રાજકોટના નાનામવા રોડ પર ફ્રેન્ડસ ટેકનોલોજી નામની લેઝર ઈન્ક એન્ડ પ્રિન્ટર્સ નામની દુકાન ધરાવતા વેપારીએ પોતાની દુકાનમાં જ ફાંસો ખાઈ આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી ગઈ હતી. બનાવની જાણ થતા તાલુકા પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. વેપારીએ શેરબજારમાં રૂપીયા હારી જતા અંતિમ પગલુ ભર્યાનું પ્રાથમીક તારણ બહાર આવ્યું હતું.
પ્રાપ્ત વિગત મુજબ શહેરમાં મવડી વિસ્તારમાં રહેતા સંદીપભાઈ ઠાકરશીભાઈ રોકડ (ઉ.35) ગઈકાલે સાંજના છ વાગ્યે પોતાની નાનામવા રોડ પર મોકાજી સર્કલ પહેલા ક્રિસ્ટલ હોસ્પિટલની બાજુમાં દ્વારકેશ કોમ્પલેક્ષમાં આવેલ ફ્રેન્ડસ ટેકનોલોજી નામની દુકાનમાં ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. જે બાદ ઘરેથી પરીવારજનોએ ફોન કરતા તેઓએ ફોન ઉપાડતા પરીવારજનોએ કોમ્પલેક્ષના સીકયુરીટી મેનને તપાસ કરવાનું કહેતા તેઓએ કાચની બારીમાંથી તપાસ કરતા સંદીપભાઈ ફાંસો ખાધેલી હાલતમાં જોવા મળતા પોલીસને જાણ કરી હતી.
બનાવની જાણ થતા પરીવારજનો અને તાલુકા પોલીસ મથકનો સ્ટાફ દોડી આવ્યો હતો અને 108ને જાણ કરતા 108ની ટીમે વેપારીને તપાસી મૃત જાહેર કર્યા હતા. બનાવ અંગે પોલીસે જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પીએમ અર્થે સીવીલ હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યો હતો.
વધુમાં મળેલ વિગત મુજબ મૃતક શેરબજારમાં રૂપિયા હારી જતા પગલું ભર્યાનું પ્રાથમીક તારણ સામે આવ્યું છે. મૃતકને સંતાનમાં એક પુત્રી છે. જેમણે પિતાની છત્રછાયા ગુમાવતા પરીવારમાં કલ્પાંત છવાયો હતો.