નરેન્દ્ર મોદી સરકારની યુવાનોને નોકરીમાંથી દુર કરતી અગ્નિવીર યોજનાનો સડકથી સંસદ સુધી જોરદાર વિરોધ થઈ રહ્યો છે. આ મુદ્દે બીજેપી નેતા અને રક્ષામંત્રી રાજનાથ સિંહ સંસદમાં જૂઠ બોલી રહ્યાંનો રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો છે.
અગ્નિવીરને લઈને વિપક્ષના નેતા રાહુલ ગાંધી લોકસભામાં ભગવાન શિવનો ફોટો બતાવીને પોતાની વાત કરી રહ્યા હતા, જેના માટે સ્પીકર ઓમ બિરલાએ તેમને ઘણી વખત અટકાવ્યા.
હવે વિપક્ષના નેતાએ એક વીડિયો સંદેશ જાહેર કર્યો છે, જેમાં તેઓ ભગવાન શિવના ફોટા સાથે અગ્નિવીર યોજનાને લઈને કેન્દ્ર સરકાર પર આરોપ લગાવી રહ્યા છે.
વીડિયોમાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે, સંસદમાં મારા ભાષણમાં મેં કહ્યું હતું કે સત્યની રક્ષા એ દરેક ધર્મનો પાયો છે. તેના જવાબમાં રક્ષા મંત્રી રાજનાથ સિંહ ભગવાન શિવ સામે સમગ્ર ભારત, દેશની સેના અને અગ્નિવીરોને વળતર અંગે ખોટું બોલ્યા છે.
આ દરમિયાન રાહુલ ગાંધીએ પોતાના વીડિયોમાં શહીદ અજય સિંહનો ઉલ્લેખ કરતા તેમના પિતાની એક ક્લિપ બતાવી, જેમાં તેઓ કહી રહ્યા છે કે, રાજનાથ સિંહે નિવેદન આપ્યું હતું કે શહીદોના પરિવારોને 1 કરોડ રૂપિયા મળ્યા છે. અમને કોઈ પૈસા મળ્યા નથી અને ન તો આ અંગે કોઈ માહિતી પ્રાપ્ત થઈ છે.
સાંસદ રાહુલ ગાંધીએ સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ પર સંસદમાં ખોટું બોલવાનો આરોપ લગાવ્યો અને માફીની માંગ કરી દીધી છે.
વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ ગૃહમાં ભગવાન શિવનું ચિત્ર બતાવ્યું અને કહ્યું કે સત્ય, હિંમત અને અહિંસા ભગવાન શંકરથી પ્રેરિત છે. તેમણે કહ્યું કે, ભગવાન શિવ કહે છે કે ડરશો નહીં, ડરાવશો નહીં.
ભગવાન શિવની અભય મુદ્રાનો ઉલ્લેખ કરતા વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે, આ મુદ્રાનો ઉલ્લેખ ઇસ્લામ, શીખ, ખ્રિસ્તી, બૌદ્ધ અને જૈન ધર્મમાં છે. અયોધ્યામાં ભાજપની હારનો ઉલ્લેખ કરતા રાહુલ ગાંધીએ કહ્યું કે ભગવાન શ્રી રામે ભાજપને સંદેશ આપ્યો છે.