એક તરફ ગરમીનો પારો ઊંચે જઈ રહ્યો છે અને હીટવેવની અસરના પગલે ઈમરજન્સી કેસો પણ આ વખતે રેકોર્ડ બ્રેક સામે આવ્યા છે. તેવામાં આગામી 13 જૂનથી શરુ થઈ રહેલા શૈક્ષણિક સત્રને લઈને શાળાઓ ખુલી રહી છે પરંતુ આ શાળાઓ એક સપ્તાહ મોડી ખોલવા માટેની વિચારણા રાજ્યના શાળા સંચાલક મંડળ દ્વારા કરાઈ છે. એટલે કે શાળાઓમાં ચાલી રહેલું ઉનાળું વેકેશન એક અઠવાડિયું લંબાવવા માટે શાળા સંચાલક મંડળ એક થયું છે અને તે મામલે રાજ્ય સરકારના શિક્ષણ વિભાગમાં રજૂઆત કરવામાં આવી છે.
દરવર્ષની સરખામણીમાં આ વર્ષે રેકોર્ડ બ્રેક ગરમી પડી છે અને ગરમીનો પારો 46 ડિગ્રીને પાર પહોંચી ગયો હતો. એટલું જ નહીં, હજુ પણ ગરમી અને હીટવેવની આગાહી છે ત્યારે આગામી 13 જૂનથી શૈક્ષણિક સત્ર શરૂ થઇ રહ્યું છે, જેને લઇ રાજ્ય શાળા સંચાલક મંડળ હજુ એક અઠવાડિયું ઉનાળુ વેકેશન લંબાવવાની રજૂઆત શિક્ષણ વિભાગમાં કરી છે.
આ અંગે શાળા સંચાલક મંડળના પ્રમુખ ભાસ્કરભાઈ પટેલ જણાવે છે કે, આ વખતે ગરમી અને હીટવેવની અસર વધુ જોવા મળી છે. હજુ પણ ગરમી યથાવત રહેવાની આગાહી છે ત્યારે 13 જૂનથી શૈક્ષણિક સત્ર શરુ થાય છે તેવા સમયે પણ ગરમી યથાવત રહેવાની હોય તો શાળાઓ એક સપ્તાહ મોડી ખોલવા શિક્ષણ વિભાગને, શિક્ષણ મંત્રીને અને રાજ્યના મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી છે.
અત્યારે સ્કૂલ એક સપ્તાહ મોડી ખોલીને અને તે સાત દિવસનો કાપ દિવાળી વેકેશનમાં મૂકી શકાય. જેથી દિવાળીના વેકેશનમાં એક સપ્તાહનો કાપ મૂકી, ઉનાળું વેકેશન એક અઠવાડિયું લંબાવવા માંગ છે. દિવાળી વેકેશન 21 દિવસનું હોય છે તેની જગ્યાએ તેને 14 દિવસનું કરીને તે રજાના દિવસો આ વખતે ઉનાળા વેકશનમાં વધારી દેવા જોઈએ. તેમજ મોટાભાગની CBSE શાળાઓ પણ 22 જૂન બાદ કે જુલાઈ માસની શરૂઆતથી ખુલી રહી છે ત્યારે ગુજરાત બોર્ડની શાળાઓમાં પણ ગરમીના કારણે એક અઠવાડિયું વેકેશન લંબાવવાની માગ છે.
મહત્વનું છે કે, હાલ પણ રાજકોટના અગ્નિકાંડને પગલે શાળાઓમાં ફાયર સેફ્ટીની વ્યવસ્થાની કામગીરી કરવામાં આવી રહી છે. જે શાળાઓ પાસે ફાયર એનઓસી નથી કે પછી ફાયર સેફ્ટી નથી ત્યાં એ કામગીરી કરવામાં આવી રહી છે. જો શાળાનું વેકેશન એક અઠવાડિયું લંબાવવામાં આવે તો શાળાઓને એ કામગીરી કરવાનો પણ સમય મળી શકે છે.