તૃણમૂલ કોંગ્રેસના સાંસદ સાકેત ગોખલેએ માઈક્રોબ્લોગિંગ સાઈટ એક્સ (અગાઉ ટ્વિટર) પર ગુજરાતના ગિફ્ટ સિટીને લઈને ચોંકાવનારો સવાલ ઉઠાવ્યો છે તેમણે ગિફ્ટ સિટી દ્વારા મોટા પાયે ‘ચાંદી કૌભાંડ’ થઈ રહ્યું હોવા તરફ ઈશારો કર્યો છે. આ અંગે ચિંતાઓ પણ વ્યક્ત કરી છે અને આકરી તપાસની માંગણી કરી છે.
સાકેત ગોખલેએ પોતાની સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું છે કે છેલ્લા આઠ મહિનાથી ‘એક ખુબ જ અજીબ પ્રવૃત્તિ’ ઉભરી રહી છે.
જેના વિશે ગંભીર ચિંતાઓ વ્યક્ત કરવામાં આવી છે. આ અંગે વિગતવાર માહિતી આપતા ‘શું ગુજરાતમાં GIFT સિટી દ્વારા એક ખુબ મોટું ચાંદી કૌભાંડ થઈ રહ્યું છે?’ મથાળાવાળી પોસ્ટમાં તેમણે લખ્યું છે કે ડિસેમ્બર 2023થી UAEથી ભારત આવતી બધી ચાંદી નિકાસ એક જ જગ્યાએ, ગુજરાતના ગાંધીનગરમાં GIFT સિટી દ્વારા થઈ રહી છે. તેમણે કહ્યું કે ભારત ચાંદી પર 15 ટકા આયાત ડ્યૂટી લગાવે છે. RBI અને DGFT દ્વારા માન્યતા પ્રાપ્ત સંસ્થાઓને જ ચાંદીની આયાત કરવાની મંજૂરી છે. તેમણે એ પણ લખ્યું છે કે કોઈ અજીબ કારણસર, આ નિયમ ગુજરાતના ગિફ્ટ સિટીને લાગૂ પડતો નથી, જ્યાં કોઈ પણ પ્રાઈવેટ પ્લેયર ચાંદીની આયાત કરી શકે છે.’
ગોખલેએ વધુમાં કહ્યું કે યુએઈ અને ભારત વચ્ચે થયેલા કરાર હેઠળ ચાંદીને 8 ટકા જેટલી ઓછી આયાત ડ્યૂટી પર આયાત કરી શકાય છે પરંતુ શરત એ છે કે તે “rules of origin” ની જરૂરિયાતોને પૂરી કરતા હોવા જોઈએ. આ પોસ્ટમાં સાંસદે કેટલીક ચિંતાઓ વ્યક્ત કરી છે જે આ પ્રમાણે છે…
ભારતમાં અન્ય પોર્ટ્સના માધ્યમથી યુએઈથી ચાંદીની આયાત કરનારી બેંકો અને અન્ય સંસ્થાઓને 8% પર આયાત કરવાની મંજૂરી આપવાની ના પાડી દેવાય છે. કસ્ટમ વિભાગે આવું rules of origin ના નિયમોના પાલનમાં નિષ્ફળતાનો હવાલો આપીને કર્યું છે.
જો કે ગુજરાતમાં ગિફ્ટ સિટીના માધ્યમથી યુએઈથી આયાત થતી તમામ ચાંદીને કોઈ પણ સમસ્યા વગર 8% આયાત ડ્યૂટીની મંજૂરી મળી જાય છે.
પરિણામ સ્વરૂપે છેલ્લા આઠ મહિનાથી UAE થી ભારતમાં ચાંદીની આયાત ફક્ત ગુજરાતના રસ્તે જ થઈ રહી છે.
1. ફક્ત ગુજરાતનું ગિફ્ટ સિટી RBI & DGFT દ્વારા ચાંદીની આયાત માટે નોમિનેટેડ ન હોય તેવા પ્રાઈવેટ પ્લેયર્સને કેવી રીતે મંજૂરી આપી શકે?
2. દેશના બાકીના પોર્ટના માધ્યમથી UAE થી આવનારી ચાંદીની આયાત પર 8% છૂટનો લાભ કેમ મળતો નથી? ગુજરાત દ્વારા આયાત થતી ચાંદીને જ કેમ છૂટનો લાભ મળે છે?
3. કયા આધાર પર ગુજરાતના ગિફ્ટ સિટીને 8 મહિનાથી યુએઈથી ચાંદીની આયાત પર મોનોપોલીની મંજૂરી અપાઈ છે?
આ સમગ્ર મામલે હવે GTRI નામની એક ટ્રેડ રિસર્ચ ફર્મએ તપાસની માંગણી કરી છે અને એમ પણ કહ્યું છે કે ગુજરાતના ગિફ્ટ સિટીને અપાયેલા આ ‘સ્પેશિયલ ટ્રિટમેન્ટ’ ની ફક્ત ચાંદીના વેપાર ઉપર જ નહીં પરંતુ અન્ય કિમતી ધાતુઓ ઉપર પણ નકારાત્મક પ્રભાવ પડશે.