બાંગ્લાદેશમાં સરકારી નોકરીઓમાં અનામતના વિરોધી હિંસક વિરોધ વચ્ચે દેશભરમાં કર્ફ્યુ લાદવામાં આવ્યો છે. સત્તાધારી અવામી લીગ પાર્ટીના જનરલ સેક્રેટરી ઓબેદુલ કાદરે શુક્રવારે (19 જુલાઈ) રાત્રે આની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે હિંસા પર કાબૂ મેળવવા માટે સેના તૈનાત કરવામાં આવી છે.
શુક્રવારે દિવસ દરમિયાન પોલીસ અને સુરક્ષા કર્મચારીઓએ પ્રદર્શનકારીઓ પર ગોળીબાર કર્યા પછી વડાપ્રધાન શેખ હસીનાની સરકાર દ્વારા કર્ફ્યુની જાહેરાત કરવામાં આવી હતી. મીડિયા રિપોર્ટ્સ કહે છે કે ઘણા લોકો માર્યા ગયા છે. સરકારે રાજધાની ઢાકામાં કોઈપણ પ્રકારના મેળાવડા પર પણ પ્રતિબંધ મૂક્યો છે.
મળતાં અહેવાલો અનુસાર, શુક્રવારે વિદ્યાર્થી પ્રદર્શનકારીઓએ નરસિંગડી જિલ્લામાં એક જેલમાં હુમલો કર્યો. સેંકડો કેદીઓને જેલમાંથી મુક્ત કર્યા પછી, તેઓએ સ્થળને આગ લગાવી દીધી. આ પહેલા ગુરુવારે સેંકડો પ્રદર્શનકારીઓ ચેનલની ઓફિસના કેમ્પસમાં ઘૂસી ગયા હતા અને 60થી વધુ વાહનોને સળગાવી દીધા હતા. તે જ દિવસે વડાપ્રધાન શેખ હસીનાએ એક ઈન્ટરવ્યુ આપ્યો હતો.
હોસ્પિટલોમાંથી મળેલી માહિતી અનુસાર, આ અઠવાડિયે વિદ્યાર્થી પ્રદર્શનકારીઓ અને પોલીસ વચ્ચેની અથડામણમાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 105 લોકોનાં મોત થયા છે. 2,500થી વધુ ઘાયલ થયા છે. એક ચેનલે માત્ર શુક્રવારે 17 લોકોનાં મોતની જાણ કરી હતી.તો બીજી ન્યુઝ ચેનલે 30 લોકોના મોતનો દાવો કર્યો છે.
એક પત્રકારે ઢાકા મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં 23 મૃતદેહો જોયા. જોકે, એ સ્પષ્ટ નથી થયું કે શુક્રવારના દિવસે જ તમામ લોકોના મોત થયા છે કે નહીં. આ પહેલા ગુરુવારે (18 જુલાઇ) 22 લોકોના મોત થયા હતા.
બાંગ્લાદેશમાં વધી રહેલા તણાવ વચ્ચે અત્યાર સુધીમાં 405 ભારતીય વિદ્યાર્થીઓ તેમના ઘરે પરત ફર્યા છે. મેઘાલયના મુખ્ય પ્રધાન કોનરાડ સંગમાએ શુક્રવારે જણાવ્યું હતું કે ભારતીય વિદ્યાર્થીઓને બાંગ્લાદેશમાંથી ડોકી ઈન્ટિગ્રેટેડ ચેક પોસ્ટ દ્વારા બહાર કાઢવામાં આવ્યા છે. તેમાંથી લગભગ 80 મેઘાલયના છે અને બાકીના અન્ય રાજ્યોના છે. નેપાળ અને ભૂટાનના કેટલાક વિદ્યાર્થીઓ અને પ્રવાસીઓને પણ બહાર કાઢવામાં આવ્યા છે.
મેઘાલયના સીએમએ કહ્યું કે બાંગ્લાદેશની ઈસ્ટર્ન મેડિકલ કોલેજમાં લગભગ 36 વિદ્યાર્થીઓ ફસાયેલા છે. અમે ત્યાંના અધિકારીઓના સંપર્કમાં છીએ. કોલેજ અને તેની આસપાસની સ્થિતિ સારી છે. જો કે, વિદ્યાર્થીઓના વાલીઓ ત્યાંની પરિસ્થિતિથી ચિંતિત છે.
જ્યાં સુધી ભારત સરકાર આ માર્ગ સ્પષ્ટ અને સલામત હોવાની સંપૂર્ણ ખાતરી ન આપે ત્યાં સુધી પરિસ્થિતિ પર નજર રાખવાની જરૂર છે. આ પછી જ વિદ્યાર્થીઓને ભારત લાવવામાં આવશે.
બાંગ્લાદેશમાં ભારતીય નાગરિકોની કુલ સંખ્યા આશરે 15,000 હોવાનો અંદાજ છે, જેમાં લગભગ 8,500 વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે.
1971માં બાંગ્લાદેશ આઝાદ થયું. બાંગ્લાદેશી અખબાર ડેઇલી સ્ટારના અહેવાલ મુજબ, આ વર્ષથી જ ત્યાં 80 ટકા ક્વોટા સિસ્ટમ લાગુ કરવામાં આવી હતી. જેમાં સ્વાતંત્ર્ય સેનાનીઓના બાળકોને નોકરીમાં 30%, પછાત જિલ્લાઓને 40% અને મહિલાઓને 10% અનામત આપવામાં આવી હતી. સામાન્ય વિદ્યાર્થીઓ માટે માત્ર 20% બેઠકો રાખવામાં આવી હતી.
1976માં પછાત જિલ્લાઓ માટે અનામત 20% કરવામાં આવી હતી. આનાથી સામાન્ય વિદ્યાર્થીઓ માટે 40% બેઠકો થઈ ગઈ. 1985માં, પછાત જિલ્લાઓ માટે અનામતને વધુ ઘટાડીને 10% કરવામાં આવી હતી અને લઘુમતીઓ માટે 5% ક્વોટા ઉમેરવામાં આવ્યો હતો. આનાથી સામાન્ય વિદ્યાર્થીઓ માટે 45% બેઠકો રહી.
શરૂઆતમાં માત્ર સ્વતંત્રતા સેનાનીઓના પુત્ર-પુત્રીઓને જ અનામત મળતી હતી, પરંતુ 2009થી તેમાં પૌત્ર-પૌત્રીઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો. 2012 વિકલાંગ વિદ્યાર્થીઓ માટે 1% ક્વોટા પણ ઉમેરવામાં આવ્યો હતો. આનાથી કુલ ક્વોટા 56% થયો.
વર્ષ 2018માં, વિદ્યાર્થીઓના વિરોધના 4 મહિના પછી, હસીના સરકારે ક્વોટા સિસ્ટમ નાબૂદ કરી હતી, પરંતુ ગયા મહિને 5 જૂને સુપ્રીમ કોર્ટે સરકારને ફરીથી અનામત આપવાનો આદેશ આપ્યો હતો. કોર્ટે કહ્યું કે આરક્ષણ ફરીથી એ જ રીતે લાગુ કરવું જોઈએ જે રીતે 2018 પહેલા હતું.
બાંગ્લાદેશમાં પણ ભારતની જેમ સરકારી નોકરીઓ રોજગારીનો મુખ્ય સ્ત્રોત છે. બાંગ્લાદેશમાં દર વર્ષે, 4 લાખથી વધુ વિદ્યાર્થીઓ 3 હજાર બાંગ્લાદેશ પબ્લિક સર્વિસ કમિશન (BPSC) માટે સ્પર્ધા કરે છે. કેટલાક વર્ષો સુધી ક્વોટા ન મળવાને કારણે તેમાં મેરિટનો દબદબો હતો પરંતુ હવે વિદ્યાર્થીઓને ડર છે કે અડધાથી વધુ બેઠકો ‘ક્વોટાવાળા લોકો’ લેશે.
હવે આ વિદ્યાર્થીઓ તમામ વિદ્યાર્થીઓ માટે સમાન અધિકારની માગ કરી રહ્યા છે. તેમનું કહેવું છે કે સ્વાતંત્ર્ય સેનાનીઓના પૌત્રોને અનામત આપવાનો કોઈ અર્થ નથી. સરકારી નોકરીઓમાં ક્વોટા નહીં પણ મેરિટની જરૂર હોય છે.
સરકારે ગુરુવારે કહ્યું કે તે વાટાઘાટો કરવા તૈયાર છે. જોકે પ્રદર્શનકારીઓએ વાત કરવાનો ઇનકાર કર્યો હતો. તેમણે કહ્યું કે વાતચીત અને ગોળીબાર એકસાથે ન ચાલે.