રાજકોટના નાના મવા રોડ પર આવેલા ટીઆરપી ગેમ ઝોનમાં શનિવારે સાંજે સર્જાયેલા જીવલેણ અગ્નિકાંડે પૂરા રાજયને હચમચાવી દીધુ છે ત્યારે ચાર વર્ષથી ચાલતા આ ગેમ ઝોનમાં ફાયર એનઓસી જ ન હોવાની તમામ સરકારી વિભાગોની બેદરકારી ભસ્મ કરતી વિગતો બહાર આવી છે જેની નોંધ ખુદ મુખ્યમંત્રી અને ગૃહમંત્રીએ લીધી છે. એસઆઇટી દ્વારા પણ નોંધ કરાઇ છે ત્યારે ફાયર એનઓસી વગર પોલીસ તંત્રએ કઇ રીતે મનોરંજન લાયસન્સ આપી દીધુ તે સવાલ ધુમાડાના ગોટાની જેમ ચારે તરફ પ્રસરી ગયો છે.
જાણકાર લોકોના કહેવા મુજબ કોઇ પણ સ્થળે મનોરંજન પ્રવૃત્તિ ચાલતી હોય અને ધંધાદારી ઉપયોગ થતો હોય ત્યારે તેના માટે પોલીસ, મહાપાલિકા, કલેકટર, માર્ગ-મકાન વિભાગ, બહુમાળી ભવનમાં બેસતા લીફટ સહિતના વિભાગોના પરવાના લેવા પડે છે. આટલા નિયમોનું પાલન કરવા જનારા ધંધો કરવામાં અનેક અડચણોનો સામનો કરે છે પરંતુ બધા લાયસન્સ ન લઇને નિયમોનો ભંગ કરનારાને સરળતાથી ધંધો કરવાની છુટ મળી જાય છે. આ કેસમાં ફાયર એનઓસી તો નથી, આ માટે કોઇ અરજી પણ નહીં થયાનું બહાર આવ્યું છે.
ટીપી શાખામાં પણ હંગામી સ્ટ્રકચર બાંધવા માટે કોઇ મંજૂરી લેવામાં આવી નથી. છતાં ચાર વર્ષમાં આ બંને વિભાગે અહીં કોઇ તપાસ કર્યાનું જાહેર થયું નથી. આ સંજોગોમાં આવા પરવાના વગર પોલીસે કઇ રીતે મનોરંજન લાયસન્સ ઇસ્યુ કર્યા, કોની ભલામણથી ઇસ્યુ થયું, કયાં કયાં ખાતાના કયાં લાગતા વળગતાએ કઇ પ્રકારના વહીવટ કર્યા તે સવાલો ઉઠયા છે ત્યારે ઉચ્ચ અધિકારીઓ કરતા કોર્પો., પોલીસ સહિતના ખાતાના નીચેની કેડરના અધિકારીઓએ કરેલી અને ન કરેલી પ્રક્રિયા અંગે તપાસ જરૂરી છે તો હજારો લીટર ઇંધણ સ્ટોર કરવા બદલ પુરવઠા તંત્રએ પણ ઉંડુ ઉતરવાની જરૂર છે.
રાજયના ઈતિહાસની અતિ ભયાનક દુર્ઘટના રાજકોટમાં ઘટવા માટે સરકારી તંત્રની ઘોર જીવલેણ લાપરવાહી ઉડીને આંખે વળગે એવી છે. 28થી વધુ લોકોના અત્યંત દર્દનાક, કમકમાટી ઉપજે તેવા મોત માટે તંત્રના આંખ મિચામણા જવાબદાર હોવાનું ખુલ્યું છે. આશરે 2000 ચો.મી.થી વધુ જગ્યામાં આ ગેઈમ ઝોન ચાર વર્ષથી ધમધમતો હતો છતાં આજ સુધી આ સ્થળ માટે ફાયર એન.ઓ.સી. લેવાયું નથી અને સેફ્ટીના ધારાધોરણોનું પાલન ન્હોતું છતાં મહાપાલિકા, કલેક્ટર, પોલીસ સહિતના તંત્રોએ તેને ચાલવા દીધું છે.
ગેમ ઝોનમાં ફાયર સેફ્ટીના કેટલાક સાધનો સીલબંધ હાલતમાં મળી આવ્યા હતા. બે માળનો વિશાળ ડોમમાં કોઈ વેન્ટીલેશન ન હતું. બહાર નીકળવાના બીજા માર્ગો કે દ્વાર ન્હોતા. ડોમમાં વ્યાપક પ્રમાણમાં જ્વલનશીલ પદાર્થો હતા, આખુ તોતિંગ સ્ટ્રક્ચર ટેમ્પરરી ખડકાયું હતું છતાં એક જ સ્થળે એન્ટ્રી અને એક્ઝીટ રાખી હતી. એન્ટ્રી પાસે જ એ.સી.માં સ્પાર્ક કે અન્ય કારણથી આગ લાગી અને આગ પલકવારમાં તો આખા ડોમને લપેટમાં લઈ લીધો હતો અને તે કારણે લોકો સળગીને ભડથું થઈ ગયા હતા.
મનપા ટીપી શાખાના સુત્રોએ આર્કિટેકટ વર્તુળોના જણાવ્યા મુજબ કોઇ હંગામી ફ્રેમીંગ સ્ટ્રકચર માટે બાંધકામ પરવાનગી લેવાની હોતી નથી. પરંતુ આવો ડોમ ઉપરથી પેક કરવામાં આવે તો પ્લાન અને કમ્પલીશન લેવા પડે છે. આ જગ્યાએ આ નિયમનું પણ ડિમોલીશન થઇ ગયાનું ખુલ્લુ પડી ગયું છે.
જી.ડી.સી.આર. નિયમ મૂજબ કોઈ સીમેન્ટ કોંક્રિટનું બાંધકામ હોય તો તેનો પ્લાન મંજુર કરાવીને કમ્પલીશન લેવાનું હોય છે પરંતુ, ટેમ્પરરી સ્ટ્રક્ચર માટે આવી જોગવાઈ નથી. આ છટકબારીનો પૂરા રાજકોટમાં લાભ લેવાતો હોવાની વિગત ગઇકાલથી શરૂ થયેલી નવી તપાસમાં બહાર આવી છે.
ટીઆરપી ગેમ ઝોનમાં જનરેટર માટે 1500 થી 2000 લિટર ડીઝલ, ગો કાર રેસિંગ માટે 1000 થી 1500 લિટર પેટ્રોલનો સંગ્રહ કરવામાં આવ્યો હતો. જેના કારણે આગ એટલી બધી ફેલાઈ ગઈ હતી કે આખું માળખું બળીને રાખ થઈ ગયું હતું. ગેમ ઝોનમાંથી બહાર નીકળવા અને પ્રવેશવા માટે 6 થી 7 ફૂટનો એક જ રસ્તો હતો. એન્ટ્રી માટે 99 રૂપિયાની સ્કીમ હતી જેના કારણે અકસ્માત સમયે ગેમ ઝોનમાં મોટી સંખ્યામાં લોકો હાજર હતા. 1000થી વધુ ટાયર પણ જગ્યા પર હોય તેના ધુમાડાએ ઝેરી ગેસ જેવું વાતાવરણ પણ સર્જી દીધુ હતું.
રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં સર્જાયેલા અગ્નિકાંડમાં આરોપી બનેલા પ્રકાશ જૈનના વર્ષો પહેલાના ધંધા પણ ચર્ચામાં રહ્યા છે. પ્રકાશ જૈન થોડા વર્ષ પહેલા રાજકોટમાં બે અલગ અલગ સ્પાનું સંચાલન કરતો હોવાનું પોલીસની તપાસમાં બહાર આવ્યું છે. આ બાદ તેણે સ્પા અન્ય લોકોને સોંપી દીધા હતા. તે બાદ રીક્ષા ફાયનાન્સ જેવો ધંધો રાજકોટ શહેર અને ગામડામાં પણ કરતો હતો. આ ધંધા બાદ તેણે ભાગીદારો સાથે નાના મવા રોડ પર આ ટીઆરપી ગેમ ઝોનનું બાંધકામ કર્યુ હતું. પરંતુ સરકારી વિભાગોની મંજૂરી લેવી ન પડે અને આંખ આડા કાન થઇ શકે તે રીતે ધંધો ચાલુ કર્યો હતો. જોકે મનોરંજન લાયસન્સ મળવા, આટલા મોટા પ્રમાણમાં પેટ્રોલ-ડિઝલ સંગ્રહવા સહિતની કાર્યવાહી કોની મીઠી નજર હેઠળ સંચાલકો કરતા હતા તે સવાલ મોટો બની ગયો છે.