ગુજરાતમાં નવી જંત્રીના દરોને લઇને મોટા સમાચાર સામે આવ્યા છે. શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં આગામી સમયમાં ગુજરાત સરકાર નવા જંત્રી દરો લાગુ કરવાની છે. તાજા માહિતી પ્રમાણે, રાજ્યમાં હાલમાં જે જંત્રીના દરો ચાલી રહ્યાં છે તેમાં મોટા પ્રમાણમાં ફેરફાર આવી શકે છે, આ દરો આગામી ઓગસ્ટ મહિનામાં લાગુ કરવામાં આવશે.
ગુજરાત સરકાર હવે રાજ્યમાં વધુ એક માળખુ બદલવાની તૈયારીમાં છે, છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલી જંત્રીને લગતા દરોમાં ધરખમ ફેરફાર સાથે નવા દરો લાગુ કરવાની યોજના બનાવવામાં આવી છે. માહિતી પ્રમાણે, ગુજરાત સરકાર નવા જંત્રીના દરો ટૂંક સમયમાં લાગૂ કરી શકે છે. સુત્રો અનુસાર, ઓગસ્ટ માસ સુધીમાં નવા જંત્રીના દરો લાગૂ થઇ જશે, આ સમગ્ર પદ્ધતિને એક સાયન્ટિફિક સર્વે બાદ લાગુ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં બિલ્ડરોનો જબરદસ્ત વિરોધ હોવા છતાં નવા જંત્રી દરોનો નિર્ણય લાગૂ કરવા સરકાર મક્કમ બની છે.
આ નવા પ્લાનમાં મહાનગરોમાં વિકસિત વિસ્તારોમાં બજારભાવ સંલગ્ન જંત્રી દર આવશે. જ્યા વિકાસની તક ઓછી છે તેવા વિસ્તારોમાં જંત્રીના દર ઘટી શકે છે, આની સાથે સાથે ગ્રામીણ વિસ્તારોમાં પણ જંત્રીના દર ઘટી શકે છે. જ્યારે મહાનગરોના પૉશ વિસ્તારોમાં જંત્રી દર વધી શકે છે. મહાનગર આસપાસ અર્બન ઓથોરિટીમાં સમાવિષ્ટ વિસ્તારોમાં પણ જંત્રી દર વધી શકે છે. ભવિષ્યમાં રીઅલ એસ્ટેટ ક્ષેત્રે મોટું રોકાણ આવી શકે તેવા વિસ્તારોમા પણ જંત્રી દર વધી શકે છે. મહાનગરના જૂના શહેરી વિસ્તારો જ્યા વિકાસની તક નથી ત્યાં જંત્રી દર ઘટી શકે છે. આ ઉપરાંત અંતરિયાળ ગ્રામીણ વિસ્તારોમાં જંત્રીના દર ઘટી શકે છે.