પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે કોંગ્રેસની સાથે સાથે આમ આદમી પાર્ટીને પણ આડે હાથ લીધી. રાજ્યસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર ધન્યવાદ પ્રસ્તાવ પર બોલતા પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે કોંગ્રેસ પાર્ટીએ AAP ની ફરિયાદ કરી અને તેને કોર્ટ સુધી ઢસડી. હવે જ્યારે કાર્યવાહી થઈ રહી છે ત્યારે ગાળો તેમને આપવામાં આવી રહી છે. પીએમ મોદીએ કોંગ્રેસ પાર્ટીને સવાલ કર્યો કે જે પુરાવા તેમણે આમ આદમી પાર્ટી વિરુદ્ધ આપ્યા હતા તે ખોટા હતા?
પીએમ મોદીએ કહ્યું કે ‘કેન્દ્રની તપાસ એજન્સીઓ પર આરોપ લગાવવામાં આવ્યા છે. કહેવાયુ છે કે સરકાર તપાસ એજન્સીઓનો દુરઉપયોગ કરી રહી છે. ભ્રષ્ટાચાર કરે ‘આપ’, આપની ફરિયાદ કરે કોંગ્રેસ, આપને કોર્ટમાં ઢસડીને લઈ જાય કોંગ્રેસ અને હવે કાર્યવાહી થાય તો ગાળો આપે મોદીને. હવે પરસ્પર સાથી બની ગયા છે આ લોકો.’
પીએમ મોદીએ આમ આદમી પાર્ટીને કહ્યું કે તે કોંગ્રેસ પાસે જવાબ માંગે. જ્યારે કોંગ્રેસને પણ સ્પષ્ટ કરવાનું કહ્યું કે જે આરોપ તેમણે લગાવ્યા હતા તે સાચા હતા કે ખોટા. તેમણે કહ્યું કે, હું આમ આદમી પાર્ટીવાળાને કહેવા માંગુ છું કે હિંમત હોય તો સદનમાં ઊભા થઈને કોંગ્રેસ પાસે જવાબ માંગો. કોંગ્રેસે પ્રેસ કોન્ફરન્સ કરીને AAP ના કૌભાંડોના પુરાવા દેશ સામે રજૂ કર્યા હતા. હવે એ જણાવે કે આ જે પુરાવા તેમણે દેખાડ્યા હતા તે સાચા હતા કે ખોટા. મને વિશ્વાસ છે કે આવી ચીજોનો જવાબ આપવાની હિંમત નથી. આ લોકોનું બેવડું વલણ છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે, દિલ્હીમાં ઈડી-સીબીઆઈની કાર્યવાહી પર હાય તોબા મચાવે છે અને એ જ લોકો તે એજન્સીને કેરળના મુખ્યમંત્રીને જેલમાં મોકલવાની વાત કરે છે. ત્યારે લોકોના મનમાં એ સવાલ ઉઠે છે કે તેમાં પણ બેવડું વલણ. છત્તીસગઢમાં કોંગ્રેસ સરકારના મુખ્યમંત્રી સાથે દારૂ કૌભાંડ જોડાયું. આ જ આપ પાર્ટીવાળા બૂમો પાડીને કહેતા હતા કે ઈડી-સીબીઆઈ લગાવી દો અને આ મુખ્યમંત્રીને જેલમાં નાખો. તેમને ત્યારે ઈડી ખુબ વ્હાલી લાગે છે.
કોંગ્રેસ નેતા જયરામ રમેશ પર કટાક્ષ કરતા પીએમ મોદીએ એમ પણ કહ્યું કે જ્યારથી પરિણામ આવ્યા છે ત્યારથી આ સદનના એક સભ્ય તેમની સરકારને એક તૃતિયાંશ સરકાર ગણાવી રહ્યા છે. મોદીએ કહ્યું કે તેનાથી મોટું સત્ય શું હોઈ શકે કે અમારા 10 વર્ષ થયા છે અને 20 વર્ષ બાકી છે. એક તૃતિયાંશ થયું છે અને બે તૃતિયાંશ હજું બાકી છે અને આથી તેમની ભવિષ્યવાણી બદલ તેમના મોઢામાં ઘી સાકર.