે જેમાં રોહિંગ્યા સૈનિકોને બીએ 63 રાઇફલો કેમ ચલાવવી તે શિખવાડવામાં આવે છે. આ અત્યંત જૂનાં હથિયારો છે જેને મ્યાનમારની સેના હજૂ વાપરી રહી છે.
મહમદને બે અઠવાડીયાં માટે તાલીમ આપવામા આવી હતી. ત્યાર પછી તેમને ઘરે મોકલી દેવામા આવ્યા. જોકે, માત્ર બે દિવસ પછી જ તેમને ફરીથી બોલાવાયા અને બીજા 250 સૈનિકો સાથે એક બોટમાં બેસાડીને રાથેડાઉંગ મોકલી દેવામા આવ્યા. મહમદની શિબિરથી પાંચ કલાકના અંતરે આવેલ આ વિસ્તારમાં મ્યાનમારની સેના અને અરાકન આર્મી વચ્ચે ભીષણ લડાઈ ચાલી રહી છે. બન્ને પક્ષો ત્યાં પર્વત પર આવેલા ત્રણ સૈન્યના ઠેકાણા પર કબજા માટે લડી રહ્યા હતા.
મહમદે કહ્યું, “મને સમજણ નહોતી પડતી કે હું શું કામ લડી રહ્યો છું. જ્યારે તેમણે મને રખાઈનના એક ગામમાં ગોળી ચલાવવા માટે કહ્યું તો મેં ગોળી ચલાવી દીધી.”
મહમદે 11 દિવસ સુધી લડાઈમાં ભાગ લીધો. જ્યારે જીવનજરૂરિયાતનો સામાન ભેગો કરીને રાખેલી એક ઝૂંપડી પર એક ગોળો પડ્યો ત્યારે તેમની પાસે ખાવા-પીવાના સામાનની ભારે અછત સર્જાઈ હતી. મહમદે ગોળીબારીમાં કેટલાક રોહિંગ્યાને પોતાનો જીવ ગુમાવતાં પણ જોયા. મહમદને પણ પગમાં છરા લાગ્યા હતા અને તેઓ ઇજાગ્રસ્ત થયા હતા. ત્યારપછી તેમને સારવાર માટે સિત્તવે ખસેડાયા.
અરાકન આર્મીએ જ્યારે પર્વત પર બનેલાં ત્રણ સૈન્ય ઠેકામા પર કબજો કર્યો ત્યારે 20 માર્ચના રોજ તેમની તરફથી આ લડાઈની તસવીરો જાહેર કરવામાં આવી હતી. આ તસવીરોમાં કેટલાય મૃતદેહો દેખાઈ રહ્યા છે, જેમાંથી ઓછામાં ઓછા ત્રણ મૃતદેહોની ઓળખાણ રોહિંગ્યા તરીકે કરવામા આવી હતી.
મહમદે કહ્યું, “જ્યારે હું યુદ્ધ મેદાનમાં હતો ત્યારે હંમેશાં ડરતો. હું મારા પરિવાર વિશે વિચાર કરતો. મેં ક્યારેય પણ નહોતું વિચાર્યું કે મારે આ રીતે યુદ્ધ લડવા માટે જવું પડશે. હું બસ ઘરે પાછો ફરવા માંગતો હતો. હું જ્યારે હૉસ્પિટલથી ઘરે પહોંચ્યો તો મારી માતાને ગળે લગાડીને રડવા લાગ્યો. મને લાગ્યું કે મેં ફરીથી મારી માતાના કુખે જન્મ લીધો છે.”
બીજા એક રોહિંગ્યા મુસ્લિમ હુસૈનની પણ સેનામાં બળજબરીપૂર્વક ભરતી કરવામા આવી હતી. તેઓ ઓહ્ન ટૉવ ગ્યી શિબિરમાં ભરતી કરવામા આવ્યા હતા. રોહિંગ્યાની આ શિબિર પણ રખાઇનના પાટનગર સિત્તવેની નજીક છે. હુસૈનના ભાઈ મહમૂદ કહે છે કે તેમને ફેબ્રુઆરીમાં તાલીમ માટે લઈ ગયા હતા અને તેમણે પોતાની તાલીમ પૂરી પણ કરી લીધી. જોકે, તેઓ યુદ્ધના મોરચા પર મોકલવામાં આવે તે પહેલા છુપાઈ ગયા હતા.
મ્યાનમારની સેના આ વાતનો ઇનકાર કરે છે કે તે અરાકન આર્મી સામે લડવા માટે રોહિંગ્યા મુસ્લિમોનો ઉપયોગ કરે છે. સૈન્ય સરકાર (જુંતા)ના પ્રવકતા જનરલ જૉ મિન ટુને એમને જણાવ્યું, “અમે તેમની સુરક્ષા સુનિશ્ચિત કરવા માંગીએ છીએ. અમે તેમને પોતાની રક્ષા જાતે કરવા માટે ચોક્કસપણે કહ્યું છે.”
જોકે, સિત્તવેની નજીક આવેલી પાંચ અલગઅલગ શરણાર્થી શિબિરોમાં રહેનારા ઓછામાં ઓછા સાત રોહિંગ્યાએ અમારી સાથેની વાતચીતમાં આવી જ વાતોનું પુનરાવર્તન કર્યું. તેમનું કહેવું હતું કે તેઓ ઓછામાં ઓછા એવા 100 રોહિંગ્યાઓને ઓળખે છે, જેમને આ વર્ષે બળજબરીથી સૈન્યમાં દાખલ કરીને યુદ્ધ લડવા માટે મોકલી દેવાયા છે.
તેઓ કહે છે કે સૈનિકો અને સ્થાનિક સરકારી અધિકારીઓની ટીમ ફેબ્રુઆરી મહિનામાં તેમની શિબિરોમાં આવી હતી. તેમણે જાહેરાત કરી હતી કે યુવાનોને સૈન્યમાં દાખલ કરાવવામાં આવશે. પ્રારંભમાં તો વચન અપાયું હતું કે જો તેઓ સૈન્યમાં ભરતી થયા તો તેમને ભોજન, મજૂરી અને નાગરિકત્વ આપવામાં આવશે. પ્રસ્તાવ ઘણો જ રસપ્રદ હતો.
જ્યારથી આરાકાન આર્મી સાથે યુદ્ધ શરૂ થયું છે, ત્યારથી વિદેશમાંથી આવનારી મદદ અટકી ગઈ છે. જેને પગલે વિસ્થાપિત રોહિંગિયાઓના કૅમ્પમાં ખાવાની ભારે અછત સર્જાઈ છે.
ખાવાપીવાનો સામાન ઘણો મોંઘો થઈ ગયો છે. મ્યાનમારમાં રોહિંગ્યા સમુદાયના સ્વીકારની એક લાંબી લડાઈના મૂળમાં સરકાર દ્વારા તેમને કરાયેલો નાગરિકત્વ આપવાનો ઈનકાર છે. આ જ કારણ છે કે તેમને સરકારી સેવામાં ભેદભાવનો સામનો કરવો પડે છે. માનવઅધિકારો માટેનું સગંઠન આને રંગભેદ જેવો ભેદભાવ ગણાવે છે.
જોકે, સૈન્યના જવાનો ભરતી કરાયેલા રોહિંગ્યાઓને લઈને પરત ફર્યા તો તેઓ નાગરિકત્વ આપવના વચનથી ફરી ગયા. એવામાં કૅમ્પમાં રહેનારા લોકોએ તેમને પૂછ્યું કે જો નાગરિકત્વ જ ના આપવું હોય તો તેમને સૈન્યમાં દાખલ કેમ કર્યા? એના જવાબમાં અધિકારીઓએ કહ્યું તેઓ જે જમીન પર રહે છે, તેમનું રક્ષણ કરવું એ એમની ફરજ છે. રોહિંગ્યાઓને એવું પણ કહેવામાં આવ્યું હતું કે તેઓ હથિયારધારી લડવૈયાઓ હશે, સૈનિક નહી. જ્યારે લોકોએ અધિકારીઓને નાગરિકત્વ આપવાના પ્રસ્તાવ અંગે પૂછ્યું તો જવાબ મળ્યો કે ‘તમે લોકોએ વાતને ખોટી રીતે સમજી હતી.’
હવે કૅમ્પની સમિતિઓના એક સભ્યે જણાવ્યું કે સૈન્ય ભરતીના સંભવિત ઉમેદવારીઓની નવી યાદી માગી રહ્યું છે. યુદ્ધના મોરચાથી પરત ફરેલા લોકોના અનુભવો જાણ્યા બાદ તેમણે કહ્યું કે હવે કોઈ સૈન્યમાં દાખલ થઈને લડવાનું જોખમ ખેડવા નથી માગતું.
એટલે, કૅમ્પમાં રોહિંગ્યાના નેતાઓ સૌથી ગરીબ લોકોને રાજી કરવાનો પ્રયાસ કરી રહ્યા છે, જેમની પાસે કોઈ કામ નથી. સમિતિના સભ્યો આ યુવાનોને વચન આપી રહ્યા છે કે જ્યારે તેઓ યુદ્ધ લડવા માટે જશે ત્યારે શિબિરમાં તેમના પરિવારોની સંપૂર્ણ દેખરેખ કરાશે અને આ માટે શિબિરમાંના અન્ય લોકો પાસેથી દાન લઈને પૈસા એકઠા કરવામાં આવશે.
માનવઅધિકાર સંગઠન ‘ફોર્ટિફાઈ રાઇટ્સ’ના મૅથ્યુ સ્મિથનું કહેવું છે કે ‘સૈન્યમાં અનિવાર્ય ભરતીનું આ અભિયાન દેરકાયદે છે અને જબરદસ્તી મજૂરી કરાવવા જેવું છે.’
સ્મિથ જણાવે છે કે ‘જે કંઈ થઈ રહ્યું છે તે બર્બર છે અને ઘૃણાસ્પદ ઉપયોગિતાનું ઉદાહરણ છે. આજે મ્યાનમારનું સૈન્ય સમગ્ર દેશમાં થઈ રહેલી પ્રજાસત્તાક ક્રાંતિનો મુકાબલો કરવા માટે નરસંહારનો ભોગ બનેલા રોહિંગ્યાઓની ભરતી કરી રહ્યું છે. આ હકૂમતને માનવજીવનનો થોડો પણ ખ્યાલ નથી. પોતાના અત્યાચારના એક લાંબા ઇતિહાસમાં હવે મ્યાનમારનું સૈન્ય શોષણનું એક નવું પ્રકરણ ઉમેરી રહ્યું છે.’
અરાકાન આર્મી સામેના યુદ્ધમાં રોહિંગ્યાઓનો ઉપોયગ કરીને મ્યાનમારનું સૈન્ય રખાઇનની બૌદ્ધ વસતિ સાથે ફરીથી સાંપ્રદાયિક હિંસાને ભડકાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. કેમ કે રખાઇન મોટા ભાગે બૌદ્ધ વિદ્રોહીઓનું સમર્થન કરે છે.
આ બન્ને સમુદાયો વચ્ચેના ટકરાવને લીધે જ વર્ષ 2012માં રોહિંગ્યાઓના સિત્તવે જેવા કેટલાંય કસબામાંથી બહાર કાઢી મૂકવામાં આવ્યા હતા. વર્ષ 2017માં રખાઈન જાતિએ સૈન્ય સાથે મળીને રોહિંગ્યાઓ પર હુમલો કર્યો હતો.જોકે, હાલમાં તો બન્ને સમુદાય વચ્ચે તણાવ ઘણો ઓછો થઈ ગયો છે.
અરાકાન આર્મી એક સ્વતંત્ર રાજ્યની લડાઈ લડી રહી છે. આ લડાઈ દેશની અન્ય જાતિઓનાં વિદ્રોહીઓ અને વિરોધી સંગઠનો દ્વારા સૈન્યને સત્તામાંથી ઉખાડી ફેંકવા માટે ચલાવાઈ રહેલા અભિયાનનો ભાગ છે. એનો ઉદ્દેશ મ્યાનમારમાં એક નવી સંઘીય શાસનવ્યવસ્થા સ્થાપવાનો છે.રખાઇન રાજ્યમાં રોહિંગ્યા મુસ્લિમો સેના અને વિદ્રોહીઓ વચ્ચે ચાલી રહેલી લડાઈમાં ફસાઈ ગયા છે
હવે અરાકાન આર્મી, રખાઈન પ્રાંતમાં વિજયની નજીક પહોંચી ગઈ છે. તે હાલમાં ત્યાં રહેનારા તમામ લોકોને નાગરિકત્વ આપવાની વાત કરી રહી છે. એનો અર્થ એ થાય કે કદાચ અરાકાન આર્મી બાંગ્લાદેશમાંથી આવેલી રોહિંગ્યા વસતીની વાપસી માટે પણ તૈયાર થઈ જશે.
માહોલ પણ હવે તો બદલાઈ ગયો છે. અરાકાન આર્મીના પ્રવક્તા ખાઇંગ થુકાએ બીબીસીને જણાવ્યું છે કે રોહિંગ્યાને સૈન્ય તરફથી લડવા માટે મજબૂર કરવાના પગલાને તેઓ ‘વર્તમાન સમયમાં સૌથી ભયાનક નરસંહારના શિકાર લોકો અને તાનાશાહીથી છૂટકારો મેળવવાની લડાઈ લડનારા લોકો સાથે કરાઈ રહેલા સૌથી મોટા કપટ તરીકે જુએ છે. ‘
સૈન્યસમર્થક મીડિયાએ પણ બુથિડાઉંગમાં અરાકાન આર્મી વિરુદ્ધ થઈ રહેલાં વિરોધપ્રદર્શનોને ભારે હવા આપી છે. જોકે, સ્થાનિક લોકોએ બીબીસીને જણાવ્યું છે કે તેમન આશંકા છે કે આ વિરોધપ્રદર્શનો સૈન્યએ જાતે જ આયોજિત કર્યાં હતાં, જેથી બન્ને સમુદાયો વચ્ચે સંઘર્ષ જન્મે.
હવે રોહિંગ્યાઓને એ સૈન્ય તરફથી લડવા માટે મજબૂર કરવામાં આવી રહ્યા છે, જે સૈન્ય મ્યાનમારમાં રહેવાના તેમના અધિકારને જ સ્વીકારતું નથી. આ રીતે તે જાતીગત વિદ્રોહીઓને નારાજ કરી રહ્યું છે, જે ટૂંકા સમયમાં જ કદાચ રખાઈન પ્રાંતના મોટા ભાગ પર કબજો કરી લેશે. એક સમય એવો પણ હતો કે જ્યારે રોહિંગ્યાઓ બન્ને તરફથી નિશાન બની રહ્યા હતા. હવે રોહિંગ્યા તેમની આંતરિક લડાઈમાં ફસાઈ ગયા છે.
મહમદને સૈન્યે પ્રમાણપત્ર આપ્યું છે, જેમાં લખવામાં આવ્યું છે કે તેણે સૈન્ય તરફથી યુદ્ધમાં ભાગ લીધો હતો. જોકે, એમને સમજાઈ નથી રહ્યું કે આ પ્રમાણપત્રનું મહત્ત્વ શું છે. એમને એ વાતની પણ ખબર નથી કે આગળ પણ સૈન્ય તરફથી લડવું પડશે કે કેમ. જો અરાકાન આર્મી સિત્તવે અને તેમની શિબિર તરફ આગળ વધે તો આ પ્રમાણપત્ર તેમના માટે મુશ્કેલી ઊભી કરી શકે એમ છે.
મહમદને યુદ્ધમાં જે ઇજાઓ પહોંચી હતી તે હજુ પણ ઠીક નથી થઈ. તેઓ કહે છે કે યુદ્ધના તેમના અનુભવને લીધે તેઓ રાતે સારી રીતે ઊંઘી પણ નથી શકતા.
મહમદનું કહેવું છે, “મને ડર લાગી રહ્યો છે કે ક્યાંક મને ફરીથી લડવા માટે ના બોલાવી લેવાય. હું નસીબદાર હતો કે ગત વખતે યુદ્ધના મેદાનમાંથી હું પરત આવી ગયો. જો મારે ફરીથી યુદ્ધ લડવા જવું પડે તો કોને ખબર કે હું જીવતો પાછો આવીશ કે નહીં.