રાજકોટ લોકસભા બેઠક પર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જોરદાર જંગ જામવાનો છે. રાજકોટ બેઠક પરથી ચૂંટણી લડવા માટે કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણી એક્ટિવા લઈને રાજકોટ જવા માટે નિકળ્યા હતા. પ્રતાપ દૂધાત એક્ટિવા પાછળ બેસેલા જોવા મળ્યા હતા. પરેશ ધાનાણીએ કહ્યું હતું કે પ્રેમની પટ્ટી બાંધીને રાજકોટના રણ મેદાનમાં જાઉં છું. રાજકોટના રણમાં માછલીની આંખ વિંધવા જાઉં છું.ઉલ્લેખનીય છે કે પરશોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણી વચ્ચે લગભગ બે દાયકા પછી ચૂંટણી જંગ જામશે.
રાજકોટ બેઠક પર પરશોત્તમ રૂપાલા વિરુદ્ધ કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણી ખંભે થેલો નાખી સ્કુટર લઈને રાજકોટ ચુંટણી લડવા રવાના થયા હતા. મોટી સંખ્યામાં કાર્યકરોએ ભારત માતા કી જય સાથે પરેશ ધાનાણીને વિદાય આપી હતી. કાઠિયાવાડી તળપદી ભાષામાં કાર્યકરોને અમરેલી બેઠકની ભલામણ કરી હતી.
અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દૂધાતે અમરેલી બેઠકના ભાજપના ઉમેદવાર ભરત સુતરિયાને પોપટ ગણાવ્યા છે. કોંગ્રેસની સભામાં પ્રતાપ દૂધાતે ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું પોપટમાં હાથમાં જીલ્લો આપવો છે કે ભણેલી ગણેલી દિકરીના હાથમાં જિલ્લો આપવો છે. પોપટ સાથે ઉમેદવારની સરખામણી કરાતા વિવાદના એંધાણ દેખાઈ રહ્યા છે.
ગેનીબહેન ઠાકોરના આંસુ મુદ્દે હવે રાજકારણ ગરમાયું છે. ગેનીબહેન ઠાકોર પર ડીસાના ધારાસભ્ય પ્રવીણ માળીએ આકરા પ્રહાર કર્યા છે. કહ્યું આખા દેશમાં કોંગ્રેસના ઉમેદવારો આંસુ સારીને મત માગે છે. પ્રધાનમંત્રી મોદીએ કરોડો લોકોના આંસુ લૂંછ્યા છે. ત્યારે બનાસકાંઠાના લોકોને આંસુ પાડે તેવા નહીં પણ આંસુ લૂછે તેવા નેતાની જરૂર છે.
ગુજરાતમાં લોકસભાની તમામ 26 બેઠક માટે ત્રીજા તબક્કામાં 7 મેના રોજ મતદાન યોજાશે અને 4 જૂનના રોજ પરિણામો જાહેર થશે.