ગાલપચોળિયાની બીમારીથી બાર વર્ષેની બાળકી છેલ્લા એક વર્ષથી બહેરાશની બીમારીથી પરેશાન થઈ ગઈ હતી. આ બાળકીને ગાંધીનગર સિવિલ હોસ્પિટલના ઇએનટી વિભાગમાં સારવાર માટે લાવ્યા હતા. જ્યાં બાળકીને કોક્લિયર ઈમપ્લાન્ટથી ઓપરેશન કરીને એક વર્ષથી બહેરાશની બીમારીમાંથી બાળકીને મુક્તિ અપાવી હતી. ગાંધીનગર સિવિલ હોસ્પિટલના ઈએનટી વિભાગમાં ગાલપચોળિયાની બીમારીથી બેહેરાશવાળા કિસ્સામાં પ્રથમ ઓપરેશન કરાયું હોવાનું તબીબે જણાવ્યું છે.
ગાંધીનગર સિવિલ હોસ્પિટલનો ઈએનટી વિભાગ અને ડોક્ટર નિરજા સૂરી કોકલિયર ઈમ્પ્લાન્ટ સર્જરી માટે સમગ્ર રાજ્યમાં જાણીતા બન્યા છે. તેમણે અત્યાર સુધીમાં 2000થી પણ વધારે કોક્લિયર ઈમ્પ્લાન્ટના ઓપરેશન કર્યા છે. ત્યારે ગાલપચોળિયાની બીમારીથી બેહરા ધરાવતી બાળકીમાં કોક્લિયર ઈમ્પ્લાન્ટથી સાંભળતી કરવાનું ઓપરેશન પ્રથમ વખત કરવામાં આવ્યું છે. આ ઓપરેશન અંગે ગાંધીનગર સિવિલ હોસ્પિટલના ઈએનટી વિભાગના નિષ્ણાત તબીબ ડૉ નીરજા સુરીએ જણાવ્યું છે કે ગોધરા ખાતે રહેતી બાર વર્ષીય બાળકીને એક વર્ષ અગાઉ ગાલપચોળિયાની બીમારી થઈ હતી.
જોકે ગાલપચોળિયાની બીમારી બાદ કોઈ કાળજી નહીં રખાતા બાળકી કાનની શ્રવણ શક્તિ ગુમાવી દીધી હતી. જોકે ગાલપચોળિયાની બીમારીના વાયરસથી કાનની શ્રવણ શક્તિ ગુમાવવાના કિસ્સા વર્તમાન સમયમાં સામે આવી રહ્યા છે. ત્યારે આ બાળકીને કાને સાંભળતી નહિ હોવાથી તેનો સ્વભાવ ચીડિયો થઈ જવા પામ્યો હતો. ઉપરાંત બાળકીએ તેના માતા પિતાને પણ જાણ કરી કે મને સંભળાતું નથી. આથી બાળકીના માતા-પિતાને મળેલી માહિતીના આધારે ગાંધીનગર સિવિલ હોસ્પિટલની ઓપીડીમાં ઇએનટી વિભાગમાં બતાવવા આવ્યા હતા. જ્યાં ડૉ નિરજા સુરીએ બાળકીનો તમામ અભ્યાસ કર્યા બાદ કોક્લિયર ઈમ્પ્લાન્ટ સર્જરી કરવાનું નક્કી કર્યું હતું. પરિવારની આર્થિક સ્થિતિ સારી નહીં હોવાથી ડોનેશનથી આ બાળકીના કાનનું કોક્લિયર ઈમ્પ્લાન્ટથી ઓપરેશન કરવામાં આવ્યું હતું. ઓપરેશન બાદ બાળકીના શ્રવણ અને સ્પીચનો ટેસ્ટ લેવામાં આવ્યો હતો. જેમાં બાળકી બરાબર સાંભળી અને બોલી પણ શકે છે.
ગાલપચોળિયાની બીમારીથી કાનની શ્રવણ શક્તિ નષ્ટ થવાના કિસ્સા છેલ્લા ઘણા સમયથી સામે આવી રહ્યા છે. જોકે આવા કિસ્સામાં કાનના પડદા ઉપર ઇન્જેક્શનથી દવા આપવાથી શ્રાવણ શક્તિ પાછી આવી શકે છે. પરંતુ મોટાભાગના વાલીઓ બાળકોની ગાલપચોળિયાની બીમારીની યોગ્ય સારવાર કરાવતા નહીં હોવાથી આવા કિસ્સા બની રહ્યા છે. આથી ગાલપચોળિયાની બીમારી વખતે ડોક્ટર પાસેથી દવા લેવાની સાથે સાથે તેની શ્રવણ શક્તિની પણ ચકાસણી કરાવવી જોઈએ તેમ સિવિલ હોસ્પિટલના ઇએનટી વિભાગના ડોક્ટર નિરજા સૂરીએ જણાવ્યું છે.