રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડના આરોપી પ્રકાશ જૈન વિશે મોટો ખુલાસો થયો છે. આ આગકાંડમાં પ્રકાશ પોતે પણ ભડથું થઇ ગયો હતો. ગાંધીનગર FSLમાંથી મળેલી માહિતી પ્રમાણે પ્રકાશ જૈનનું આ અગ્નિકાંડમાં મોત થયું છે. પ્રકાશના ભાઇ જિતેન્દ્ર હિરણે 27મી તારીખે રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં અરજી આપી હતી અને પોતાનો ભાઇ ગૂમ થયો હોવાનું કહ્યું હતું. જેના પછી પોલીસે તેની માતાના DNA લઇને ગાંધીનગર FSLમાં ટેસ્ટ માટે મોકલી આપ્યા હતા. ગાંધીનગર FSLએ કરેલા ટેસ્ટિંગમાં આ DNA પ્રકાશના DNA સાથે મેચ થતાં હોવાનું ખુલ્યું છે. જેના કારણે આ દુર્ઘટનામાં આરોપી પ્રકાશનું પણ મોત થયું હોવાનું સ્પષ્ટ થઇ જાય છે.
જ્યારે આગ લાગી ત્યારે પ્રકાશ ગેમ ઝોનમાં જ હાજર હતો અને આગ બુજાવતો હોય તેવા CCTV સામે આવ્યા હતા. આ ઘટના બાદ પ્રકાશના કોન્ટેક્ટ નંબર સ્વીચ ઓફ આવતા હતા અને તેની કાર પણ ઘટના સ્થળે જ પડેલી હતી. બે દિવસથી પ્રકાશનો કોઇ સંપર્ક ન થતાં તેના ભાઇએ રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો હતો અને એક અરજી આપી પ્રકાશ લાપતા હોવાનું કહ્યું હતું.
પ્રકાશના ભાઇ જિતેન્દ્ર હિરણે 27મી તારીખે રાજકોટ પોલીસમાં અરજી કરી હતી. જેમાં તેણે જણાવ્યું હતું કે, મારો ભાઈ પ્રકાશ કનૈયાલાલ હિરણ છે અને તે ટીઆરપી ગેમ ઝોન સાથે સંકળાયેલો છે. જ્યારે આ અકસ્માત થયો ત્યારે મારો ભાઈ અંદર જ હતો. આ અકસ્માત પછી તેમનો અમારી સાથે (પત્ની, માતા, ભાઈઓ, સસરા તથા સગાંસંબંધીઓ) કોઈ પણ જાતનો સંપર્ક થયો નથી. તપાસ કરતાં ખબર પડી કે મારા ભાઈની ગાડી પણ ત્યાં જ પડેલી છે. તેના બધા જ કોન્ટેક્ટ નંબર ઘટના પછી સ્વિચ ઓફ આવે છે.
પ્રકાશ હિરણના ભાઈ જિતેન્દ્ર હિરણે કહ્યું, ગેમ ઝોનમાં કેટલા ટકાની ભાગીદારી હતી એ વિશે મને કંઇ ખબર નથી. મારે લાકડાનો બિઝનેસ છે. મારો ભાઈ ચારેક વર્ષથી રાજકોટ રહેતો હતો. હું મારા ભાઈને મળવા આવતો ત્યારે હું ગેમ ઝોનમાં જતો હતો એટલે મેં તેના ભાગીદારનાં નામ સાંભળેલાં હતાં. એ બધા એકબીજાના સંપર્કમાં કેવી રીતે આવ્યા એ વિશે મને ખબર નથી.
પ્રકાશ હિરણની શોધમાં જિતેન્દ્ર હિરણની સાથે આવેલી એક વ્યક્તિએ કહ્યું, પ્રકાશભાઇનો કોઇ પત્તો નથી. 2-3 દિવસથી તેમનો ફોન સ્વિચ ઓફ આવે છે. તેમનો જે છેલ્લો વીડિયો આવ્યો છે એમાં એવું જોવા મળે છે કે તેઓ આગ બુજાવવા અંદર ગયા હતા, પરંતુ તેમને બહાર નીકળતાં કોઇએ જોયા નથી. તમે સીસીટીવી જોઇ લો. જે આરોપીઓની ધરપકડ થઇ છે તેમના સ્ટેટમેન્ટથી ખબર પડી જશે કે પ્રકાશભાઇ ક્યાં છે. તેમની કેટલા ટકા ભાગીદારી છે એ વિશે મને પણ ખબર નથી. અમારે તેમની સાથે વધુ સંબંધ નથી. અમે તો લગ્ન જેવા પ્રસંગે ક્યારેક મળીએ છીએ.
પ્રકાશ રાજકોટમાં પોશ વિસ્તારમાં કરોડોના બંગલામાં રહેતો હતો એટલું જ નહીં વડોદરામાં રહેતા તેના ભાઈના ઘરે પણ જઈને તપાસ કરી હતી. પ્રકાશ હિરણ (જૈન) રાજકોટના કાલાવડ રોડ પર આવેલા પ્રદ્યુમન રોયલ હાઇટ્સમાં રહેતો હતો. આ ઘરની અંદાજિત કિંમત 2 કરોડ રૂપિયાની આસપાસ છે.
પ્રકાશ હિરણના ઘરે પહોંચતા ઘર બંધ હાલતમાં જોવા મળ્યું હતું. ઘરની બહાર દૂધની થેલીઓ પડેલી હતી. આટલું જ નહીં બે દિવસનાં સમાચારપત્રો પણ પ્રકાશના ઘરની બહાર પડેલાં જોવા મળ્યાં હતાં.
પ્રકાશચંદ હિરણ મૂળ રાજસ્થાનનો વતની છે અને અલગ-અલગ ગેમ ઝોનમાં મશીનરીમાં તેનું રોકાણ છે. ટીઆરપી ગેમ ઝોનમાં મોટાભાગની તેની ભાગીદારી છે. વહીવટી તંત્ર પાસેથી અલગ-અલગ ગેમ ઝોન માટે જે ડિલ કરવાની હોય એ કામગીરી પ્રકાશ કરતો હોવાનું જાણવા મળ્યુ છે. નીતિન જૈન પણ રાજસ્થાનનો વતની છે. જે પ્રકાશ હિરણના મિત્રવર્તુળમાં છે. એટલે જ તેને ગેમ ઝોનમાં મેનેજર તરીકે રાખ્યો હતો.
સૂત્રોએ આપેલી જાણકારી પ્રમાણે રાહુલ રાઠોડ અને યુવરાજસિંહ રાજકોટ તેમજ આસપાસના વિસ્તારોમાં ગો-કાર્ટની સ્પર્ધામાં ઊતરતા હતા. એડવેન્ચરના બન્ને શોખીન હતા. સમયાંતરે તેમની ઠીકઠાક ઓળખાણ વધતી ગઈ એટલે પોતાને જે રમતમાં મજા આવતી હતી એ ગો-કાર્ટિંગની રમત દિલ્હી અને મુંબઈ જેવાં શહેરોની જેમ રાજકોટમાં પણ શરૂ કરવાનો વિચાર આવ્યો હતો. આ જ અરસામાં તેમને કેટલાક લોકોનું નાણાકીય પીઠબળ બન્યું અને પછી જે રીતે રાજકોટમાં ખાલી પ્લોટમાં પહેલા ગો-કાર્ટ અને ત્યાર બાદ આખેઆખું ગેમ ઝોન ઊભું થઈ ગયું એ વાત તો હવે જગજાહેર થઈ ચૂકી છે.
જાણકાર સૂત્રોએ માહિતી આપી છે કે ગેમ ઝોનમાં અંદાજિત કુલ 5 કરોડ રૂપિયા કરતાં પણ વધુની મૂડી રોકવામાં આવી હતી. જેમાંથી 3 કરોડ રૂપિયા જેટલું રોકાણ ફક્ત પ્રકાશ હિરણે કર્યું હતું. ગેમ ઝોન શરૂ થયા બાદ તેના મેનેજર નીતિન જૈનને પગાર પેટે મહિને 50 હજાર રૂપિયા આપવામાં આવતા હતા. જ્યારે ટીઆરપી ગેમ ઝોનમાં ધવલ ઠક્કર, અશોકસિંહ જાડેજા સહિત લોકોની 5થી 15 ટકા સુધીની ભાગીદારી હતી. પ્રકાશ હિરણની સૌથી વધુ ભાગીદારી હતી. ગેમ ઝોનમાં મહિને લાખો રૂપિયાની કમાણી થતી હતી. એટલે ભાગીદારે તેમાંથી 70 હજારથી લઈને 1 લાખ રૂપિયાનો પગાર પણ પોતાના ખિસ્સામાં નાખતા હતા.