અત્રે નારણપુરા વિસ્તારમાં આવેલ એક 36 વર્ષ જુની સોસાયટીના એપાર્ટમેન્ટના રિડેવલપમેન્ટેના વિરોધ કરી રહેલ એકમાત્ર સભ્યના વાંધાને ગુજરાત હાઈકોર્ટે ફગાવ્યો હતો.અને ચુકાદો આપતા જણાવ્યું હતું કે એક માત્ર સભ્યના વિરોધથી રિડેવલપમેન્ટ રોકી ન શકાય.આ બિલ્ડિંગનું બાંધકામ જોખમી બન્યા બાદ તેનું રિડેવલપમેન્ટ કરવાનું સોસાયટીના મેમ્બર્સે નક્કી કર્યું હતું, પરંતુ ગ્રાઉન્ડ ફ્લોર પર રહેતા એક મેમ્બર તેના વિરોધમાં હતા.
12 મેમ્બર્સ ધરાવતી નારણપુરાના નવરંગ સર્કલ પાસે આવેલી ઋતુલ પાર્ક સોસાયટીનું બાંધકામ 1978માં થયું હતું, પરંતુ આ સોસાયટી છેલ્લા કેટલાક વર્ષોથી જર્જરિત અવસ્થામાં આવી હતી તેમજ તેને રહેવા માટે અસુરક્ષિત જાહેર કરવામાં આવી હતી.
બિલ્ડિંગ અનસેફ બનતા સોસાયટીએ રિડેવલપમેન્ટ માટે પ્રોસેસ શરૂ કરી હતી, પરંતુ ગ્રાઉન્ડ ફ્લોર પર રહેતા એક મેમ્બરે તેનો એવી દલીલ સાથે વિરોધ કર્યો હતો કે તેમનો ફ્લેટ ગ્રાઉન્ડ ફ્લોર પર હોવાથી તેમને ઓપન સ્પેસ વાપરવાનો પણ હક્ક મળ્યો છે જે રિડેવલપમેન્ટ બાદ શક્ય નહીં બને. તેના માટે તેમણે કેસ પણ કર્યો હતો, પરંતુ હાઈકોર્ટે તેમની દલીલનો અસ્વીકાર કરીને ગુજરાત ઓનરશિપ ફ્લેટ્સ એક્ટ 1973ની જોગવાઈઓ હેઠળ ઋતુલ પાર્ક સોસાયટીના રિડેવલપમેન્ટને મંજૂરી આપી હતી.
કોર્ટે સોસાયટીના આ મેમ્બરને મકાન ખાલી કરવાનો નિર્દેશ આપતા જણાવ્યું હતું કે સોસાયટીનાં રિડેવલપમેન્ટનું કામ પૂરૂં ના થાય ત્યાં સુધી તેમને હંગામી ધોરણે બીજી જગ્યાએ રહેવું પડશે, પરંતુ તેને લોસ ઓફ પ્રોપર્ટી ના ગણી શકાય. જસ્ટિસ વી.ડી. નાણાવટીએ પોતાના ચુકાદામાં એ વાતની પણ સ્પષ્ટતા કરી હતી કે રિડેવલપમેન્ટ સોસાયટીના બહુમતિ સભ્યોના ટેકા સાથે તેમના જ હિતમાં થઈ રહ્યું છે, જેનો લાભ સોસાયટીના તમામ સભ્યોને તેમના વ્યક્તિગત પ્રોપર્ટી રાઈટ્સને અસર કર્યા વિના પ્રાપ્ત થશે.
36 વર્ષ જૂની સોસાયટીના રિડેવલપમેન્ટનો રસ્તો સાફ કરી આપતા ગુજરાત હાઈકોર્ટે પોતાના ચુકાદામાં એમ પણ જણાવ્યું હતું કે એક મેમ્બરને બાદ કરતા તમામ લોકો તેના માટે તૈયાર છે તેવી સ્થિતિમાં બહુમતિ સભ્યોના નિર્ણયને તેની અસર ના થવી જોઈએ. કોર્ટે એવી પણ સષ્ટતા કરી હતી કે વિરોધ કરી રહેલા જે મેમ્બરે ઓપન સ્પેસ વાપરવાના પોતાના હક્ક અંગે જે કેસ કર્યો છે તેના કારણે પણ સોાસાયટીનું રિડેલપમેન્ટ અટકાવી ના શકાય.
ઉલ્લેખનીય છે કે, અમદાવાદના નવરંગપુરા તેમજ નારણપુરા જેવા પોશ વિસ્તારોમાં હાલના સમયમાં અનેક જૂના અપાર્ટમેન્ટ્સના રિડેવલપમેન્ટ થઈ રહ્યા છે, પરંતુ ઘણા કેસમાં સોસાયટીના અમુક સભ્યોએ વાંધો લેતા કેટલાક કેસમાં રિડેવલપમેન્ટનું કામકાજ ઘણા લાંબા સમય સુધી અટવાઈ પડ્યું હતું, અને આવી અમુક મેટર્સ ગુજરાત હાઈકોર્ટમાં પહોંચ્યા બાદ કોર્ટે કોર્ટે રિડેવલપમેન્ટનો માર્ગ મોકળો કરી આપ્યો હતો.