ભારતમાં લાદવાનો વિચાર દેશના ઉદ્યોગપતિઓને હતાશ કરી દેશે અને તેઓ ટેક્સ ભરવાથી બચવા માટે દુબઈ જેવા દેશોમાં તેમના ઔદ્યોગિક સામ્રાજ્ય ખસેડી દેશે તેમ રાજકીય અર્થશાસ્ત્રી અને લેખક ગૌતમ સેને કહ્યું છે.
રિડિફ.કૉમ માટે લખેલા એક વિશેષ લેખમાં તેમણે કહ્યું કે અંબાણી અદાણી અને ટાટા જેવા ભારતના સૌથી ધનાઢ્ય વ્યક્તિઓ જો ટેક્સ હેવન્સમાં સ્થળાંતર કરશે તો તેનાં પરિણામે ભારતને નોંધપાત્ર નુકસાન થશે. લંડન સ્કૂલ ઑફ ઈકોનોમિક્સમાંથી નિવૃત્ત થયેલા અને અગાઉ ઈન્ડો-યુકે રાઉન્ડટેબલના સભ્ય તથા યુએનડીપીના સિનિયર કન્સલ્ટન્ટ રહી ચૂકેલા ગૌતમ સેને ભારતમાં વારસાગત કર લાગુ કરવાના કોંગ્રેસ નેતાના સૂચનના સંદર્ભમાં આ વિસ્તૃત લેખ દ્વારા સમગ્ર મુદ્દાની ચર્ચા કરી હતી.
અર્થશાસ્ત્રી સેને સ્વીડનનું ઉદાહરણ આપતા કહ્યું કે સ્વીડનમાં ખૂબ જ મોટા પ્રમાણમાં વારસાગત કર વસુલવામાં આવતો હતો. સ્વીડન વિશ્વમાં સૌથી વધુ કરવેરાવાળા લાદતા દેશોમાંનો એક છે. પરંતુ શું તમે જાણો છો કે, સ્વીડને વારસાગત કર દૂર કરવો પડ્યો કારણ કે ઘણા ધનિકો દેશ છોડી રહ્યા હતા? સ્વીડને વારસાગત વેરો દૂર કર્યા પછી દેશમાં ઘણી બધી સંપત્તિ પાછી આવી, આર્થિક વૃદ્ધિમાં સુધારો થયો, અને કર વસૂલાતમાં પણ સુધારો થયો.
નોંધપાત્ર છે કે, કૉંગ્રેસના નેતા સેમ પિત્રોડાએ તાજેતરમાં સૂચવ્યું હતું કે ભારતે યુ.એસ.માં પ્રચલિત છે તેવું જ વારસાગત કર માળખું અપનાવવું જોઈએ. તેમના આ નિવેદન બાદ દેશમાં મોટાપાયે હોબાળો થયો હતો. ખાસ કરીને શાસક પક્ષ ભાજપે તેને ચૂંટણી મુદ્દો બનાવી દીધો છે જેને કારણે કોંગ્રેસે હવે ખુલાસા પણ કરવા પડે છે. જો કે ગૌતમ સેને ધ્યાન દોર્યું હતું કે તે ભારત માટે આ રીતે વારસાગત કર વસુલવાનું સૂચન યોગ્ય નથી. સેને ભારપૂર્વક જણાવ્યું હતું કે મિલકતનું પુનઃવિતરણ તમામ અર્થતંત્રો અને સમાજોમાં થાય છે, અને ભારતે છેલ્લા એક દાયકામાં ગ્રામીણ વિસ્તારો અને સમાજના સૌથી ગરીબ વર્ગના કલ્યાણમાં નોંધપાત્ર સુધારો જોયો છે. સેને વારસાગત કર લાગુ કરવાની વ્યવહારિકતા અને તમામ ઘર અને વ્યવસાયોનું સર્વેક્ષણ કરવાની કોંગ્રેસની દરખાસ્ત અંગે ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે એ હકીકત તરફ સૌનું ધ્યાન દોર્યું કે ભારતમાં સાવ જૂજ ટકાવારીમાં લોકો વ્યક્તિગત આવકવેરો ચૂકવે છે, અને આવા કરદાતાઓની સંપત્તિનું પુનઃવિતરણ કરવાનો પ્રયાસ એકંદર સંપત્તિ વિતરણના ઉદ્દેશ પર ન્યૂનતમ અસર કરશે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે ભારતે ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ, હેલ્થકેર અને સેનિટેશન જેવી વિવિધ પહેલ દ્વારા જીવનધોરણમાં નોંધપાત્ર સુધારો જોયો છે અને આ સંદર્ભે વર્તમાન સરકારના પ્રયાસોની તેમણે પ્રશંસા કરી હતી.
તેમણે જણાવ્યું કે, “નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં વર્તમાન સરકાર ગરીબોના સ્થિતિમાં સુધારો કરવા માટે ખૂબ જ પ્રતિબદ્ધ છે. સરકારનાં તમામ પગલાં દર્શાવે છે કે ગરીબો તેમની અને તેમની સરકાર માટે ખૂબ જ ઉચ્ચ પ્રાથમિકતા ધરાવે છે. ઇસ્લામિક આક્રમણના સમયગાળા દરમિયાન, બ્રિટિશ સામ્રાજ્યવાદના સમયગાળા દરમિયાન અને આઝાદી પછીના દાયકાઓ સુધી આવું ક્યારેય બન્યું નથી. સંપત્તિની અસમાનતા અંગેની ચિંતાઓના જવાબમાં, ડૉ. સેને સ્વીકાર્યું કે અમુક ક્ષેત્રોને શરૂઆતમાં આર્થિક વૃદ્ધિથી વધુ ફાયદો થઈ શકે છે, જે અસમાનતામાં વધારો તરફ દોરી જાય છે. જો કે, તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે સૌથી ગરીબ લોકોની સંપૂર્ણ સુખાકારીમાં સુધારો થયો છે, અને સમય જતાં નાણાકીય સંસાધનો પણ તેમના સુધી પહોંચશે.
ગૌતમ સેને વારસાગત કરના અમલીકરણ ચેતવણી આપી હતી કે આવું કોઈ પગલું સામાજિક અને રાજકીય અરાજકતા તરફ દોરી જઈ શકે છે અને પરિણામે વિદેશી લશ્કરી હસ્તક્ષેપનું જોખમ પણ ઊભું થઈ શકે છે, અર્થાત આંતરિક અશાંતિની સ્થિતિમાં અન્ય દેશ આપણા ઉપર હુમલો કરી શકે છે. તેમણે દલીલ કરી કે આવા કટ્ટરપંથી પગલાં પ્રતિકાર અને અશાંતિ ફેલાવી શકે છે, જેનાથી ચીન જેવા પ્રતિસ્પર્ધીઓ માટે ભારતમાં ભાગલા કરાવવાની તકો ઊભી થઈ શકે છે. તેમણે લાંબા ગાળે આર્થિક વૃદ્ધિ અને સમૃદ્ધિ ટકાવી રાખવા માટે સરકારી નીતિમાં સ્થિરતા અને સાતત્યના મહત્ત્વ પર ભાર મૂક્યો હતો. સેને કહ્યું, “ભારતીય અર્થવ્યવસ્થા ખૂબ જ સારું પ્રદર્શન કરી રહી છે. હાલ ભારત વિશ્વની સૌથી ઝડપથી વિકસતી મુખ્ય અર્થવ્યવસ્થા છે. જો આપણે 8 ટકા જીડીપી સુધી પહોંચી શકીએ, જે મને લાગે છે કે શક્ય છે, તો અર્થતંત્રનું કદ ત્રણ ગણું વધી જશે.
તેમણે ઉમેર્યું, “પરંતુ મને લાગે છે કે ભારત 2031 સુધીમાં 7 ટ્રિલિયન સુધી પહોંચી જશે. આ ખરેખર ઐતિહાસિક દ્રષ્ટિએ ધ્યાન આપવા જેવી બાબત છે. આપણે ખૂબ ભાગ્યશાળી છીએ કે આપણી પાસે એક સ્થિર સરકાર છે. અર્થતંત્રના વિકાસ માટે સૌથી મહત્ત્વની બાબત એ છે કે એક સ્થિર સરકાર હોવી જોઈએ. તેથી આપણે આપણારાષ્ટ્રીય સંસાધનોનું યોગ્ય રીતે સંચાલન કરી શકીએ. આપણી પાસે હાલ બહુમતી સાથેની સ્થિર સરકાર છે જે અટલ બિહારી વાજપેયી પાસે નહોતી.”
અર્થશાસ્ત્રી ગૌતમ સેને સ્થિરતા અને આર્થિક વિકાસ તરફ સતત પ્રયત્નો કરવા વિનંતી કરી અને સાથે ભારતની પ્રગતિને જોખમમાં મૂકે તેવી નીતિઓને ટાળવાની જરૂરિયાત પર ભાર મૂક્યો.