અમદાવાદ શહેરના વેજલપુર વિસ્તારમાં એક યુવતીએ 13મી જુલાઈના દિવસે ગળેફાંસો ખાઇને આત્મહત્યા કરી લીધી હતી. જે મામલે યુવતીના ભાઇએ તેના માસા વિરુદ્ધમાં વેજલપુર પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરીયાદ દાખલ કરાવી છે.
યુવતીના ભાઇનો આક્ષેપ છે કે તેની બહેનના મૃત્યુ બાદ જ્યારે તેણે આ પગલું કેમ ભર્યું તે અંગે તપાસ કરી ત્યારે તેની સાથે નોકરી કરતી તેની બહેનપણી પાસેથી જાણવા મળ્યું હતું કે, 29મી જૂનના દિવસે જ્યારે તેઓ નોકરી પર હાજર હતા, ત્યારે મૃતક યુવતીએ તેને કહ્યું હતું કે આ કંપનીના માલિક તેના સગા માસા થાય છે.
અને જ્યારે તે આ કંપનીમાં નોકરી પર આવી તેના છ મહીના બાદ તેના માસા અવાર નવાર જ્યારે તે એકલી હોય ત્યારે તેને કહેતા કે તું મને ખુશ કર હું તારી લાઇફ બનાવી દઈશ. આવી લાલચ આપીને તેની સાથે પ્રેમસંબંધ કેળવીને ઓફીસમાં અવાર નવાર શરીર સંબંધ બાંધતા હતાં.
યુવતીએ તેની સાથે નોકરી કરતી તેની બહેનપણીને પણ કહ્યું હતું કે, તું માસાની વાતોમાં આવતી નહીં નહીંતર તેમણે મારી જિંદગી તો ખરાબ કરી છે તારી જિંદગી પણ બગાડી નાંખશે.
જો કે 30મી જુનના દિવસે રાત્રિના દસેક વાગ્યાની આસપાસ મૃતક યુવતીએ તેને એક વીડિયો મોકલી આપ્યો હતો. જેમાં તેણે કહ્યું હતું કે આ વીડિયોમાં તેની અને માસા વચ્ચેની વાતચીત છે જે તું સાચવીને રાખજે. બાદમાં બંન્નેએ અહીં નોકરી નહી કરવાનું નક્કી કરીને નોકરી છોડી દીધી હતી.
ત્યારબાદ યુવતી ગર્ભવતી હોવાનું જાણવા મળતા તે ડોક્ટર પાસે ગઈ હતી. જ્યાં તેને એક મહીના અને પાંચેક દિવસનો ગર્ભ હોવાનું જણાઈ આવ્યું હતું. યુવતીએ ડોક્ટરને પણ પોતે કુંવારી હોવાથી ગર્ભ ન રાખવા માટે કહ્યું હતું. આ સિવાય યુવતીના તેના માસા સાથેની ચેટિંગના કેટલાક મેસેજ પણ તેના ભાઇને મળી આવ્યા હતાં. જેમાં તેના માસાએ તેની લાઇફ બનાવવાની લાલચ આપીને અવાર નવાર તેની સાથે શારીરિક સંબંધ બાંધી તેને પ્રેગનેન્ટ કરીને સમાજમાં બદનામી માટે છોડી દેતા તેણે આત્મહત્યા કરી હોવાની હકીકત જાણવા મળતા અંતે તેણે સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરી હતી. પોલીસએ આ મામલે ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૂ કરી છે.