બંગાળની ખાડીમાં ફરીથી એક વરસાદી સિસ્ટમ બની છે અને તે મધ્ય ભારત તરફ આગળ વધી રહી છે, આગળ વધતાની સાથે જ તે વધારે મજબૂત બનશે. હાલ બંગાળની ખાડી અને ઝારખંડ પર આ લૉ-પ્રેશર એરિયા છે, જે હવે મજબૂત બનીને ડિપ્રેશનમાં ફેરવાઈ જશે.
આ સિસ્ટમની અસરને કારણે મધ્ય ભારત, મહારાષ્ટ્રની સાથે ગુજરાતમાં પણ તેની અસર થશે અને તેના કારણે રાજ્યમાં ફરીથી વરસાદનું પ્રમાણ વધે તેવી શક્યતાઓ છે.
આ સિસ્ટમ ઝડપથી આગળ વધશે અને તે મધ્ય પ્રદેશ પર પહોંચશે, જેના કારણે ગુજરાતમાં આગામી દિવસોમાં ઘણા વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ થવાની શક્યતા દેખાઈ રહી છે.
બંગાળની ખાડીમાં સર્જાનારી સિસ્ટમો ગુજરાત પરથી કે નજીકથી પસાર થાય છે ત્યારે રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ વરસે છે.
હાલમાં જ એક સિસ્ટમ ગુજરાત પરથી પસાર થઈ ત્યારે દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડ્યો હતો.
હાલ દક્ષિણ ગુજરાતથી કેરળ સુધી એક ઑફ શૉર ટ્રફ રેખા પણ સક્રિય છે અને તેની અસર ખાસ કરીને દક્ષિણ ગુજરાતના વિસ્તારો, મુંબઈ અને તેની આસપાસના વિસ્તારો તથા કોંકણના વિસ્તારો પર થઈ રહી છે. આ વિસ્તારોમાં સતત વરસાદ પડી રહ્યો છે.
હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે ગુજરાતમાં આગામી પાંચ દિવસ સુધી વિવિધ વિસ્તારોમાં હળવાથી ભારે પ્રકારના વરસાદની શક્યતા છે. એટલે કે કેટલાક વિસ્તારોમાં હળવો તો કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ થઈ શકે છે.
3 ઑગસ્ટના રોજ ગુજરાત રિજનમાં કોઈ સ્થળે અત્યંત ભારે વરસાદ થવાની આગાહી હવામાન વિભાગે તેના બુલેટિનમાં કરી છે. જ્યારે 3 અને 4 ઑગસ્ટ એમ બે દિવસોમાં ગુજરાત રિજનનાં અમુક સ્થળોએ ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે.
ગુજરાત રીજનમાં દક્ષિણ ગુજરાત, પૂર્વ ગુજરાત, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતનો સમાવેશ થાય છે એટલે કે રાજ્યના સૌરાષ્ટ્ર અને કચ્છ સિવાયના તમામ પ્રદેશો ગુજરાત રીજનમાં આવી જાય છે.
હવામાન વિભાગ પ્રમાણે ગુજરાતમાં બે દિવસ સુધી વરસાદનું જોર વધારે રહેશે અને તે બાદ વરસાદનું જોર ઘટવાની શરૂઆત થઈ જશે. જોકે, વરસાદ સંપૂર્ણપણે બંધ નહીં થાય.
હાલ ગુજરાતના ઘણા વિસ્તારોમાં વરસાદનું જોર ઘટ્યું છે અને ઘણા વિસ્તારોમાં વરસાદ બંધ પણ થયો છે. જોકે, ફરીથી વરસાદનું જોર વધશે અને ઘણા વિસ્તારોમાં ધોધમાર વરસાદ થશે.
હાલ બંગાળની ખાડીમાં રહેલી આ સિસ્ટમ મધ્ય પ્રદેશ પર આવશે અને તે બાદ તે આગળ વધીને ગુજરાત પાસેથી પસાર થાય તેવી સંભાવના છે. જેની સૌથી વધારે અસર દક્ષિણ ગુજરાતના વિસ્તારોને થાય તેવી શક્યતા છે.
3 ઑગસ્ટના રોજ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી અને મહેસાણા જિલ્લામાં વરસાદનું પ્રમાણ વધશે ઘણા વિસ્તારોમાં મધ્યમ તથા તેનાથી વધારે વરસાદ થવાની શક્યતા છે.
આ ઉપરાંત પૂર્વ ગુજરાતના દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, મહીસાગર તથા મધ્ય ગુજરાતના અમદાવાદ, વડોદરા, આણંદ, ખેડા સહિતના જિલ્લાઓના વિસ્તારોમાં પણ વરસાદનું પ્રમાણ વધશે અને બે દિવસમાં કેટલાક વિસ્તારોમાં સારો વરસાદ થાય તેવી સંભાવના છે.
દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી, ડાંગ, તાપી, સુરત, ભરૂચ અને નર્મદા જિલ્લામાં વરસાદનું પ્રમાણ વધશે અને કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા દેખાઈ રહી છે.
સૌરાષ્ટ્ર અને કચ્છમાં આ સિસ્ટમની અસર થશે પરંતુ અતિભારે વરસાદની શક્યતા ઓછી છે. ભાવનગર, અમરેલી, બોટાદ અને સુરેન્દ્રનગરના કેટલાક વિસ્તારોમાં વરસાદનું પ્રમાણ વધશે અને આ જિલ્લાઓના કોઈ એકાદ બે સ્થળે ભારે વરસાદ થઈ શકે છે.
બે દિવસ સુધી ગુજરાતના તમામ જિલ્લાઓમાં હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે પરંતુ તેની સૌથી વધારે અસર ગુજરાત રીજન પર થવાની છે.
હાલની સ્થિતિ પ્રમાણે ગુજરાતમાં 1 જૂનથી 2 ઑગસ્ટ સુધી સરેરાશ કરતાં 19 ટકા જેટલો વધારે વરસાદ થયો છે, જેમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં તેની સરેરાશ કરતાં 47 ટકા વધારે વરસાદ અને ગુજરાત રીજનમાં સરેરાશ કરતાં 1 ટકા ઓછો વરસાદ થયો છે.
ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોમાં સારા વરસાદને કારણે ખરીફ પાકનું સારું વાવેતર થયું છે. રાજ્યના કૃષિ વિભાગે આપેલી માહિતી પ્રમાણે ચોમાસું શરૂ થયું ત્યારથી અત્યાર સુધીમાં 70 લાખ હેક્ટર જમીનમાં વાવેતર થયું છે. 18.80 લાખ હેક્ટર જમીનમાં મગફળી, 22.90 લાખ હેક્ટર જમીનમાં તેલીબિયાં અને આશરે 23 લાખ હેક્ટર જમીનમાં કપાસનું વાવેતર કરવામાં આવ્યું છે.