રાજ્યમાં ફરી એકવાર ગુજરાત ભાજપના દિગ્ગજ નેતા નીતિન પટેલનું નિવદેન ચર્ચાનો વિષય બન્યુ છે. લોકસભા ચૂંટણી બાદ નીતિન પટેલે પક્ષપલટુ નેતાઓને ટકોર કરતુ નિવદેન આપ્યુ છે. હાલમાં જ મહેસાણાના સાંસદ હરીબાઇ પટેલના અભિવાદન સમારોહમાં હળવા મૂડમાં મોટી વાત કહી દીધી, તેમને નેતાઓને કાર્યકરોના ફોન ઉપાડવાની ટકોર કરી અને કહ્યું કે, ખુરશી જશે તો બધુ જશે.
રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે મહેસાણા ભાજપના લોકસભા સાસંદ હરીભાઇ પટેલના અભિવાદન સમારોહમાં હાજરી આપી હતી. આ દરમિયાન તેમને કોંગ્રેસના નેતાઓ પર હળવા મૂડમાં કટાક્ષ કર્યો હતો. કોંગ્રેસમાંથી પક્ષપલટો કરીને આવેલા અને સાંસદ બનેલા નેતાઓને ટકોર કરતાં કહ્યું હતુ કે, ભાજપમાં આવ્યા બાદ ભાજપની નીતિ-રીતિને અનુસરવી જરૂરી છે. ખુરશી દુર થાય ત્યારે કાર્યકર્તાઓ પણ દુર થતાં હોય છે. કાર્યકર્તાઓના ફોન ઉપાડવાની નીતિન પટેલની નેતાઓને સલાહ આપી છે. આ સમારોહમાં નીતિન પટેલે મહેસાણાના ભાજપના પૂર્વ સાંસદ શારદાબેન પટેલના પણ વખાણ કર્યા હતા.
ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો આજે 69માં જન્મ દિવસ છે. તેમના જન્મ દિવસને લઈ કડી ખાતે બ્લડ ડોનેશન કેમ્પ સહિત વિવિધ કાર્યક્ર્મનું આયોજન કરાયું છે. ભાજપ નેતા અને સહકારી આગેવાન દિલીપ સંઘાણીએ પણ નિતીન પટેલને શુભેચ્છા આપી હતી. જે બાદ તેમણે કહ્યું, નિતીનભાઇએ ગુજરાતના નાયબ મુખ્યમંત્રી તરીકે રહી ખૂબ સુંદર કામગીરી ગુજરાતના વિકાસ માટે કરી છે ત્યારે હવે તેમને આથી વિશેષ કામગીરી કરવાની તક મળે અને પક્ષ મોટી સેવા કરવાની તક આપે. દિલીપભાઈ નિતીનભાઇને મુખ્યમંત્રી તરીકે જૉવા માગે છે ? તેનાં જવાબમાં દિલીપ સંઘાણીએ કહ્યુ કે અમે ગઈ વખતે જોવા માંગતા હતા પણ પાર્ટી એ જે નિર્ણય લીધો તે માન્ય છે.
નીતિન પટેલનો જન્મ 22મી જૂન 1956ના રોજ આજના મહેસાણા જિલ્લાના વીસનગરમાં એક શ્રીમંત કુટુંબમાં થયો હતો. પાટીદારોના સ્ટ્રૉન્ગહોલ્ડ ગણાતા ઉત્તર ગુજરાતમાં પટેલ સમાજના તેઓ મહત્ત્વના નેતા છે. તેઓ દ્વિતીય વર્ષ બી. કૉમ. સુધીનો અભ્યાસ કર્યા બાદ પરિવારના વ્યવસાયમાં સંકળાઈ ગયા. તેમનાં લગ્ન સુલોચનાબહેન પટેલ સાથે થયાં. તેમને જૈમિન અને સની નામે બે સંતાન છે. ગુજરાત વિધાનસભાની વેબસાઇટ પર કરાયેલ ઉલ્લેખ પ્રમાણે તેઓ વાંચન અને સમાજસેવાનો શોખ ધરાવે છે. તેઓ ભાજપના શરૂઆતના દિવસોથી પક્ષના પાયાના કાર્યકર તરીકે જોડાયેલા છે. નીતિન પટેલ 26 ડિસેમ્બર 2016થી 11 સપ્ટેમ્બર 2021 સુધી રાજ્યના નાયબ મુખ્ય મંત્રી રહી ચૂક્યા છે. આ સિવાય તેમની પાસે નાણા વિભાગ, માર્ગ અને મકાન, આરોગ્ય અને પરિવારકલ્યાણ, તબીબી શિક્ષણ, નર્મદા યોજના, કલ્પસર યોજના અને પાટનગર યોજના વિભાગનો હવાલો હતો.
જાહેર જીવનની વર્ષ 1974માં કડી તાલુકાની નવનિર્માણ સમિતિના જનરલ સેક્રેટરી તરીકે શરૂઆત થઈ હતી. માત્ર 21 વર્ષની ઉંમરે તેઓ કડી નગરપાલિકામાં ચૂંટાઈ આવ્યા અને ત્યાં 15 વર્ષ સુધી કાર્યરત્ રહ્યા. તેમણે નગરપાલિકામાં વિવિધ પદો પર કાર્ય કર્યું. 1988-90 સુધી તેઓ કડી નગરપાલિકાના પ્રમુખ રહ્યા. આ સિવાય તેઓ આઠ વર્ષ ડિસ્ટ્રિક્ટ કો-ઑપરેટિવ બૅંકના ડિરેક્ટર પદ પર પણ રહ્યા. 1990-95માં આઠમી વિધાનસભાની નીતિન પટેલ ભાજપની બેઠક પરથી ચૂંટણીમાં કડી બેઠકથી કૉંગ્રેસના કરસનજી મગનજી ઠાકોર સામે 2,738 મતના નજીવા માર્જિનથી જીત્યા હતા. આવી રીતે પ્રથમ વખત તેમનો ગુજરાતની રાજરમતના મુખ્ય મેદાનમાં એટલે કે ગુજરાત વિધાનસભામાં પ્રવેશ થયો હતો.