એક અત્યંત મહત્વપૂર્ણ ચૂકાદામાં હાઈકોર્ટે ઠરાવ્યું છે કે, પિતાના મૃત્યુ બાદ પરિણીત પુત્રી પણ રહેમરાહે નોકરી મેળવી શકે. અરજદાર પુત્રીના લગ્ન થઈ ગયા હોવાથી તેને રહેમરાહે નોકરી આપવાનો ઈન્કાર કરવાનો દક્ષિણ ગુજરાત વીજ કંપની લિ.નો આદેશ હાઈકોર્ટના જસ્ટીસ હેમંત પ્રચ્છકે રદબાતલ કર્યો છે.
જસ્ટીસ પ્રચ્છકે ઠરાવ્યું છે કે, ‘તાજેતરમાં જ સુપ્રીમ કોર્ટ દ્વારા આવા જ એક મામલામાં ચૂકાદો આપ્યો છે અને એમાં કર્ણાટક હાઈકોર્ટના એક ચુકાદાને બહાલી આપી છે.જેમાં પણ એ જ સવાલ ઉભો થયો હતો કે પરિણીત પુત્રી રહેમરાહે નોકરીમાં નિમણુંક મેળવી શકે કે કેમ?
જેનો જવાબ આપતાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે, પુત્રીને પણ રહેમરાહે નિમણુંક મળી શકે. તેથી પ્રસ્તુત અરજી ગ્રાહ્ય રાખી કંપનીને આદેશ કરવામાં આવે છે કે બે મહિનાની અંદર તમામ પ્રક્રિયા પૂર્ણ કરીને અરજદારને રહેમરાહે નિમણુંક અંગેનો નિર્ણય કરવામાં આવે.’
પ્રસ્તુત કેસમાં અરજદાર જીનલબેન શાસ્ત્રીએ હાઈકોર્ટ સમક્ષ રિટ પીટીશન કરી હતી. જેમાં તેમના તરફથી એડવોકેટ દ્વારા એવી દલીલ કરવામાં આવી હતી કે, ‘વીજ કંપની દ્વારા અરજદારને નિમણુંક નહીં આપવાનો આદેશ ભૂલભરેલો, આપખુદશાહીવાળો, ગેરકાયદે અને ગેરબંધારણીય હોઈ તે રદ થવાને પાત્ર છે. અરજદાર પુત્રીના પિતાનું મૃત્યુ ફરજ દરમિયાન અકસ્માતમાં થયું હતું અને તેથી તે રહેમરાહે નોકરી મેળવવાની યોગ્યતા ધરાવે છે. પિતા જયારે મૃત્યુ પામ્યા ત્યારે પુત્રી સગીરવયની હતી અને તેથી તેણે કંપનીને વિનંતી કરી હતી કે એ જયારે પુખ્તવયની થશે ત્યારે રહેમરાહે નોકરી મેળવવા માટે અરજી કરશે.
જો કે, કંપનીએ તેની અરજી માત્ર એ આધારે રદ કરી હતી કે તેણે 18મી માર્ચ 2013ના રોજ લગ્ન કરી લીધા હતા. આ સિવાય અન્ય કોઈપણ કારણ કંપની તરફથી દર્શાવાયું નહોતું. તેથી કંપનીનો નિર્ણય વિવિધ કોર્ટ દ્વારા પ્રસ્થાપિત કરવામાં આવેલા સિદ્ધાંતોથી વિપરીત હોઈ રદ થવાને પાત્ર છે.’
અરજદાર તરફથી વિવિધ ચૂકાદાને ટાંકી રજુઆત થઈ હતી કે પ્રસ્તુત તમામ કેસોમાં તે કેસ જેવો જ મુદો ઉપસ્થિત થયો હતો અને અરજદારના તરફેણમાં ચૂકાદા આપતાં કાયદાની સ્પષ્ટતા કરવામાં આવેલી છે.
આ કેસની હકીકત એવી છે કે, અરજદારના પિતા કોસંબા સબ ડિવિઝનમાં નોકરી કરતાં હતા. 2006માં એક અકસ્માતમાં તેઓ મૃત્યુ પામ્યા હતા. એ વખતે પુત્રી સગીરવયની હતી પરંતુ ત્યારબાદ પુખ્તવયે તેણે રહેમરાહે નોકરી માટે અરજી કરી હતી. જે અરજીમાં તમામ પ્રક્રિયા હાથ ધર્યા બાદ તેને તમામ સર્ટીફીકેટસ સાથે હાજર રહેતા કંપનીએ પત્રવ્યવહાર કર્યો હતો.
જો કે, આ પહેલાં જ તેણે લગ્ન કરી લીધા હતા અને પત્રવ્યવહાર જે સરનામે થયો ત્યાં તે રહેતી નહોતી. અલબત, આ અંગેની જાણ થતાં તે હાજર થઈ ગઈ હતી પરંતુ તેને રહેમરાહે નોકરી આપવાનો કંપનીએ ઈન્કાર કરી દેતાં તેણે હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા.