મોરબીના સીરામીક સીટીમાં રહેતા મૂળ ટંકારાના લજાઈ ગામના ટુર્સ એન્ડ ટ્રાવેલ્સની ગાડીનો વ્યવસાય કરતા પરણિત યુવાનને સ્પામાં કામ કરતી મિઝોરમની યુવતી સાથે પ્રેમ સંબંધ બંધાયા બાદ મિઝોરમની આ યુવતીના ત્રાસને કારણે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા આ ચકચારી બનાવમાં મૃતકના ભાઈએ સ્યુસાઇડ નોટને આધારે પોતાના ભાઈને મરવા મજબુર કરનાર યુવતી, અમદાવાદના પોલીસ કર્મચારી તેમજ ગાડી ગીરવે રાખી પૈસા આપનાર કોયલી ગામના શખ્સ વિરુદ્ધ યુવાનને મરવા મજબુર કરવા અંગે ફરિયાદ નોંધાઈ છે.
ટંકારા તાલુકાના લજાઈ ગામે રહેતા મુકુંદભાઈ નટવરભાઈ મકવાણાએ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ચોંકાવનારી ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, મોરબી સીરામીક સિટીમાં રહેતા તેમના નાનાભાઈ ધ્રુવ નટવરભાઈ મકવાણાએ ગઈકાલે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. મૃતક ધ્રુવભાઈના અગાઉ લગ્ન થઈ ગયા હતા પરંતુ મોરબીમાં સ્પામાં કામ કરતી મિઝોરમની મારિયા નામની યુવતી સાથે પ્રેમ થઇ જતા તેમના પત્ની પિયર ચાલ્યા ગયા હતા અને ધ્રુવભાઈ મારિયા સાથે સીરામીક સીટી ફ્લેટમાં રહેતો હતો.મુકુંદભાઈએ આ ઘટનામાં પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે, આપઘાત કરતા પહેલા ધ્રુવે તા.10 જુલાઈના રોજ ફોન કરી પૈસાની જરૂરત હોવાનું જણાવ્યું હતું. સાથે જ મારિયાએ અમદાવાદ ખાતે પોતાનું અપહરણ થયાની ખોટી ફરિયાદ કરવાનું કહી થલતેજના લાલજી ભરવાડ નામના પોલીસ કર્મચારી સાથે મળી પૈસા પડાવવા પ્રયત્ન કરતા કોયલી ગામના વિશાલ બોરીચા પાસે ગાડી ગીરવે મૂકી પૈસા લીધા હોય પૈસાની ખેંચ પડી હોય તાત્કાલિક પૈસા મોકલવા કહેતા મુકુન્દભાઈએ 6000 રૂપિયા ગુગલ પે કર્યા હોવાનું અને બાદમાં ધ્રુવભાઈએ આપઘાત કરી લીધો હોવાથી તેમને મરવા મજબુર કરનાર મિઝોરમની મારિયા, અમદાવાદના લાલજી ભરવાડ અને કોયલીના વિશાલ બોરીચા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા આ ચકચારી બનાવમાં પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂૂ કરી છે. સાથે યુવતીની ધરપકડ પણ કરી લઈ તેની પૂછપરછ કરવામાં આવી રહી છે.