અમૂલ બ્રાન્ડ ઘીના નામે ડુપ્લીકેટ ઘી તૈયાર થતું હોવાની બાતમીના આધારે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર કમિશનર ડૉ. એચ. જી કોશિયા દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો. તપાસમાં અમૂલ બ્રાન્ડનાં ૧૫ કિ.ગ્રા. અને ૫૦૦ એમ. એલ. પાઉચનો શંકાસ્પદ જથ્થો અને અમૂલ ઘીના લેબલનો જથ્થો પકડી પાડવામાં આવ્યો હતો. આ ઉપરાંત અન્ય માખણ મિશ્રી ગાયના ઘીનો જથ્થો હતો.
તંત્રની ટીમ દ્વારા પેઢીમાં અમૂલ બ્રાન્ડનાં ૧૫ કિ.ગ્રા.માંથી અને ૫૦૦ એમ. એલ. પાઉચના બે અને માખણ મિશ્રી બ્રાન્ડ ગાયના ઘીના ૧૫ કિ.ગ્રા.માંથી અને ૫૦૦ એમ. એલ. પાઉચના બે એમ કુલ ચાર નમૂના લેવામાં આવ્યા. જ્યારે બાકીનો ૨૦૭ કિ.ગ્રા. જથ્થો કે જેની અંદાજીત કિંમત આશરે રૂ. ૭૦,૦૦૦ છે તે શંકાસ્પદ જથ્થો જાહેર આરોગ્યનાં હિતમાં સ્થળ ઉપર કાયદા મુજબ જપ્ત કરવામાં આવ્યો છે. લીધેલા તમામ નમૂનાઓ ચકાસણી અર્થે લેબોરેટરીમાં મોકલી અપાયા છે.
તપાસમાં અમૂલ બ્રાંડના નામે ૧૫ કિ.ગ્રા.ના જથ્થાનું જાતે જ પેકીંગ કરતા હોવાનું જાણવા મળ્યું હતું.. વધુમાં અમૂલ બ્રાંડ ના ૫૦ મિ.લી. પાઉચ તેઓ અજાણી વ્યક્તિ પાસેથી ટેલીફોનીક સંપર્ક દ્વારા વગર બિલે ખરીદતા હોવાનું કબુલાત કર્યું છે જે બાબતે પોલીસ વિભાગ દ્વારા વધુ તપાસ હાથ ધરાઇ છે. આ ખાદ્ય પદાર્થો બિન-આરોગ્યપ્રદ હોવાથી તેમનો પૃથ્થકરણ અહેવાલ આવ્યા બાદ કાયદેસરની કોર્ટ કાર્યવાહી કરવામાં આવશે તેમ તેમણે વધુમાં ઉમેર્યું હતું. હાલ પાયલ ટ્રેડર્સનું લાયસન્સ ૬૦ દિવસ માટે સસ્પેન્ડ કરી દેવાયુ છે.