આંદોલન દરમિયાન અનેક જગ્યાએ પોલીસ સ્ટેશન પર હુમલો કરવામાં આવ્યો અને આગ ચાંપી દેવામાં આવીઆગને કારણે તબાહ થયેલા આ ભવનને જોઈને એ સમજવું મુશ્કેલ છે કે આ ખરેખર ઢાકાના મીરપુરના પોલીસ સ્ટેશનની ઇમારત છે. આ ઇમારતની દીવાલો આગથી બળીને કાળી થઈ ગઈ છે.
પોલીસ સ્ટેશનની સામે પોલીસના યુનિફૉર્મ, કેટલીક જોડી શૂઝ અને થોડાં બુલેટપ્રૂફ જેકેટો સિવાય અનેક સામાનનો ઢગલો પડ્યો છે.
આ તમામ ચીજવસ્તુઓ મોટેભાગે આગથી બળી ગઈ છે. હવે તેનો ઉપયોગ થઈ શકે તેમ નથી.
ગુરુવારે સવારે અંદાજે સાડા નવ વાગ્યે ઢાકાના મીરપુર મૉડલ થાણાની તસવીરો પણ કંઇક આવી જ હતી. આ પોલીસ સ્ટેશનમાં અંસાર (અર્ધસૈનિક દળો)ના આઠ કર્મચારીઓ ડ્યૂટી કરી રહ્યા છે.
મીરપુર થાણાની આ સળગી ગયેલી ઇમારત એ વાતનો પુરાવો છે કે સામાન્ય લોકોમાં પોલીસ પ્રત્યે કેટલી નારાજગી હતી.
એક ઑફિસમાં કામ કરનારા કમાલ હુસૈન પોલીસ સ્ટેશનની સામે ઊભા રહીને પરિસ્થિતિનું નિરીક્ષણ કરી રહ્યા હતા.
તેમણે કહ્યું, “મેં ક્યારેય વિચાર્યું પણ ન હતું કે પોલીસની આવી હાલત થઈ જશે.”
માત્ર મીરપુર જ નહીં પરંતુ બાંગ્લાદેશના કોઈ પણ પોલીસ સ્ટેશનમાં ગત સોમવાર બપોરથી કોઈ પોલીસ કર્મચારી દેખાતા નથી.
એ પહેલાં તમામ પોલીસ સ્ટેશનમાંથી એકસાથે તમામ પોલીસકર્મીઓના ફરાર થવાની ઘટના બાંગ્લાદેશમાં ક્યારેય બની નથી.
હાલના તથા ભૂતપૂર્વ અધિકારીઓનું કહેવું છે કે દુનિયાના અન્ય દેશોમાં પણ આવી ઘટના ભાગ્યે જ બની હશે. તેમનું કહેવું છે કે અનેક વાર યુદ્ધની પરિસ્થિતિઓમાં પણ આવી ઘટના જોવા મળે છે.
સૌથી મોટો સવાલ એ છે કે પોલીસ સામે આવી પરિસ્થિતિ પેદા કેમ થઈ?
પોલીસ જેટલી જલદી કામ પર પરત ફરશે અને કાયદો અને વ્યવસ્થાને સામાન્ય બનાવવામાં તેમની મહત્ત્વની ભૂમિકા ભજવશે, તેટલો જલ્દી જ તેમનામાં વિશ્વાસ પુનઃસ્થાપિત થશે.
ઢાકાના ભટારા પોલીસ સ્ટેશનની સ્થિતિ પણ મીરપુર પોલીસ સ્ટેશન જેવી જ છે. આગ લાગ્યા બાદ હવે પોલીસ સ્ટેશનનો કાટમાળ ચારે બાજુ વિખરાયેલો છે.
અન્સારના ઘણા સભ્યો પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે. પોલીસ સ્ટેશનની અંદર વિદ્યાર્થીઓના જૂથ સાથે પણ મુલાકાત થઈ. તેમણે કહ્યું કે તેઓ અહીં પોલીસ સ્ટેશનની બહાર પથરાયેલા કાટમાળને સાફ કરવા આવ્યા છે.
પોલીસનો ઉલ્લેખ થતાં જ તેમના અવાજમાં ગુસ્સો ઊભરી આવે છે. આથી, સામાન્ય લોકોમાં પોલીસ પ્રત્યેના રોષને દૂર કરીને સ્થિતિ કેવી રીતે સામાન્ય બનાવી શકાશે એ મોટો સવાલ છે.
એક ખાનગી યુનિવર્સિટીના વિદ્યાર્થી અબ્દુર રઝાક બીબીસી બાંગ્લાને કહે છે, “સામાન્ય લોકો સાથે એકતા દાખવીને અને આપણા વર્તનમાં નરમાશ લાવીને જ પરિસ્થિતિને સામાન્ય બનાવી શકાશે.”
ઢાકાની ન્યૂ મોડલ કૉલેજના વિદ્યાર્થી શાહજલાલ પટવારી કહે છે, “હું પોલીસકર્મીઓ સાથે વાત કરતા ડરતો હતો. પોલીસનું વલણ ખૂબ જ ખરાબ હતું. આ સિવાય પોલીસકર્મીઓએ વિદ્યાર્થીઓ અને સામાન્ય લોકો પર ઘાતકી હુમલાઓ કર્યા છે. તેમણે મનફાવે તેમ ગોળીઓ ચલાવી છે.”
પોલીસ સામે લોકોના મનમાં ઉદ્ભવેલા આ ગુસ્સાથી વરિષ્ઠ અધિકારીઓ પણ વાકેફ છે.
એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ નામ ન આપવાની શરતે બીબીસી બાંગ્લાને જણાવ્યું કે, “જ્યારે પોલીસે 2012થી મોટાપાયે બળપ્રયોગ કરવાનું શરૂ કર્યું ત્યારથી લોકોના મનમાં તેના પ્રત્યે ભારે અવિશ્વાસ પેદા થયો.”
તેમણે કહ્યું કે, “પોલીસકર્મીઓને ફરજ પર પાછા ફરવાનું કહેવામાં આવ્યું છે.”
ભટારા પોલીસસ્ટેશનમાં જપ્ત કરવામાં આવેલી ગાડીઓને ભીડે આગ ચાંપી દીધી હતી
પોલીસ જેટલી જલદી કામ પર પરત ફરશે અને કાયદો અને વ્યવસ્થાને સામાન્ય બનાવવામાં તેમની મહત્ત્વની ભૂમિકા ભજવશે, તેટલો જલ્દી જ તેમનામાં વિશ્વાસ પુનઃસ્થાપિત થશે.
એ અધિકારીએ એ વાત પણ માની કે પોલીસના વલણને કારણે સામાન્ય લોકોમાં તેના પ્રત્યે ભારે નારાજગી વ્યાપી છે, અને હવે આ નારાજગી એકસાથે ફૂટી નીકળી છે.
એ વાતમાં કોઈ શક નથી કે પોલીસ માટે હાલની પરિસ્થિતિ અતિશય જટિલ છે.
તમામ પોલીસસ્ટેશનોમાંથી મોટાપાયે હથિયારો અને દારૂગોળો લૂંટી લેવામાં આવ્યો છે. ઘણાં પોલીસકર્મીઓ પાસે યુનિફૉર્મ નથી. ઘણા પોલીસસ્ટેશનોમાં બેસવા જેવી પરિસ્થિતિ પણ નથી.
ગુરુવારે ઢાકામાં અનેક સ્થળોની મુલાકાત દરમિયાન એ જોવા મળ્યું કે સિટી કૉર્પોરેશનના કેટલાક કર્મચારીઓ ત્યાં કાટમાળ હટાવવાનું કામ કરી રહ્યા છે.
ઢાકાના પલ્લવી પોલીસસ્ટેશનની સામે કેટલાક સ્થાનિક લોકો ગટરની સામે ઉભાં હતાં. તેમાં ઢાકા નોર્થ સિટી કૉર્પોરેશનના વૉર્ડ નંબર 2ના કાઉન્સિલર સજ્જાદ હુસૈન પણ હતા.
સજ્જાદે કહ્યું, “પોલીસકર્મીઓ પોલીસ સ્ટેશન સુધી પહોંચી શકતા નથી. તેથી, સ્થાનિક લોકોને સહયોગની અપીલ કરવામાં આવી રહી છે. હવે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ માટે પોલીસની જરૂર તો પડશે જ. પોલીસકર્મીઓ અમારો સંપર્ક કરી રહ્યા છે. “