ગ્રામીણ વિસ્તારોમાં ભાજપની લીડમાં નોંધપાત્ર ઘટાડો થતાં ભાજપની ચિંતા વધી

Spread the love

લોકસભાની સતત ત્રીજી સામાન્ય ચૂંટણીમાં ગુજરાતની 26 બેઠકો પર ભાજપે જોરદાર દેખાવ કર્યો હતો. 2014 અને 2019માં ભાજપે તમામ 26 બેઠકો પર વિજય મેળવ્યો હતો. જયારે આ વખતે ગુજરાતના બનાસકાંઠાને બાદ કરતાં 25 બેઠકો જીતી લીધી છે. જોકે 2019ની લોકસભા અને 2022ની વિધાનસભા ચૂંટણીની સરખામણીએ આ વખતે 40થી વધુ વિધાનસભાની બેઠકો પર ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં ભાજપની લીડમાં નોંધપાત્ર ઘટાડો થયો છે.જેના કારણે ભાજપની ચિંતા વધી છે અને તેના પર પાર્ટીએ કામ કરવું પડશે.

ભાજપના એક સિનિયર નેતા અને હોદ્દેદારના જણાવ્યા મુજબ આ એક ખરી ચિંતાનો વિષય છે, અને અમે તેને વેક-અપ કોલ તરીકે ગણી રહ્યા છીએ. ભાજપના એક સૂત્રએ જણાવ્યું હતું કે 4 જૂનના ચૂંટણી પરિણામો પછી, વરિષ્ઠ નેતાઓએ દિલ્હીથી ખુલાસો માગવામાં આવે ત્યારે તેની તૈયારી માટે અનેક આત્મનિરીક્ષણ બેઠકો કરી છે, જોકે હાઇકમાન્ડ દિલ્હીમાં બધુ થાળે પાડવામાં વ્યસ્ત છે.

ચૂંટણી પંચના બૂથ સ્તરના આંકડાઓનું વિશ્લેષણ કરતાં ભાજપની નેતાગીરીને ત્રણ મુખ્ય કારણો સમજાયાં છે કે શા માટે ભાજપના મતોમાં ઘટાડો થયો હતો. એક તો પક્ષના વિજય માટે કાર્યકરોમાં વધુ પડતો આત્મવિશ્વાસ, મતદારોનો આવો જ વધુ પડતો આત્મવિશ્વાસ, જેના કારણે એકંદરે મતદાન ઘટ્યું હતું અને સૌથી વધુ ચિંતાની વાત એ છે કે મતદાનની પેટર્નમાં આર્થિક મુદ્દાઓની અસર હતી.

વિધાનસભાની દ્રષ્ટિએ જોઈએ તો ભાજપને 182માંથી 160 બેઠકો પર સ્પષ્ટ લીડ મળી હતી જ્યારે કોંગ્રેસ-આપ ગઠબંધનને 20 બેઠકો પર સરસાઈ મેળવી હતી. 2022 ની રાજ્યની ચૂંટણીમાં ભાજપે 156, કોંગ્રેસને 17 અને આપ ને પાંચ બેઠકો મળી હતી.

ગુજરાતમાં 44 વિધાનસભા મતવિસ્તારો શહેરી, 38 અર્ધ-શહેરી અને 100 જેટલા ગ્રામીણ તરીકે ઓળખવામાં આવે છે. શહેરી વિસ્તારની લગભગ તમામ 44 બેઠકોમાં ભાજપે તેની અજેયતા જાળવી રાખી છે. પરંતુ ગ્રામ્ય બેઠકો કે જયાં કોંગ્રેસનું વર્ચસ્વ છે ત્યાં 2024માં ભાજપના મતો ઘટ્યા છે.

સૌથી પહેલી ચિંતાનો વિષય એ હતો કે 2019માં મતદાન 64.51 ટકા થયું હતું તે આ વખતે 60.13 ટકા થયું હતું. પરિણામે ભાજપનો એકંદરે વોટ શેર 1.25 ટકા અને કોંગ્રેસનો 1.31 ટકા પોઇન્ટ ઘટ્યો હતો. બનાસકાંઠાને બાદ કરતાં દરેક બેઠક પર મતદાન ઘટ્યું હતું, જેમાં કોંગ્રેસના ગેનીબેન ઠાકોર જીત્યા હતા.

ભાજપના એક દિગ્ગજ નેતાએ પરિણામો અંગે જણાવ્યું હતું કે રામ મંદિર ચૂંટણીના મુદ્દા તરીકે એટલો અસરકારક રહ્યો ન હતો. આ ઉપરાંત ફુગાવો, પેપર લીક અને આર્થિક મુદ્દાઓએ અસર કરી હતી. અન્ય રાજ્યોની જેમ ગુજરાતમાં સરકારી નોકરીની માંગ એટલી નથી. જો કે આર્થિક ચિંતાઓએ સરકારી નોકરીની માંગને ચૂંટણી મુદ્દો બનાવી દીધો છે. જોકે ભાજપ માટે સારી વાત એ છે કે ગુજરાતમાં હિન્દુત્વનો એજન્ડા હજુ પણ ચાલે છે. છે. ભાજપે શહેરી વિસ્તારોમાં એક ખાસ વોટબેંક બનાવી છે અને તેના કારણે વોટ શેર બહુ નીચે ઉતર્યો નથી. તેમણે જોકે સ્વીકાર્યું કે એન્ટી-ઇન્કમ્બન્સી પણ શરૂ થઈ રહી છે અને જો હવે તેના પર ધ્યાન આપવામાં નહીં આવે તો 2027 ની વિધાનસભાની ચૂંટણીમાં તે મોટી સમસ્યા બની શકે છે.

તેમણે ઉમેર્યું હતું કે, ઇન્ડિયા ગઠબંધનથી ભાજપના વોટ શેર પર કોઈ અસર થઈ નથી, પરંતુ બીજી તરફ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈને ચિંતા છે. જેને લગભગ 15 મહિનાની વાર છે અને તેમાં દર 500-1,000 મતોનું પણ મહત્વ હોય છે. જિલ્લા પંચાયતો, તાલુકા પંચાયતો અને નગરપાલિકાઓ પર હાલમાં ભાજપનો સંપૂર્ણ અંકુશ છે.

અન્ય એક કારણ એ આપવામાં આવે છે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના 16 સભ્યોના મંત્રીમંડળના ચાર મંત્રીઓના મૂળ કોંગ્રેસમાં છે, જેણે ખાસ કરીને કેડરના મનોબળને અસર કરી છે. કોંગ્રેસના 17 માંથી ચાર ધારાસભ્યો અને 2022 માં જીતેલા આપના એક ધારાસભ્ય ભાજપમાં જોડાયા છે. જે પાંચ વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણી યોજાઇ હતી, તેમાંથી ભાજપના ચાર ઉમેદવારો કોંગ્રેસના ટર્નકોટ હતા. તેમાંના ભૂતપૂર્વ વિરોધ પક્ષના નેતા અને પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અર્જુન મોઢવાડિયા અને પીઢ કોંગ્રેસી સી. જે. ચાવડા ચૂંટાઈ આવ્યા હતા અને હવે તેમને રાજ્યના મંત્રીમંડળમાં સામેલ કરવામાં આવે તેવી શક્યતા છે.

ભાજપે હંમેશાં પોતાને શિસ્તબદ્ધ કેડરના પક્ષ તરીકે ગર્વ કર્યો છે. પરંતુ કાર્યકરોની નિષ્ક્રિયતા અને ઘટતું મનોબળ એક નવો પડકાર છે જેના તરફ પક્ષના નવા પ્રમુખે ધ્યાન આપવું પડશે. કારણ કે હાલના પ્રમુખ સી.આર. પાટીલનો કાર્યકાળ જૂનમાં પૂરો થયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com