જ્યારે જ્યારે GST કાઉન્સિલની બેઠક થાય ત્યારે મોટેભાગે ચર્ચાના કેન્દ્રમાં પેટ્રોલ-ડીઝલ GST અંતર્ગત આવશે કે નહીં એ મુદ્દો જ હોય. આ વખતની GST કાઉન્સિલની બેઠકમાં નાણામંત્રીએ ફરી પેટ્રોલ-ડીઝલ GST અંતર્ગત આવે એવા સંકેત આપ્યા. જો કે આ વાત સંકેતથી આગળ વધતી નથી. કારણ કે પેટ્રોલ-ડીઝલને GST અંતર્ગત લાવવાનો નિર્ણય કેન્દ્ર સરકારે રાજ્યો ઉપર છોડ્યો છે.
જો આવું કરવું હોય તો રાજ્યોએ પેટ્રોલ-ડીઝલ ઉપર એકસમાન દર લાગુ કરવા સહમત થવું પડે. રાજ્યોની પોતાની મુશ્કેલીઓ છે કારણ કે GST લાગુ થયા પછી રાજ્યોની આવકના સાધનમાં પેટ્રોલ-ડીઝલ અને દારૂ ઉપરનો કર જ છે. સરકાર રાજ્યો ઉપર ઢોળે છે અને એકંદરે રાજ્યો આ બાબતે મચક આપતા નથી એટલે છેલ્લું તારણ એવું જ નિકળે છે કે સામાન્ય માણસ માટે હજુ પણ સસ્તા પેટ્રોલ-ડીઝલની રાહ લંબાવાની જ છે.
સરકારની તિજોરી ઉપરનું ભારણ ચોક્કસ મુદ્દો હોય જ શકે પરંતુ 140 કરોડની જનતામાંથી બહુધા વર્ગ જ્યારે પેટ્રોલ-ડીઝલનો ઉપયોગ કરતો જ હોય તો તેના ફાયદાને અગ્રતાક્રમમાં આગળ મુકવો એ દરેક સરકારની નૈતિક ફરજ આવે છે. પેટ્રોલ-ડીઝલ GST અંતર્ગત આવે તો ભાવમાં ફાયદો ચોકક્સ થવાનો જ છે અને એ ફાયદો પણ નજીવો બિલકુલ નથી. જો એવુ નહીં થાય તો પછી જનસામાન્યએ બે-ચાર મહિનાના અંતરે અથવા તો કોઈ રાજ્યની કે પછી લોકસભાની ચૂંટણી આવતી હોય ત્યારે પેટ્રોલ-ડીઝલમાં એક કે બે રૂપિયાના ભાવ ઘટાડાથી સંતોષ માનવો પડે. તાજેતરમાં જ માર્ચ મહિનામાં એટલે કે ચૂંટણીના બરાબર પહેલા સરકારે પેટ્રોલ ડીઝલમાં લીટર દીઠ 2 રૂપિયાનો ભાવ ઘટાડ્યો હતો. કેન્દ્ર સરકાર મોટેભાગે રાજ્યો ઉપર વાત છોડી દે છે ત્યારે પેટ્રોલ-ડીઝલના મુદ્દે તમામ રાજ્યો અને કેન્દ્ર સરકાર એકમત કેમ થતા નથી?. સસ્તું-પેટ્રોલ ડીઝલ સામાન્ય માણસ માટે હજુ કેટલું દૂર છે?
પેટ્રોલ-ડીઝલને GSTમાં લાવવા અંગે GST કાઉન્સિલની બેઠકમાં ચર્ચા થઈ છે. પેટ્રોલ-ડીઝલ GSTમાં લાવવાનો નિર્ણય રાજ્યો ઉપર છોડાયો હતો. રાજ્યોને એકમત થવા કેન્દ્રની અપીલ કરી છે. નાણામંત્રીએ કહ્યું રાજ્યો એકસમાન દર ઉપર સહમત થાય. સવાલ એ છે કે જનતાથી સસ્તું પેટ્રોલ-ડીઝલ હજુ કેટલું દૂર છે? રાજ્યો પેટ્રોલ-ડીઝલને GSTમાં લાવવા સહમત થશે કે કેમ? પેટ્રોલ-ડીઝલ ઉપર GSTના સમાન દર માટે રાજ્યોની તૈયારી શું?