સાબરકાંઠા જિલ્લામાં જીએમઇઆરએસ મેડિકલ કોલેજ ખાતે આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલે વાયરલ એન્કેફેલાઇટીસના શંકાસ્પદ કેસો અંગે સમીક્ષા કરી હતી. આ પ્રસંગે મંત્રીશ્રીએ બાળ દર્દીઓની મુલાકાત લઈ તેમની આરોગ્ય પૃચ્છા કરી હતી. ત્યારબાદ ઉપચારાત્મક બાબતો અંગે ડોક્ટરો સાથે ચર્ચા પણ કરી હતી .
જેમાં બાળકને ક્યારે હોસ્પિટલ લવાયા, કેવા લક્ષણો દેખાયા, હાલ બાળકની તબીયત કેટલી સુધારા પર છે તેવી સામાન્ય બાબતો અંગે ચર્ચા કરી હતી.
સાબરકાંઠા જિલ્લામાં વાયરલ એન્કેફેલાઇટીસ અને ચાંદીપુરાના શંકાસ્પદ ૧૪ કેસ નોંધાયા છે. જેમાં બે રાજસ્થાન, ચાર અરવલ્લી, એક ખેડા, સાત સાબરકાંઠાનો સમાવેશ થાય છે. જેમાં મૃત્યુઆંક ૦૬ છે.
આરોગ્ય મંત્રીશ્રીએ આગામી સમયમાં અસરગ્રસ્ત વિસ્તારોમાં તિરાડ વાળા કાચા મકાનો, આંગણવાડી, શાળા અને તેની આસપાસના વિસ્તારો સહિત ગામમાં ગંદકી ધરાવતા વિસ્તારોમાં જંતુનાશક દવાઓનો છંટકાવ કરવા જણાવ્યું હતું. આ ઉપરાંત જિલ્લાના ગામડાઓમાં સર્વેક્ષણની કામગીરી હાથ ધરવા જણાવ્યું હતું.
વધુમાં ઉમેર્યું કે, મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને સમગ્ર રાજ્યમાં તમામ કલેક્ટર શ્રી ડીડીઓશ્રી, કોર્પોરેશનના અધિકારીઓ અને મેડિકલ કોલેજના ફેકલ્ટી વગેરે સાથે ખૂબ બૃહદ ચર્ચા થઈ એના પછી તજજ્ઞો સાથે પણ મિટિંગ કરી ટ્રીટમેન્ટની પ્રોસીજર નક્કી કરવામાં આવી એ પ્રમાણે હવે ટ્રીટમેન્ટ થાય તે સુનિશ્ચિત કર્યું છે
વધુમાં મંત્રીશ્રી એ રાજ્યની પરિસ્થિતિ અંગે જણાવ્યું હતું કે, અત્યાર સુધીમાં પુના ખાતે મોકલેલ સેમ્પલમા કુલ સાત ટેસ્ટના પરિણામ આવ્યા છે. સાતમાંથી છ નેગેટિવ છે . એક જ ચાંદીપુરમ કન્ફર્મ થયો છે.
છતાં નાના બાળકોમાં તાવ હોય તો તે તાત્કાલિક નજીકની હોસ્પિટલ અથવા મેડીકલ કોલેજમાં એડમિટ કરવા ખાસ સુચન કરાયું છે. કોમન એડવાઈઝરી મુજબ જ આ તમામ દર્દીઓની સિમ્પ્ટેમેટીક ટ્રીટમેન્ટ કરવાની રહેશે.
જેમાં મગજ ઉપર સોજો આવે, ઝાડા ઉલટી થાય તો જે પ્રકારના લક્ષણો દેખાય એ પ્રકારની ટ્રીટમેન્ટ આમાં કરવાની રહેશે એમ નિષ્ણાતો સાથે વાત કર્યા પછી નક્કી કરાયું છે. હાલ એડમિટ થયેલા ત્રણ બાળકો સ્ટેબલ છે અને ત્રણ બાળકો પીઆઇસીયુમા છે
રાજ્યના તમામ ગ્રામ્ય વિસ્તારો અને શહેરી સ્લમ વિસ્તારોમાંમેલેથિયોન ડસ્ટિંગની અને સ્પ્રેનો છંટકાવ કરવાની ડ્રાઇવ હાથ ધરાઇ છે . કાચા ઘરો છે ત્યાં ખાસ ડસ્ટીંગ અને તીરાડો પુરવાની કામગીરી થાય તે જોવા ખાસ તાકીદ કરી હતી.
જિલ્લામાં મુખ્ય આરોગ્ય અધિકારીશ્રી એ જિલ્લામાં થઈ રહેલી કામગીરી અંગે જણાવ્યું કે, જિલ્લાના ૮ તાલુકાના ૬૮૫ ગામોમાં ૮૪૪ ટીમો દ્રારા હાલમાં સર્વેની કામગીરી કરવામાં આવી રહી છે. જિલ્લામાં ૫૬ હજાર કાચા મકાનો શોધી તેની આસપાસ સ્પ્રે અને ડ્સ્ટીંગ, તીરાડ પુરવા જેવી કામગીરી શરૂ કરાઇ છે. જિલ્લામાં ૨૦૦૦ કિ.લો. મેલેથીયોન જથ્થો ડ્સ્ટીંગ કરાયો છે. બીજો ૨૫૦૦ કી.લો. જથ્થો જીલ્લાને ફાળવી દેવાયો છે.
આ મુલાકાત અને સમીક્ષા બેઠકમાં હિંમતનગર ધારાસભ્યશ્રી વી.ડી. ઝાલા, ધારાસભ્યશ્રી ગજેન્દ્રસિંહ પરમાર, આરોગ્ય વિભાગના અગ્ર સચિવ અને કમિશનર શ્રી, જિલ્લા કલેકટરશ્રી નૈમેષ દવે, જિલ્લા વિકાસ અધિકારી શ્રી હર્ષદ વોરા અગ્રણી શ્રી કનુભાઇ પટેલ, આરોગ્ય વિભાગના અધિકારીઓ અને તબીબો સમીક્ષા બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા.