મહારાષ્ટ્રમાં ટ્રેઈની IAS પૂજા ખેડકરની ઠગાઈ સામે આવ્યા બાદ ભારત સરકારના ડાયરેક્ટર જનરલ ઑફ હેલ્થ સર્વિસે ગુજરાતના 4 દિવ્યાંગ IAS અધિકારીઓના સર્ટીફિકેટની તપાસનો આદેશ આપ્યો છે. ગુજરાત કેડરમાં વિકલાંગતાના આધારે 7 IAS અધિકારીઓની પસંદગી કરવામાં આવી હતી.
પૂજા ખેડકરનું પ્રકરણ સામે આવ્યા બાદ દેશના અન્ય રાજ્યોની જેમ ગુજરાત સરકારે પણ વિકલાંગતાના આધારે નોકરી મેળવી ચૂકેલા IAS અધિકારીઓની તપાસ શરૂ કરી હતી.
આ તમામ IAS અધિકારીઓને દિલ્હીની સફદરજંગ હોસ્પિટલ અથવા દિલ્હી સ્થિત એઈમ્સમાં તપાસ કરવાના આદેશ જારી કરવામાં આવ્યા છે.
મુખ્યમંત્રી કાર્યાલયે વિકલાંગતા પ્રમાણપત્રના આધારે પસંદગી પામેલા IAS અધિકારીઓના દસ્તાવેજોની તપાસ કરવાની સૂચના આપી હતી, પરંતુ આ મામલે કોઈ સત્તાવાર અહેવાલ જાહેર કરવામાં આવ્યો નથી. બીજી તરફ વિધાનસભામાં વિપક્ષ નેતા કોંગ્રેસના ધારાસભ્ય અમિત ચાવડાએ પણ વહીવટમાં પારદર્શિતા માટે આવા અધિકારીઓના વિકલાંગતાના પ્રમાણપત્રની માંગણી કરી છે.