ગુજરાત હાઈકોર્ટમાં મોરબી બ્રિજ દુર્ઘટનાના પીડિતોના પુનર્વસનને લઈ સુનાવણી યોજાઈ હતી. આ સુનાવણી દરમિયાન હાઇકોર્ટે ઓરેવાને બરાબરની ખખડાવી હતી. તેમજ પીડિતોના પુનર્વસન માટે થતા કામથી ભારોભાર નારાજગી વ્યક્ત કરી હતી. આ દરમિયાન ઓરેવાએ બિનશરતી માફી માગી હતી. છેલ્લે કોર્ટના હુકમના અનાદર બદલ હાઇકોર્ટે ઓરેવા કંપનીના મેનેજિંગ ડિરેક્ટરો સામે કન્ટેમ્પ્ટ દાખલ કરવા નોટિસ આપી હતી.
ઓરેવા કંપની તરફથી હાઇકોર્ટમાં કોર્ટની કન્ટેમ્પ્ટ દાખલ કરવાની શો કોઝ નોટિસ અને કલેક્ટર દ્વારા પીડિતોને આપવાના વળતર અંગે એફિડેવિટ ફાઈલ કરવામાં આવી છે. મોરબી જિલ્લા કલેક્ટરે પીડિતોને જે વળતર આપવા કહ્યું હતું તે આપવા કંપની તૈયાર છે. જેમાં અનાથ બાળકો, વિધવા મહિલાઓ વગેરેને 12 હજાર રૂપિયા પ્રતિમાસ આપવા કલેક્ટરે સૂચવ્યું હતું, જ્યારે કંપની માત્ર મહિને 05 હજાર આપવા તૈયાર હતી. કંપનીએ કહ્યું કે તેણે કોર્ટના સૂચન મુજબ પીડિતો માટે ટ્રસ્ટ બનાવવાની કામગીરી શરૂ કરી છે. કલેક્ટરે સૂચવ્યા મુજબનું વળતર તેઓ 30 એપ્રિલ સુધીમાં ટ્રસ્ટ રજિસ્ટર્ડ થયે તેના બેંક ખાતામાં અથવા લીગલ એડમાં જમા કરાવવા તૈયાર છે.
હાઇકોર્ટે પૂછ્યું આ તો દર મહિને કરવાની થતી સહાય છે, કાયમી વળતર અંગે શું વિચાયું છે? કંપનીની CSR જવાબદારીઓનું શું? કંપની આ દુર્ઘટનામાં દોષિત છે, જે દોષ ક્ષમા યોગ્ય નથી ત્યારે કંપનીએ પીડિતો માટે કંઇક વધારે કરવું પડે, આ સામાન્ય અકસ્માત કે એક્ટ ઓફ ગોડ નથી. કંપનીએ જ્યારે બ્રિજનો કોન્ટ્રાક્ટ લીધો ત્યારે તેણે શ્રેષ્ઠ કામ કરવાની જરૂર હતી તે તમારી જવાબદારી બને છે. કંપની તમામ જવાબદારીમાં નિષ્ફળ નીવડી છે. તમને બેનિફિટ ઓફ ડાઉટ મળી શકે તેમ નથી. તમે જાહેર મિલકત સાથે રમત રમી છે, પીડિતોને વધારે આપવાની તમારી જવાબદારી છે.
આ દુર્ઘટનામાં એક યુવતી મુંબઈની ખાનગી કંપનીમાં નોકરી કરે છે તેને મુંબઈમાં ફ્લેટ આપવાના કોર્ટના સૂચન વિશે કંપનીએ જણાવ્યું હતું કે કંપની ફ્લેટ કરતાં થોડું ઓછું આપશે. જેથી કોર્ટે કહ્યું હતું કે કંપનીના હોદ્દેદારોએ ચેમ્બરમાં બેસીને વિચાર્યું છે કે પીડિતોનું શું થતું હશે? તે લોકો સમાજમાં કેવી રીતે સર્વાઈવ કરશે? જે પીડિતો પાસે પૈસા નથી તેનું શું? વ્યક્તિ જ્યારે પોતે આ ઘટનામાં દિવ્યાંગ બની હોય તે પરિવારનું ગુજરાન કેવી રીતે ચલાવી શકશે? આવા લોકો ઉપર આશ્રિત થયેલા લોકોના જીવન વિશે વિચાર્યું છે?
કોર્ટે આગળ કહ્યું હતું કે કંપનીએ આ PILમાં પીડિતોને વળતર ચૂકવણી અંગે સહકાર આપવાની વાત કરી હતી. શું તમે મુંબઈમાં ખાનગી કંપનીમાં કામ કરતી અને આ દુર્ઘટનામાં 40 ટકા દિવ્યાંગ બનેલી 23-24 વર્ષની યુવતી વિશે વિચાર્યું છે? તેનું આ સમાજમાં શું થશે? તેને હવે જીવનમાં સપોર્ટ મળશે કે કેમ? ભારતમાં દિવ્યાંગ સાથે લગ્ન એક ટેબૂ છે. આપણે દિવ્યાંગ વ્યક્તિઓને નોર્મલ ગણતા નથી. નોર્મલ વ્યક્તિ પોતાને દિવ્યાંગ કરતાં ચઢિયાતો ગણે છે. દિવ્યાંગોને દયાદૃષ્ટિથી જોવામાં આવે છે. તેમને બહાર નીકળવાની જગ્યાએ ઘરે જ રહેવું જોઈએ તેવું લોકો વિચારે છે. કોર્ટ આ યુવતીને જીવનમાં કોઈની જરૂર ના રહે તેવી વ્યવસ્થા કરવા વિચારે છે. દિવ્યાંગોને દયાદૃષ્ટિથી જોવામાં આવે છે. તેમને બહાર નીકળવાની જગ્યાએ ઘરે જ રહેવું જોઈએ તેવું લોકો વિચારે છે. કોર્ટ આ યુવતીને જીવનમાં કોઈની જરૂર ના રહે તેવી વ્યવસ્થા કરવા વિચારે છે.
તમે મોરબીના લોકો પાસેથી કમાવ છો, ત્યાંથી તમને કર્મચારીઓ મળ્યા છે તે ના હોત તો તમારી કંપની કેમ ચાલે? સમાજના જવાબદાર વ્યક્તિ છતાં તમે બેજવાબદાર સાબિત થયા છો! કોર્ટને પીડિતોને વળતર આપવા કંપની પાસેથી કોંક્રિટ પ્રસ્તાવ જોઈએ છે, એટલે કોર્ટ તમારી પાસેથી પ્રસ્તાવ માંગે છે.
વિધવાઓને સિલાઈ મશીન આપવાની વાત કંપની કરે છે, નોકરી આપવાની વાત કંપની કરે છે, પરંતુ કે વિધવાએ નોકરી નથી સ્વીકારી તેની પાછળનાં કારણો વિચાર્યાં છે? તમે વિધવાઓને નોકરીની ઓફર કરીને સીધું કહી દીધું કે તે નોકરી સ્વીકારવા નથી માંગતી! સિલાઈ મશીન તેમના માટે પૂરતું નથી. ગુજરાત ટ્રેડિશનલ અને ફોક આર્ટ માટે જાણીતું છે. તેવી ચીજોના ઉત્પાદન આ મહિલાઓ થકી થાય અને તેમને માર્કેટ મળે તેવું કંઇ વિચાર્યું છે? સિલાઈ મશીન આપવું તે તો દાન આપવા બરાબર છે! કોર્ટ કંપનીના પિડિતો માટે કરાતા કામથી ખુશ નથી. કોર્ટે અગાઉ કંપનીને 1-2 વ્યક્તિઓને નોડલ ઓફિસર તરીકે રાખવા જણાવ્યું હતું, જેથી પીડિતાના યોગ્ય પુનઃર્વસનનો પ્રસ્તાવ કોર્ટ સમક્ષ મૂકી શકાય તે વિશે શું કર્યું? આઉટ ઓફ બોક્સ વિચારો..
કંપનીએ કહ્યું હતું કે કોર્ટના સૂચન મુજબ ટ્રસ્ટની રચના પ્રોસેસમાં છે. જેમાં 04 સરકારી અને 03 કંપનીના માણસો હશે. આ ટ્રસ્ટ પીડિતોના પુનર્વસનના હેતુઓ માટે કાર્ય કરશે. આગામી મુદતમાં કંપની પીડિતોને લઈને વધુ કોંક્રિટ પ્રસ્તાવ કોર્ટ સમક્ષ મૂકશે.
કોર્ટે સૂચન કર્યું હતું કે ગુજરાતમાં SEWA(સેલ્ફ એમ્પ્લોઈડ વિમેન્સ એસોસિએશન) સંસ્થા મહિલાઓ માટે કામ કરે છે. તેનો સંપર્ક કંપની કરી શકે છે. કંપનીએ એવું કામ કરવું જોઈએ કે જ્યારે આગામી સમયમાં લોકોના મનમાં મોરબીને જોઈને અહીં બ્રિજ તૂટ્યો હતો તેવી છબિ ભૂંસાઈ જાય. કંપની ફક્ત પોતે કરેલાં કામો કોર્ટ સમક્ષ મૂકે છે. કોર્ટે એફિડેવિટ ઉપર કંપનીના MDની માફીનો સ્વીકાર કર્યો હતો. કંપનીને પીડિતોના પુનર્વસન અંગે કોંક્રિટ પ્રપોઝલ સાથે આવવા જણાવ્યું હતું. કોર્ટ હજી કંપનીના કામથી સંતુષ્ટ નહિ હોવાનું જણાવ્યું હતું.
કોર્ટે હુકમ કર્યો હતો કે તે કંપનીના MDની એફિડેવિટ સ્વીકારે છે. છેલ્લી સુનવણીમાં કોર્ટના હુકમના અનાદર બદલ કંપની સામે કોર્ટે કન્ટેમ્પ્ટ માટે કાઢેલી શો કોઝ નોટિસની આગળની કાર્યવાહી રદ કરે છે. આજે કંપની તરફથી રજૂ કરાયેલો પ્રસ્તાવ પીડિતોના પુનર્વસન માટેનો સંપૂર્ણ પ્રસ્તાવ નથી. કંપની પીડિતોના પુનર્વસન માટે સંપૂર્ણ પ્રસ્તાવ સાથે કોર્ટમાં આવશે. ઉપરાંત કોર્ટ મિત્રનાં સૂચનો ઉપર આવતી મુદતે વિગતે ચર્ચા થશે. આ મુદ્દે વધુ સુનાવણી 19 જૂને યોજાશે.