કેન્યાના લોકો અને સરકાર ભારતીય કાગડાઓથી પરેશાન છે. કાગડા પ્રવાસીઓની પ્લેટોમાંથી ખાવાનું ઉઠાવી જાય છે. સ્થાનિક પક્ષીઓને ભગાડી મુકે છે અને પાકને પણ નુકસાન કરે છે. કાગડાઓની તેની વસ્તીને નિયંત્રિત કરવાના દાયકાઓના પ્રયાસ પછી હવે કેન્યાની સરકારે તેમની સામે યુદ્ધની ઘોષણા કરી છે અને ૩1 ડિસેમ્બર સુધીમાં દસ લાખ કાગડાઓને મારવાની યોજના બનાવી છે.
કેન્યા વાઇલ્ડલાઇફ સર્વિસે 7 જૂનના રોજ એક્સ પરની એક પોસ્ટમાં જણાવ્યું હતું કે, ઘરેલું કાગડા દાયકાઓથી લોકો માટે ઉપદ્રવ છે. દરિયાકાંઠાના હોટલ ઉદ્યોગ માટે પણ કાગડા મોટા ત્રાસ સમાન છે. કેન્યા વાઇલ્ડ લાઇફ સર્વિસે 31 મી ડિસેમ્બર 2024 સુધીમાં કેન્યાના દરિયાકાંઠેથી 10 લાખ કાગડાઓને દૂર કરવા માટે એક એક્શન પ્લાન બનાવ્યો છે.
જેમાં સ્ટારલિસાઇડનો ઉપયોગ કરીને કાગડાઓને ઝેર આપવામાં આવશે, જે એક એવિસાઇડ છે જેને કેન્યાની સરકાર ન્યુઝીલેન્ડથી આયાત કરશે. કાગડાઓને મારવામાં સંકળાયેલી સંસ્થા રોચા કેન્યાના પક્ષીશાસ્ત્રી અને સીઇઓ ડો. કોલિન જેક્સને જણાવ્યું હતું કે દેશમાં 10 લાખ ઘરના કાગડાઓને મારવા માટે તેમને 6,000 ડોલર પ્રતિ કિલોના ભાવે લગભગ 5-10 કિલોગ્રામ ઝેરની જરૂર પડશે. તેમણે જણાવ્યું હતું કે, આ ઝેરને હોટલ ઉદ્યોગ દ્વારા અપાનારા માંસ સાથે મિક્સ કરીને કાગડાઓને ખવડાવવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે ભારતીય ધરેલું કાગડાએ કેન્યા સહિત પૂર્વ આફ્રિકન દેશોની સ્થાનિક ઇકોસિસ્ટમ્સ અને લોકો પર ભારે અસર કરી છે. કાગડાની આ પ્રજાતિ જે મૂળ ભારતની વતની છે તે અન્ય પક્ષીઓ પર હુમલો કરે છે, તેમને મારી નાખે છે અને તેમના ઇંડા ખાય છે. કાગડાઓ સામાન્ય રીતે એક ટીમ તરીકે કામ કરે છે.જેમકે જો કોઈ પક્ષી પર હુમલો કરે છે અને તેને તેના માળાથી દૂર લઈ જાય છે, તો બીજો ઇંડા ચોરવા માટે ધસી જાય છે. નિષ્ણાતો કહે છે કે કાગડાઓના આ આક્રમક વર્તનથી ઘણા મૂળ પક્ષીઓને તેમનું કુદરતી નિવાસસ્થાન છોડવાની ફરજ પડી છે. કેન્યામાં અનેક પક્ષીઓએ કાગડાઓને કારણે તેમનું ઘર છોડીને અન્યત્ર જવાની ફરજ પડી છે.
કાગડાઓ નવજાત શિશુ અથવા બીમાર વાછરડા અને બકરીઓને પરેશાન આપવા અને મારવા માટે જાણીતા છે અને નાના સરીસૃપો, ઉભયજીવી પ્રાણીઓ, સસ્તન પ્રાણીઓ અને જંતુઓ ખાય છે. કાગડા કેરી અને જામફળ જેવા ફળોના વૃક્ષોને નુકસાન પહોંચાડે છે, અને ઘઉં, મકાઈ, બાજરી, ચોખા અને સૂર્યમુખી સહિતના પાક પર ત્રાટકે છે.
હોસ્પિટાલિટી ઉદ્યોગને પણ તેનાથી ફટકો પડ્યો છે. કાગડા લોન પર અને હોટલોમાં ખોરાકની શોધમાં આવે છે. એર કન્ડિશનરવાળી હોટલો માળા બનાવવા માટેનું આદર્શ સ્થળ છે. સ્વિમિંગ પૂલમાં ઘણા કાગડા હોય છે. એશિયા અને મધ્ય પૂર્વના અન્ય ભાગો ઉપરાંત, ભારત અને ઉપખંડની વતની એવી આ પ્રજાતિઓ 1890ના દાયકામાં કોઈક સમયે પૂર્વ આફ્રિકામાં પહોંચી હતી.
એક અહેવાલ મુજબ તેમને ભારતમાંથી ઝાંઝીબાર ટાપુ તત્કાલીન ગવર્નરના આદેશથી લાવવામાં આવ્યા હતા. જેથી કચરાના ઢગલાનો નિકાલ કરવમાં મદદ મળી શકે. આ ટાપુ પર કચરાની ગંભીર સમસ્યા હતી, જેના કારણે રોગચાળો વારંવાર ફાટી નીકળ્યો હતો. અન્ય એક અહેવાલ મુજબ આ કાગડાઓ ભારતીય ઉપખંડમાંથી આવેલા જહાજો દ્વારા આ વિસ્તારમાં પહોંચ્યા હતા.