એમાં કોઈ શંકા નથી કે છેલ્લા કેટલાક વર્ષોમાં હૃદયના દર્દીઓની સંખ્યા ઝડપથી વધવા લાગી છે. ચિંતાનો વિષય એ પણ છે કે યુવાનો પણ હાર્ટ એટેકનો શિકાર બની રહ્યા છે અને તેનું કોઈ એક કારણ નથી. દર વખતે અભ્યાસમાં નવું કારણ બહાર આવે છે. તાજેતરમાં, જર્નલ સર્ક્યુલેશન રિસર્ચમાં પ્રકાશિત થયેલા એક અભ્યાસમાં ટ્રાફિકના અવાજ અને હાર્ટ એટેક વચ્ચે સંબંધ મળી આવ્યો છે.
આંતરરાષ્ટ્રીય સંશોધકોની ટીમે વિવિધ રોગો માટે જોખમી પરિબળો શોધવા માટે મોટા પાયે ડેટાનું વિશ્લેષણ કર્યું. જેનાં તારણોથી ટ્રાફિકના અવાજ અને સ્ટ્રોક, ડાયાબિટીસ જેવા હૃદય સંબંધિત રોગોના વિકાસ વચ્ચે મજબૂત સંબંધ સામે આવ્યો છે.
અભ્યાસમાં જાણવા મળ્યું છે કે રોડ ટ્રાફિકના અવાજમાં પ્રત્યેક 10 ડેસિબલના વધારા સાથે હૃદય રોગનું જોખમ 3.2 ટકા વધી જાય છે. આવી સ્થિતિમાં, ટ્રાફિકના અવાજને ઘટાડવા માટે પગલાં લેવા ખૂબ જ મહત્ત્વપૂર્ણ બની જાય છે.
નિષ્ણાતો કહે છે કે રાત્રે ટ્રાફિકનો અવાજ ઊંઘમાં ખલેલ પહોંચાડવાનું કામ કરે છે. આવી સ્થિતિમાં, ઉંઘ ન આવવાથી રક્ત વાહિનીઓમાં સ્ટ્રેસ હોર્મોન્સનું સ્તર વધી જાય છે, જેનાથી સોજો અને રક્ત વાહિની સંબંધિત રોગોનું જોખમ વધી જાય છે.
જર્મનીના મેઈન્ઝમાં યુનિવર્સિટી મેડિકલ સેન્ટરના વરિષ્ઠ પ્રોફેસર અને અભ્યાસના મુખ્ય લેખક થોમસ મુન્ઝેલનું કહેવું છે કે આ મહત્ત્વપૂર્ણ છે કે ટ્રાફિકના અવાજને હવે પુરાવાના આધારે કાર્ડિયોવેસ્ક્યુલર રોગો માટે જોખમી પરિબળ તરીકે માન્યતા આપવામાં આવી છે.
આ અભ્યાસમાં ટ્રાફિકના અવાજને ઘટાડવા માટે સ્થાનિક વહીવટીતંત્ર માટે ઘણા વ્યવહારુ પગલાં પણ સૂચવવામાં આવ્યા છે. વ્યસ્ત રસ્તાઓ પર, ખાસ કરીને રહેણાંક વિસ્તારોમાં ધ્વનિ અવરોધક લગાવીને અવાજનું સ્તર 10 ડેસિબલ સુધી ઘટાડી શકાય છે. વધુમાં, રસ્તાના બાંધકામમાં ઓછો અવાજ કરનાર ડામરનો ઉપયોગ કરવાથી અવાજનું સ્તર 3-6 ડેસિબલ સુધી ઘટાડી શકાય છે. સંશોધકોએ વ્યક્તિગત સ્તરે શહેરી માર્ગ ટ્રાફિકના અવાજને ઘટાડવા માટે સાયકલ અને જાહેર પરિવહન જેવા વૈકલ્પિક પરિવહનને અપનાવવાની ભલામણ કરી છે.