ગાંધીનગરના પેથાપુર ગામના 20 વર્ષીય યુવાન આર્થિક તંગીનાં લીધે રૂ. 1 લાખ 83 હજાર વ્યાજે લેવામાં આવ્યા હતા. જેની સામે બે વ્યાજખોરોએ વ્યાજ સાથે 3 લાખ લેવાની શરતે પૈસાનું ધિરાણ કરી પઠાણી ઉઘરાણી કરી ત્રાસ આપવામાં આવતાં યુવાને કંટાળીને ગળાફાંસો ખાઈ આપઘાતનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો. જેનાં પગલે પેથાપુર પોલીસે બંને વ્યાજખોરો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ગાંધીનગરના પેથાપુરની સહજાનંદ સ્પર્શ સોસાયટીમાં રહેતો 20 વર્ષીય આયુષ પ્રહલાદભાઈ પરમાર ઈન્ફોસિટી ખાતે પ્રાઇવેટ નોકરી કરે છે. આજથી આઠેક મહીના પહેલા આર્થિક સંકળામણ હોવાથી પૈસાની જરૂર પડતાં તેણે પેથાપુર સત્યમ કોમ્પલેક્ષમાં શિવમ રજવાડા નામની દુકાન ધરાવતાં હેમેન્દ્રસિંહ વાઘેલા પાસે રૂપિયાની માંગણી કરી હતી. જેનાં પગલે હેમેન્દ્રસિંહે બે મહિનાના વ્યાજ સાથે મૂડી રૂ. 1 લાખ 30 હજારની સામે રૂ. 1.80 લાખ ચૂકવવાની શરતે આયુષને આપ્યા હતા. જેનાં વાયદા મુજબની મુદ્દત પૂર્ણ થતાં હેમેન્દ્રસિંહ કડક ઉઘરાણી કરવા લાગ્યો હતો.
આથી આયુષએ કંટાળીને ઘરે માતાપિતાને વાત કરી હતી. પરંતુ હેમેન્દ્રસિંહ તેના માતા પિતાને પણ ગાળો બોલી કડક ઉઘરાણી કરતો રહેતો હતો. એટલે આયુષએ રૂ. 1.30 મૂડી ચૂકવી આપવાની વાત કરતા હેમેન્દ્રસિંહ માન્યો ન હતો. જેથી તેના માતાપિતાએ રૂ. 1.80 લાખ ચુકવી દીધા હતા. ત્યારે છ મહિના પછી આયુષને ફરીવાર પૈસાની જરૂરિયાત પડતાં ફરી પાછા હેમેન્દ્રસિંહ પાસેથી જ 35 હજાર રોકડાં લીધા હતા. જેની સામે વ્યાજ સાથે 52 હજાર અઠવાડિયાની મુદ્દતે પરત કરવાનું નક્કી કર્યું હતું. પરંતુ આ વખતે પણ આયુષ પાસે પૈસાની સગવડ થઈ ન હતી. આથી હેમેન્દ્રસિંહે પાંચમી જુલાઈએ 80 હજાર ચુકવી જાળવણી વાત કરી મારી નાખવાની ધમકી આપી હતી.
બાદમાં આયુષએ તેના મિત્ર પાર્થ બ્રહ્મભટ્ટ પાસેથી 18 હજાર વ્યાજે લીધા હતા. જે પેટે ચાર દિવસમાં 40 હજાર પરત કરવાના હતા. જો કે રૂપિયા સમયસર નહીં મળતા હેમેન્દ્રસિંહ અને પાર્થે કડક ઉઘરાણી કરવામાં આવતી હતી. જેનાં પગલે કંટાળીને આયુષએ પોતાના ઘરે ગળાફાંસો ખાઈ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જેને તેના પિતાએ બચાવી લઈ હોસ્પિટલ સારવાર અર્થે દાખલ કર્યો હતો. આ અંગે આયુષની ફરીયાદના આધારે પેથાપુર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.