ઉત્તરપ્રદેશના લખીમપુરી-ખીરીમાંથી એક રુંવાડા ઊભા કરનારી ઘટના સામે આવી છે, જ્યાં પ્રેમિકાએ લગ્નનો ઈનકાર કરતા પ્રેમીએ ખૌફનાક ઘટનાને અંજામ આપ્યો છે. માથાફરેલ પ્રેમીએ ગુસ્સામાં પ્રેમિકાના ગાલ પર લોખંડના ગરમ સળિયાથી પોતાનું નામ કોતરી નાખ્યું છે. પીડિતાએ આ અંગેની ફરિયાદ પોલીસને કરી છે, જે બાદ આરોપી પ્રેમી વિરુદ્ધ FIR કરવામાં આવી છે.હાલ પોલીસ તપાસ કરી રહી છે. આ સમગ્ર ઘટનાને લઈને વિસ્તારમાં ભારે ચર્ચા જોવા મળી રહી છે.
જાણકારી મુજબ, ધૌરહરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા એક ગામમાં રહેતા અમન નામના એક યુવકે પોતાના જ ગામમાં રહેતી એક યુવતી સાથે છેલ્લાં ઘણાં વર્ષથી પ્રેમ સંબંધ ચાલતો હતો. પરંતુ હાલમાં જ જ્યારે અમને પોતાની પ્રેમિકાને લગ્ન કરવાની ઈચ્છા જણાવી તો યુવતીએ ઈનકાર કરી દીધો. જેનાથી અમન ભડકી ગયો અને ગુસ્સામાં તેણે લોખંડના ગરમ ગરમ સળિયાથી યુવતીના બંને ગાલ પર પોતાનું નામ AMAN લખી નાખ્યું.
યુવતીએ આ અંગેની ફરિયાદ પોલીસ અધિકારીઓને કરી. પોલીસે યુવતીની ફરિયાદ પર યુવક અમન વિરુદ્ધ કેસ કર્યો છે. જો કે આરોપી હાલ ફરાર છે ત્યારે તેની શોધખોળ ચાલી રહી છે.
પીડિતાએ જણાવ્યું કે 19 એપ્રિલે તે કેટલોક સામાન લેવા દુકાને ગઈ હતી. ત્યારે અમન તેનું મોઢું દબાવીને તેણે પોતાની ઘરે લઈ ગયો. જે પછી હાથ-પગ બાંધીને ખોટું કામ કર્યું અને લોખંડના ગરમ ગરમ સળિયાથી મોઢા પર ડામ આપ્યા. ચહેરા પર પોતાનું નામ કોતર્યું. પીડિતાનો દાવો છે કે- અમનની બહેન અને તેની માએ તેને પકડી રાખી હતી. હું બૂમો પાડતી રહી પરંતુ કોઈ બચાવવા ન આવ્યું. હવે મને ન્યાય જોઈએ. અમનને સજા અપાવવી છે.
આ ઘટનાને લઈને લખીમપુર ખીરી જિલ્લાના એડિશનલ એસપી (વેસ્ટ) પવન ગૌતમે જણાવ્યું કે સંબંધિત પ્રકરણમાં FIR થઈ છે. જરુરી કાર્યવાહી કરવામાં આવી રહી છે. યુવતીનો આરોપ છે કે યુવકે તેના ચહેરા પર ડામ આપીને કેટલાંક અલ્ફાબેટ લખી દીધા છે જેના પર ફરિયાદ લઈને FIR કરાઈ છે. તપાસ ચાલી રહી છે, કડક કાર્યવાહી કરવામાં આવશે.