સુરતમાં અવાવરુ જગ્યાએથી પ્લાસ્ટિકનું ડ્રમ મળી આવ્યું હતું. એકલારા-ભાણોદ્રા રોડ શંકાસ્પદ રીતે મળેલા ડ્રમને લઈને પોલીસ તેને સિવિલ હોસ્પિટલ લાવ્યું હતું. જેને કાપતાં અંદરથી યુવતીનો મૃતદેહ અને કપડાંના ડૂચાની સાથે સાથે રેતી સિમેન્ટ પણ નીકળ્યા હતાં. જેથી યુવતીની હત્યા કર્યા બાદ મૃતદેહને આ રીતે ફેંકી દેવામાં આવ્યો હોવાની આશંકાએ તપાસ હાથ ધરવામાં આવી છે.
પ્લાસ્ટિકનું ડ્રમ મળતાં ભેસ્તાન પોલીસ સિમેન્ટ સાથેનું ડ્રમ લઈને સિવિલ હોસ્પિટલ પહોંચી હતી. ડ્રમ થોડું ખુલ્લું હતું. તેમાંથી પગ જેવું કશુંક દેખાતું હતું. શરૂઆતમાં સિવિલના તબીબો પણ ચોંકી ગયા હતા. જેથી પીએમ રૂમમાં આ ડ્રમ મુકાયું હતું. પાંચ ફૂટના આ ડ્રમને તોડવા એકતા ટ્રસ્ટની મદદ લેવાઈ હતી. એફએસએલની ટીમ પણ સિવિલ દોડી હતી. હત્યા ગળું દબાવી કરાઈ હોવાનું અનુમાન વ્યક્ત કરાઈ રહ્યું છે.
યુવતીની લાશ જેમાંથી મળી છે. તે બાંધકામ સાઈટ પર પાણી ભરવાનું પ્લાસ્ટિકનું ડ્રમ હતું. ડ્રમમાં યુવતીનું માથું અંદરની સાઇડ અને પગ બહારની સાઇડ હતા. ડ્રમમાં લાશ ઉપરાંત કપડાના ડૂચા, રેતી, સિમેન્ટ પણ ભરવામાં આવ્યા હતા. યુવતીની હત્યા કરી લાશનો નિકાલ કરવામાં હત્યારાઓએ આચરેલી તરકીબ જોઈ પોલીસ-તબીબો વિચારતા થઈ ગયા હતા. મોડીરાત્રે ઉચ્ચ પોલીસ અધિકારીઓ સિવિલ દોડી ગયા હતા. ભેસ્તાન પોલીસે હત્યાનો ગુનો નોંધવાની સાથે જ્યાંથી ડેડબોડી મળી છે તે વિસ્તારના સીસીટીવી ફૂટેજ મેળવવા દોડધામ કરી છે. પોલીસે સ્થાનિક વિસ્તારના લોકોના નિવેદન લેવાની કવાયત હાથ ધરી હોવાનું પણ જાણવા મળ્યું છે.