વિશ્વમાં શાંતિની વાતો વચ્ચે અનેક દેશો વચ્ચે યુદ્ધ અને ભૌગોલિક ટેન્શન ચાલી જ રહ્યું છે. અણુશસ્ત્રો વધારવાની પણ હરિફાઈ છે ત્યારે 25 વર્ષમાં પ્રથમ વખત પાકિસ્તાન કરતા અણુશસ્ત્રોમાં ભારત આગળ નીકળી ગયુ છે. પાકિસ્તાન પાસે 170 અણુશસ્ત્રો છે જયારે ભારત પાસે અણુશસ્ત્રોની સંખ્યા 172ની થઈ છે.
વિશ્વના દેશોના અણુશસ્ત્રો પર ટ્રેક રાખતા સંગઠન ‘સીપરી’ના રિપોર્ટમાં એમ જણાવવામાં આવ્યું છે કે પ્રથમ વખતે ચીન દ્વારા અણુશસ્ત્રોને ‘હાઈ ઓપરેશનલ એલર્ટ’ પર રાખવામાં આવ્યા છે. ટુંકા સમયમાં જ આક્રમણ કરવા માટે લાંબા અંતરની મિસાઈલો જેવા શસ્ત્રોને આ પ્રકારના પ્લેટફોર્મ પર મુકવામાં આવ્યા છે.
રીપોર્ટમાં એમ જણાવવામાં આવ્યું છે કે, ભારત પણ ઘટનાક્રમ પર નજર રાખી રહ્યું છે. વિશ્વભરમાં અનેક ક્ષેત્રોમાં ભૌગોલિક ટેન્શન વધવાની સાથોસાથ અનિશ્ચિતતાનો માહોલ પણ વધી રહ્યો છે ત્યારે દુનિયાના દેશો અણુભંડાર વધુ મજબૂત અને આધુનિક બનાવી રહ્યાનું જણાય રહ્યું છે.
ભારતને લાગેવળગે છે ત્યાં સુધી એમ માનવામાં આવતુ હતુ કે, શાંતિ સમયમાં ભારતે અણુશસ્ત્રો લોંચ સ્થળો કરતા અલગ ઠેકાણા પર રાખ્યા છે પરંતુ ભારતે તાજેતરમાં કેટલાંક શસ્ત્રો દરિયાઈ પેટ્રોલીંગમાં ઉગરવાની સાથોસાથ ચોકકસ સ્થળોએ ખસેડયા હોવાના સંકેત છે. ભારતીય અણુ ડીલીવરી પ્લેટફોર્મમાં ફાઈટર જેટ, જમીન પરની અણુ મિસાઈલ તથા સબમરીન લોન્ચડ મિસાઈલનો સમાવેશ થાય છે.
સીપરીના રીપોર્ટમાં એમ કહેવાયુ છે કે, ભારતે ગત વર્ષે 8 અણુશસ્ત્રોનો ઉમેરો કર્યો છે અને અણુશસ્ત્રોની કુલ સંખ્યા 172 પર પહોંચી છે. પાકિસ્તાન પાસે 170 અણુશસ્ત્રો છે. 25 વર્ષમાં પ્રથમવાર અણુશસ્ત્રોની સંખ્યામાં ભારત પાકિસ્તાન કરતા આગળ નીકળી ગયુ છે. ભારત 2014થી અણુશસ્ત્રો વધારી રહ્યું છે. 2014માં ભારત પાસે 100 અણુશસ્ત્રો હતો. 1999 પછી પ્રથમવાર પાકિસ્તાન કરતા ભારત પાસે વધુ અણુ હથિયારો થયા છે.
રીપોર્ટમાં એમ પણ કહેવાયુ છે કે, દુનિયામાં અન્ય કોઈપણ દેશો કરતા ચીન અણુશસ્ત્રોનો ભંડાર વધારી રહ્યું છે. 2023માં તેની પાસે 410 અણુશસ્ત્રો હતા તે સંખ્યા હવે 500 પર પહોંચી છે એટલું જ નહીં ચીને પ્રથમ વખત અણુશસ્ત્રો મિસાઈલ પર લગાવ્યા છે.